ખળભળાટ@દેવગઢબારીયા: નાડાતોડમા મનરેગા કામોનો ઓડીટ રીપોર્ટ રામભરોસે, કૌભાંડીઓને મજા પડી

 જાણીએ સમગ્ર અહેવાલ
 
ખળભળાટ@દેવગઢબારીયા: નાડાતોડમા મનરેગા કામોનો ઓડીટ રીપોર્ટ રામભરોસે, કૌભાંડીઓને મજા પડી

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

દેવગઢ બારિયા તાલુકાના નાડાતોડ ગામમાં મનરેગાના થોકબંધ કામો કાગળ ઉપર હોવાની ચોંકાવનારી ફરીયાદ છે ત્યારે સૌથી મોટી વિગત સામે આવી છે. નાડાતોડ ગામમાં મનરેગાના કામોમાં ભ્રષ્ટાચાર કરી લીધો હોય તો પણ વર્ષો સુધી ખબર ના પડે તેવી પરિસ્થિતિ છે. કેમ કે સરકારના દરેક વિભાગના દરેક કામોનું ઓડીટ અને પ્રિ ઓડીટ થાય છે પરંતુ મનરેગા અને ખાસ કરીને નાડાતોડ ગામમાં હકીકત જાણી પગ તળે જમીન સરકી જશે. નાડાતોડ ગામમાં કરોડોના કામોનું સોશિયલ ઓડીટ ના થયું હોવાનો ઘટસ્ફોટ થયો છે. ખુદ જિલ્લા સોશિયલ ઓડીટરે ખુલાસો કર્યો છે કે, સ્ટાફના અભાવે ઓડીટ થયું નથી. જાણીએ સમગ્ર અહેવાલ.

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં ખરેખર મનરેગાના કામોમાં ભ્રષ્ટાચાર કરવા શું છૂટો દોર છે ? આ સવાલ એટલા માટે ઉભો થાય છે કે, સરકારે આટઆટલી વ્યવસ્થા ગોઠવી છતાં કૌભાંડીઓને મોકળું મેદાન મળી ગયું છે. મનરેગા હેઠળ નાડાતોડ ગામમાં અત્યાર સુધી કરોડોના કામો થયા છે પરંતુ આ હજારો કામોનું ઓડીટ જાણે રામભરોસે છે. દરેક કામોનું સોશિયલ ઓડીટ કરવાની મનરેગા એક્ટમા જોગવાઈ છતાં દેવગઢ બારિયા તાલુકામાં કૌભાંડી ટોળકીને મજા મજા છે જાણો કેમ નીચેના ફકરામાં.

સૂત્રોએ જણાવ્યું હતું કે, મનરેગા કાયદા હેઠળ આમ તો દરેક કામોનું સોશિયલ ઓડીટ કરવું ફરજિયાત છે આમ છતાં મટીરીયલ કામોનું સોશિયલ ઓડીટ કેલેન્ડર મુજબ થઈ જવું નિયમમાં છે. આમ છતાં દેવગઢ બારિયા તાલુકાના નાડાતોડ ગામમાં વર્ષોથી કરોડોના કામોનું સોશિયલ ઓડીટ થયું નથી તેમ દાહોદ જિલ્લા મનરેગા સોશિયલ ઓડીટર વિજયભાઈએ જણાવ્યું છે. હવે જાણો શું છે સોશિયલ ઓડીટ. મનરેગા હેઠળ થતાં દરેક કામોના સ્થળ ઉપર જઈને એક એક કામની મુલાકાત લઈ ઓડીટ રીપોર્ટ તૈયાર કરવાનો હોય છે.

 મુલાકાત દરમિયાન જો કોઈ ક્ષતિ જણાય તો તેનો એક્શન ટેકન રીપોર્ટ તૈયાર કરી કમિશ્નરને રજૂ કરવાનો હોય છે. આ તમામ કામગીરી ઓનલાઇન પણ અપલોડ કરવાની હોય છે ત્યારે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં આજસુધી એકપણ એક્શન ટેકન રીપોર્ટ થયો હોવાનું જણાયું નથી અને આવા રીપોર્ટ કદાચ થયા હોય તો સોશિયલ ઓડીટ રીપોર્ટ ઉપર કાર્યવાહી ક્યારેક થઈ નથી. આથી આગામી ન્યૂઝ રીપોર્ટમાં દેવગઢ બારિયા તાલુકામાં સોશિયલ ઓડીટ ઉપરનો સૌથી મોટો ઘટસ્ફોટ જાણીશું.