ધાર્મિક@ગુજરાત: યાત્રાધામ પાવાગઢમાં દોઢ લાખ જેટલા શ્રદ્ધાળુ અટવાયા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
નવરાત્રિ શરૂ થવાને માત્ર એક દિવસ બાકી છે ત્યારે આજે વહેલી સવારથી યાત્રાધામ પાવાગઢમાં માનવ મહેરામણ ઊમટી પડ્યો હતો. આસો નવરાત્રિના આગલા દિવસે આજે શક્તિપીઠ અને યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિર ખાતે શ્રદ્ધાળુ ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. માચી ખાતે વાહન પાર્કિંગ બંધ કરી દેવામાં આવતાં તમામ ખાનગી વાહનોનો તળેટીમાં જમાવડો થઈ જતાં પોલીસે પાવાગઢ તળેટી સુધી પહોંચવાના તમામ માર્ગો સવારે જ બેરિકેડિંગ કરીને બંધ કરી દીધા હતા. તો બીજી તરફ એસટી બસની સુવિધા વગર યાત્રિકો અટવાયા હતા.
આસો નવરાત્રિના પહેલા દિવસથી યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શને આવતા શ્રદ્ધાળુ ભક્તોની સુવિધાને લઈને પંચમહાલ જિલ્લા કલેકટર દ્વારા ખાનગી વાહનોને તળેટી સુધી પ્રવેશવા દેવાને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, પરંતુ નવરાત્રિના આગલા દિવસે પણ દોઢ લાખથી વધુ શ્રદ્ધાળુ ભક્તો વહેલી સવારે જ માતાજીનાં દર્શન કરવા પહોંચ્યા હતા. એક તબક્કે વાહનોનો ચક્કાજામ સર્જાઈ જતાં પાવાગઢ પોલીસે તળેટી સુધી પહોંચવાના તમામ પાંચ પોઇન્ટ બેરિકેડિંગ કરીને બંધ કરી દેવા પડ્યા હતા. તો તળેટી સુધી પહોંચેલા યાત્રાળુઓની ખાનગી કાર અને વાહનોને માચીનું પાર્કિંગ બંધ કરી દેવાતાં ફરજિયાત તળેટીમાં પાર્ક કરવા પડ્યાં હતાં.
એસટી વિભાગ દ્વારા આજ રાતથી વધારાની એસટી બસો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આજે દોઢ લાખથી વધુ યાત્રાળુઓ પહોંચી જતાં તમામ યાત્રિકોએ ફરજિયાત એસટી બસમાં મુસાફરી કરવાની થતાં બસો ખૂટી પડી હતી. સવારે માચી પહોંચેલા યાત્રિકો માતાજીનાં દર્શન કરી પરત ફરેલા યાત્રાળુઓ એસટી બસના મર્યાદિત રૂટને કારણે કલાકો સુધી અટવાયા હતા. આસો નવરાત્રિ પૂર્વે માચીનું પાર્કિંગ આજે બંધ કરાવી દેવામાં આવ્યું છે અને તળેટીથી માચી સુધી નિયમિત ફરતાં ખાનગી પેસેન્જર વાહનો પણ બંધ કરાવી દેવામાં આવતાં આજે અહીં આવેલા શ્રદ્ધાળુઓની યાત્રા અત્યંત કપરી બની હતી.
તળેટીથી બીડેલી રોડ ઉપર બે કિલોમીટર સુધી ખાનગી વાહનોનો જમાવડો થઈ ગયો હતો, તો હાલોલ તરફ પણ આઇટીઆઇ સુધી એક તરફનો માર્ગ વાહનોથી ભરાઈ ગયો હતો. જ્યારે જામી મસ્જિદથી વડા તળાવ તરફના માર્ગ પર પણ લાંબી ખાનગી વાહનોની લાઇન લાગી જતાં યાત્રિકો તળેટીથી દૂર દૂર વાહનો મૂકી ચાલીને પહોંચ્યા હતા. તળેટીમાં પણ ખાનગી વાહનો બંધ હોવાથી લાંબી રાહ જોયા પછી એસટી બસમાં ગયેલા યાત્રાળુઓને માચી ખાતે પણ કલાકો સુધી રાહ જોવી પડી છે. હાલ બપોરના અઢી વાગ્યા સુધી માચી ખાતે યાત્રાળુઓની ભારે ભીડ જોવા મળી હતી.