બનાવ@વડોદરા: TVSના શો-રૂમમાં વિકરાળ આગ લાગતા લોકોમાં અફરાતફરી મચી
ફાયરની 10 ગાડી દોડી આવી, દોઢ કરોડના 250 ટુ-વ્હીલર બળીને ખાખ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં આગ લાગવાના બનાવો અવાર-નાવર સામે આવતા હોય છે. વડોદરા ફાયર એન્ડ ઇમર્જન્સી વિભાગને ગત મોડીરાત્રે શહેરના સિંધવાઇ માતા રોડ પ્રતાપનગરમાં આવેલા TVS શોરૂમમાં આગ લાગી હોવાનો કોલ મળ્યા હતો. આ બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની 10 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગના જવાનોએ ત્રણ કલાકથી વધુની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
શો-રૂમના માલિક ઉજ્જ્વલ તલાટીએ જણાવ્યું હતું કે, અમારા શો-રૂમમાં 125 જેટલાં નવા ટુ-વ્હીલર અને સર્વિસમાં આવેલાં લોકોનાં 125 ટુ-વ્હીલર એમ 250 જેટલાં ટુ-વ્હીલર બળીને ખાખ થઈ ગયાં છે. બધાં ટુ-વ્હીલર થઈને દોઢ કરોડનું નુકસાન થયું છે જ્યારે સ્પેરપાર્ટ બળી ગયા એ ગણીએ તો અમારે કુલ 2 કરોડ જેવું નુકસાન થયું છે.
પ્રતાપનગર-માંજલપુર તરફ જતા રોડ પર આવેલ ટીવીએસ શોરૂમમાં અચાનક મોડીરાત્રે આગનો બનાવ સામે આવ્યો હતો. આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર એન્ડ ઇમર્જન્સી વિભાગની વિવિધ ફાયર સ્ટેશનની 10 જેટલી ગાડીઓ બોલાવવાની ફરજ પડી હતી અને ત્રણ કલાકથી વધુ સમયની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા શોરૂમમાં રહેલી બાઈક, સ્કૂટર અને બેટરીવાળી ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયર વિભાગે આપેલા આંકડા મુજબ શોરૂમમાં દોઢ કરોડથી વધુનું નુકસાન થયું છે.
સમગ્ર ઘટના અંગે તાત્કાલિક પોલીસ વિભાગ, વીજ પુરવઠા વિભાગ અને ફાયરની ટીમો પહોંચી કામગીરી હાથ ધરી હતી. જેમાં મકરપુરા પોલીસ સ્ટેશન અને લાલબાગ જીઇબી સ્ટાફ પહોંચી તાત્કાલિક વીજ પુરવઠો બંધ કર્યો હતો. આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ શોરૂમ માલિકને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.
ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીસ વિભાગના એસીપી પ્રણવ કટારિયા પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આગના બનાવને લઈ આસપાસના વિસ્તારમાં અડધીરાત્રે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ સાથે એક ગણેશજીના પંડાલમાં પણ દીવાના કારણે આગ લાગી હોવાની વિગતો સામે આવી છે. જો કે, તેમાં કોઈ મોટું નુકસાન થયું નથી.