રિપોર્ટ@ગુજરાત: વોર્ડ નં.2માં નવા બનેલા રોડની નબળી ગુણવત્તાના કારણે સ્થાનિકોમાં ભારે રોષ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જસદણ શહેરની નગરપાલિકા સામે રોડની કામગીરી બાબતે કેટલાક સવાલો ઊભા થયા છે. રોડની નબળી કામગીરીના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નગરપાલિકા દ્વારા બનાવવામાં આવી રહેલા નવા રોડ-રસ્તાઓની નબળી ગુણવત્તાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વોર્ડ નંબર 2 માં મામલતદાર કચેરી સામે બની રહેલા સી.સી. રોડના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થયું હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે. નાગરિકોની વારંવાર રજૂઆતો છતાં, કામગીરી સુધારવામાં ન આવતા, સ્થાનિકોએ આખરે વોર્ડના ભાજપના સદસ્ય બીજલભાઈ ભેંસજાળીયાને બોલાવીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ રોડનું કામ શરૂ થયું ત્યારથી જ ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આટલી ગંભીર રજૂઆતો છતાં, જસદણ નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર કે એન્જિનિયર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી.
કોન્ટ્રાક્ટરે સ્થાનિકોના વિરોધ છતાં મનફાવે તેમ રોડ બનાવી નાખ્યો, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે. રોડના નિર્માણ દરમિયાન, નગરપાલિકાના એન્જિનિયરની ગેરહાજરીમાં કામ કરવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ છે. આ પરિસ્થિતિએ શહેરીજનોમાં જસદણ નગરપાલિકાના વહીવટ સામે ભારે રોષ અને અવિશ્વાસનું વાતાવરણ ઊભું કર્યું છે.
આ મામલે યોગ્ય તપાસ અને કાર્યવાહી નહીં થાય, તો આગામી સમયમાં આ વિરોધ વધુ ઉગ્ર બની શકે છે અને આંદોલનાત્મક કાર્યક્રમો અપાશે. લોકોએ નગરસેવકને સ્થળ પર બોલાવી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.