બનાવ@જૂનાગઢ: યુવક પક્ષ દ્વારા લગ્નની ના પાડતા યુવતીએ ઝેરી દવા પી આપઘાત કર્યો

લગ્નની ના પાડતા ઝેરી દવા પી લઈ જિંદગી ટૂંકાવી
 
 બનાવ@જુનાગઢ: યુવક પક્ષ દ્વારા લગ્નની ના પાડતા યુવતીએ ઝેરી દવા પી  જિંદગી ટૂંકાવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં આત્મહત્યાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આત્મહત્યાની ઘટનાઓ સામે આવતી હોય છે.  જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ટીટોળી ગામમાં રહેતી 24 વર્ષીય યુવતીની સગાઈ થયા બાદ સાસરિયા પક્ષ દ્વારા લગ્નની ના પાડી દેવાતા લાગી આવતા યુવતીએ જિંદગી ટૂંકાવી લીધાનો બનાવ સામે આવ્યો છે. લગ્નની તારીખ નક્કી થયા બાદ સાસરી પક્ષના લોકો દ્વારા લગ્નની ના પાડી દેવાતા લાગી આવવાથી જિંદગી ટૂંકાવી હોવાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા બે પાનાની સુસાઈડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ટીટોડી ગામમાં રહેતી અસ્મિતા સોંદરવા નામની 24 વર્ષીય યુવતીની સાહિલ રાઠોડ નામના યુવક સાથે સગાઈ થઈ હતી. બંનેના પરિવાર દ્વારા લગ્નની તારીખ પણ નક્કી કરવામાં આવી હતી. પરંતુ, કોઈ કારણોસર યુવક પક્ષના લોકો દ્વારા લગ્નની ના પાડી દેવાતા અસ્મિતાને લાગી આવતા પોતાના ઘરે જ ઝેરી દવા પી લીધી હતી. પરિવારજનો તાત્કાલીક અસ્મિતાને કેશોદ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી.


અસ્મિતાની આત્મહત્યા બાદ તેમના પરિવારજનોને બે પાનાની સુસાઈડ નોટ મળી આવી હતી. જે સુસાઈડ નોટ પોલીસને સોંપવામાં આવી છે. પરિવારજનોને જે સુસાઈડ નોટ મળી આવી છે જેમાં નીચે મુજબનું લખાણ લખવામાં આવ્યું છે.

'હું અસ્મિતા આ બધુ મારા હાથે લખું છું. અત્યાર સુધીમાં એને મને બધુ ખોટું જ કીધું છે. હું તેનું બધુ સાચુ માનતી હતી. એને માને બધુ ખોટું બોલીને ભોળવી હતી. અત્યાર સુધી એને મને જેમ કીધું એમ મેં કર્યું. મેં મારા મમ્મી-પપ્પાનું ન માન્યું અને એની વાત પર વિશ્વાસ કર્યો અને એને મારી પર વિશ્વાસઘાત કર્યો. મારા મમ્મી-પપ્પાનો કોઈ પણ વાંક નથી. બધુ જ બરાબર હતું. તે બધા અમારા ઘરે આવીને લગ્નની તારીખ લઈ ગયા અને તારીખ પણ આપી દીધી તી. મારા મમ્મી-પપ્પાને મેં જેમ કીધું એમ મારા મમ્મી-પપ્પાએ કર્યું. તારીખ લેવા આવ્યા ત્યારે પાંચ તોલા સોનાની વાત નક્કી કરી હતી અને હવે એ લોકો ફરી ગયા. પહેલા સાહિલે મને કહેલું કે સોનું કરાવી આપીશ. તેની આ વાત સાચી માની પણ હવે ઈ વાત માનતો નથી. એનાથી સોનું બનતું નહોતું એટલે એ આવ્યા. તેમાં સાહિલની બે બહેનો નીતા અને શિતલ, શિતલનો ઘરવાળો વિશાલ, પછી સાહિલના પપ્પા, તેના કાકા અને તે પોતે હતા. પછી વાત કાંઈ કરી નહીં અને બાઝવાનું શરૂ કર્યા પછી જેમ મન ફાવે એમ ગાળો કાઢવા લાગ્યા એટલે આખું ગામ ભેગું થઈ ગયું. પછી ધમકીઓ આપી એમાં એની બહેનોએ એમ કહ્યું કે, જાન તો આજે પણ નહીં આવે અને કાલે પણ નહીં આવે અને તેના કાકાએ એમ ધમકી મારી કે, તમને બધાને મરવીને તમારી ઘરે તાળા મરાવી દઈશ. જો હું તાળા ન મરાવું તો મારા બાપમાં ફેર. એની બહેનો એમ કહેતા હતા કે, અમારું બધુ આપી દે, અમારે તું નથી જોઈતી. હું આ લગ્ન મારી મરજીથી કરતી હતી. આમાં મારા મમ્મી-પપ્પાનો કોઈ પણ જાતનો વાંક નથી. મેં તેને સમજાવવાની બહુ ટ્રાય કરી પણ તે કંઈ સમજવા તૈયાર નથી. તેથી હું આવું પગલું ભરું છું.'


આ બાબતે ડીવાયએસપી બી.સી. ઠક્કરે જણાવ્યું હતું કે, કેશોદ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો બનાવ નોંધાયેલો છે. રમેશભાઈ સોંદરવાની પુત્રીના લગ્ન સાહિલ રાઠોડ સાથે નક્કી થયેલા પણ લગ્ન લઈને આવવાની ના પાડતા અસ્મિતાબેનને લાગી આવતા પોતાના ઘરે ઝેરી દવા પી લઈને આત્મહત્યા કરી લીધેલ છે. જે બાબતે રમેશભાઈની જાહેરાતના આધારે કેશોદ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.