કાર્યવાહી@રાજકોટ: ગેમઝોન અગ્નિકાંડના 4 આરોપીઓના જામીન રદ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં બનેલી ભયાનક ઘટનાએ લોકોના હદય કંપાવી દીધા હતા. રાજકોટમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં બાળકો, મહિલાઓ સહિત 27 લોકો જીવતા ભૂંજાઈ ગયાની અતિ ગંભીર ઘટના બાદ પોલિસે ગેમ ઝોનનાં માલિક અને મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર અને ચીફ ફાયર ઓફિસર સહિત 15 ની ધરપકડ કરવામાં આવી હતી.
જેમાં 4 આરોપીઓનો ચાર્જશીટ બાદની જામીન અરજી મામલે આજે ચુકાદો હતો. જેમાં ગેમઝોનના માલિક અશોકસિંહ જાડેજા, રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર, પૂર્વ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર ગૌતમ જોશી અને રાજેશ મકવાણાને જામીન મામલે આજે ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. જોકે તેમા ચારેય આરોપીને જામીન ન મળતા હવે હાઇકોર્ટમાં જવું પડશે.
TRP ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે 25મી સપ્ટેમ્બરે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં 4 આરોપીઓની ચાર્જશીટ બાદની જામીન અરજી મામલે કેસ ચાલ્યો હતો. જેમાં ગેમ ઝોનના માલિક અશોકસિંહ જાડેજા, રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર, પૂર્વ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર ગૌતમ જોશી અને રાજેશ મકવાણાના વકીલ દ્વારા આરોપીઓનો બચાવ કરવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળતી વિગત મુજબ, માલિક જાડેજાના વકીલનું કહેવું હતું કે, માલિક અશોકસિંહ ગેમ ઝોનમા કોઈપણ પ્રકારનું મોનિટરિંગ કરતા ન હતા. જેથી તેઓ ત્યાં જતા ન હતા અને તેમને કોઈપણ પ્રકારની માહિતી પણ નહોતી. જ્યારે અધિકારીઓ તરફી વકીલોની દલીલમાં અધિકારીઓની જવાબદારીની એકબીજા ઉપર ફેંકાફેંકીની બાબત સામે આવી હતી. જેમાં ઈલેશ ખેરના વકીલે કહ્યું કે, ઘટના જ્યાં બની તે કાલાવાડ રોડ ઝોનમાં આવે, ફાયર સેફ્ટીના નિયમો મુજબ ચેકિંગ કરવાની જવાબદારી ન આવે. જ્યારે પૂર્વ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર તરફી વકીલોએ કહ્યું કે, જે-તે સમયે ગેમ ઝોનનું બાંધકામ શરૂ થયું હતું તે સમયે નોટિસો અપાઇ હશે, પરંતુ ત્યારે અમે ફરજ પર નહોતા. જે પછી અમારી નિમણૂક થઈ. જેથી અમારો આમાં કંઈ રોલ નથી.
જેથી સરકાર પક્ષી વકીલે કહ્યું હતું કે, TRP ગેમ ઝોનનાં માલિકની તમામ જવાબદારી બને છે. જ્યારે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર એવું કહે છે કે, બાંધકામ શરૂ થયું ત્યારે અમારી નિમણૂક નહોતી થઈ તો બાદમાં ગેરકાયદેસર બાંધકામ ઉભું થઈ ગયું અને ધમધમવા પણ લાગ્યું તો ત્યારે શા માટે નોટિસ આપી બાંધકામ ન અટકાવ્યું કે તોડી પાડ્યું. જ્યારે પૂર્વ ચીફ ફાયર ઓફિસર કહે છે કે, ફાયર NOC વિના બિલ્ડિંગ ધમધમતું હોય તે બાબતે કોઈની અરજી આવે તો ચેકિંગ કરી શકીએ તો આ ઘટના બાદ શા માટે ગેમ ઝોન ઉપરાંત તાબડતોબ ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું અને ફાયર એનઓસી વિનાના તમામ બિલ્ડિંગો સીલ કરી દેવામાં આવ્યા.