ગુનો@જૂનાગઢ: વીજ બીલની રકમની વસુલાત કરવા ગયેલા PGVCLના કર્મચારી પર હુમલો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં મારા-મારીની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. દિવસેને દિવસે આ ઘટનાઓ વધી રહી છે. લોકો સામાન્ય બાબતે એક બીજાને જાનથી મારી નાખે છે. જૂનાગઢ શહેરમાં વીજ બીલની રકમની વસુલાત કરવા ગયેલા PGVCLના કર્મચારી પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. માર્ચ એન્ડિંગ દરમિયાન વીજ રકમ વસુલાત અને ચેકિંગ કરવા ગયેલા અધિકારી પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો. જેને લઈ પીજીવીસીએલના અધિકારી કમલસિંહ રાઠોડ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીને ઝડપી લીધા હતા.
કમલસિંહ રાઠોડે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા લખાવ્યું હતું કે, આશરે 8:30 વાગ્યે જૂનાગઢ સેન્ટ્રલ પેટા વિભાગના ગ્રાહકોના વીજ બીલ બાકી હોય તેની વસૂલાત કરવા માટે અલગ-અલગ સાત ટીમો બનાવવામાં આવી હતી. દરેક ટીમને અલગ અલગ વિસ્તારમાં બીલની બાકી રહેતી રકમની વસુલાત માટે મોકલવામાં આવ્યા હતા. એક ટીમ સાથે ફરિયાદી કમલસિંહ રાઠોડ સુપરવિઝન અધિકારી તરીકે ગયા હતા. ત્યારે અજંતા ટોકીઝ વાળી ગલીના પાસે આવેલી અજમેરી પાનની દુકાનનું વીજ બિલ રૂ. 2221 બાકી હતું. જેથી આ પાનની દુકાનના માલિકે આ બીલ ભરવાની સાફ મનાઈ કરી દીધી હતી. તેમજ દુકાનમાં બેઠેલા મોટી ઉંમરના બાપાએ અન્ય કોઈ વ્યક્તિ સાથે કમલસિંહ રાઠોડની વાત કરાવી હતી. ત્યારે ફોન પર વાત કરતા વ્યક્તિએ કહ્યું હતું કે, આ દુકાન મારા પપ્પા હુસેનભાઈ જમાલભાઈ માલવયાની છે. હું તેનો દીકરો ઈરફાન માલવીયા બોલું છું. તે દરમિયાન PGVCL ટીમ દ્વારા દુકાનનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું.
જે બાદ હુસેન માલવયાએ આવી કમલસિંહ રાઠોડને મન ફાવે તેમ અપશબ્દો બોલી ધોકા અને લાકડી વડે માર માર્યો હતો. તેમજ ઈરફાન હુસેનભાઇ માલવીયા અને મોહમ્મદ રફીક સતારે PGVCLના કર્મચારી કમલસિંહ રાઠોડને ઢીકા પાટુનો માર માર્યો હતો. આ ત્રણેય આરોપીઓ દ્વારા અધિકારીને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. પીજીવીસીએલના અન્ય સ્ટાફ દ્વારા વચમાં પડી કમલસિંહ રાઠોડ ને બચાવ્યા હતા. ઈજાગ્રસ્ત પીજીવીસીએલના કર્મચારી કમલસિંહ રાઠોડને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને ત્રણે આરોપીઓ વિરુદ્ધ એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એ ડિવિઝન પોલીસ દ્વારા ફરિયાદના આધારે PGVCL ના અધિકારી પર હુમલો કરનાર હુસેન માલવિયા, ઈરફાન માલવયા અને મહમદરફીક માલવિયાને ઝડપી પાડવામાં આવ્યાં હતા.
પીજીવીસીએલના નાયબ ઈજનેર કમલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, આજે અમારી ટીમ દ્વારા જૂનાગઢના અલગ-અલગ વિસ્તારોમાં વીજ બીલ મામલે વસુલાત હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં જે લોકોએ પોતાના વીજ બીલની રકમ ભરપાઈ ન કરી હોય તેના કનેક્શન કાપવા માટે પણ એક અલગ ટીમ બનાવવામાં આવી હતી. જ્યારે આજે પંચપીરની દરગાહ પાસે વીજ કનેક્શનની કામગીરી કરવા માટે ગયા હતા. તે સમયે આ વિસ્તારમાં આવેલી બે દુકાનો ઘણા સમયથી વીજ બીલની ભરપાઈ કરતા ન હતા. એને લઈ આ બંને મિલકતોના વીજ કનેક્શન કાપી નાખવાની ફરજ પડી હતી. તે સમયે દુકાન પર હુસેનભાઇ નામના વ્યક્તિ આવી ગાળો દેવા લાગ્યા હતા અને અમારા પર જીવલેણ હુમલો કર્યો હતો. હુસેન ભાઈએ મને લાકડીથી માર માર્યો હતો.
હિતેશ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે, પીજીવીસીએલ દ્વારા માર્ચ એન્ડિંગ કામગીરી માટે સેન્ટ્રલ સબ ડિવિઝન ના અધિકારીઓની હુસેની ચોકમાં ચેકીંગ માટે ગયા હતા. તે દરમિયાન હુસેન દેવગોડાની દુકાનમાં વીજ કલેક્શનનું બાકી લેણું ભરપાઈ ન કરતા વીજ કનેક્શન કટ કરાયું હતું. જેને લઇ PGVCLના કર્મચારીઓ પર બે ઈસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. પીજીવીસીએલના કર્મચારી દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જેને લઈ એ ડિવિઝન પીઆઈ વત્સલ સાવજ અને તેની ટીમ દ્વારા કર્મચારી પર હુમલો કરનાર ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.