તારાજી@અરવલ્લી: 2 કલાકમાં 5 ઈંચ કમોસમી વરસાદ ખાબક્યો, પાકને મોટું નુકસાન

 
Arvali

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં હજુ પણ કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં હજુ ચાર દિવસ માવઠાનો માર રહી શકે છે. રાજ્યના 17 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી છે. 18 માર્ચે એટલે કે આજે અમદાવાદ, અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, ગાંધીનગર, મહિસાગર, પંચમહાલ, સાબરકાંઠા, ડાંગ, નર્મદા, તાપી, અમરેલી, ગીર સોમનાથ, જામનગર, રાજકોટ અને કચ્છમાં ભારે પવન અને ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.

આ સાથે આવતીકાલે એટલે કે 19 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર, અમરેલી, કચ્છમાં ગાજવીજ અને 40 કિલોમીટરની ઝડપે પવન સાથે સામાન્ય વરસાદની શક્યતા છે. 20મીએ બનાસકાંઠા, દાહોદ, સાબરકાંઠા,છોટાઉદેપુર, અમરેલી, ભાવનગરમાં વરસાદની શક્યતા છે. 21 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, સુરત, વલસાડ, દમણ, દાદરા નગરહવેલી, દ્વારકા, ગીરસોમનાથ, જૂનાગઢ, પોરબંદર, કચ્છમાં વરસાદ પડી શકે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, વરસાદને કારણે ભરઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે. સાબરકાંઠામાં ભારે વરસાદ બાદ પાણી ભરાયાં છે. ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગાંભોઈ ભિલોડા રોડ પર વરસાદી પાણી ભરાયાં છે. સુરજપુરા રેલવે અંડરબ્રિજમાં વરસાદી પાણી ઘૂસ્યાં હોવાનું સામે આવ્યું છે. અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થઇ રહ્યા છે.

સાબરકાંઠા જિલ્લાનો હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે ખખડધજ જોવા મળી રહ્યો છે. એક જ વરસાદમાં રોડની બાજુમાં ગાબડા પડ્યા છે. પાણીના પ્રવાહમાં હાઈવેની કપચી વહેવા લાગી છે. રોડ પર કપચી આવતા વાહનચાલકો પરેશાન થયા છે. આ હાઈવે થોડા જ દિવસો અગાઉ તૈયાર થયેલો છે પરંતુ સામાન્ય વરસાદમાં રોડ તૂટી જતાં કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવેલા કામની ગુણવત્તા ઉપર સવાલો ઉભા થઇ રહ્યાં છે.