બનાવ@રાજકોટ: 25 વર્ષીય યુવાને સુસાઈટ નોટ લખી આજીડેમમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

યુવકના મોતથી પરિવારમાં કલ્પાંત છવાયો
 
બનાવ@રાજકોટ: 25 વર્ષીય યુવાને સુસાઈટ નોટ લખી આજીડેમમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં આત્મહત્યાના બનાવો ખુબજ વધી ગયા છે. લોકો સામાન્ય બાબતે પોતાનું જીવન ટૂંકાવી બેસતા હોય છે.  રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા 25 વર્ષીય લોન કન્સલ્ટન્ટ ધવલ સવાણી નામના યુવાને મોડી રાતે આજીડેમમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમે દોડી જઈ યુવકનો મૃતદેહ બહાર કાઢી વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ યુવકના મોતના પગલે પરિવારમાં કલ્પાંત છવાયો હતો.


રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં હરસિધ્ધિ સોસાયટી શેરી નંબર 1માં રહેતા 25 વર્ષીય ધવલ દિનેશભાઈ સવાણી નામનો યુવાન ગઈકાલે ઘરેથી સાંજના નીકળી ગયા બાદ મોડી રાત સુધી પરત ઘરે ન આવતાં પરીવારજનો ચિંતિત થયા હતાં. આ દરમિયાન તેના મોબાઈલ નંબર પરથી એક અજાણ્યા વ્યકિતનો ફોન આવ્યો કે, આ મોબાઈલ અને બાઈક આજીડેમ પાસે પડ્યાં છે. જેથી પરીવારજનો આજીડેમ દોડી ગયા હતાં અને બાઈક જોતા તેમના પુત્રની હોવાનું સામે આવતા પોલીસને જાણ કરી હતી. આજીડેમ પોલીસ સાથે ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. જે બાદ ફાયરબ્રિગેડની ટીમે આજીડેમમાં યુવકની શોધખોળ હાથ ધરતાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. તેથી આજીડેમ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.


મૃતક યુવાન લોન મોર્ગેજ કરવાનું તેમજ લોન કન્સલ્ટન્ટનું કામ કરતો હતો. યુવકના મૃતદેહ પાસેથી એક સુસાઇડ નોટ પણ પોલીસને મળી આવી હતી. જે પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યુવાન બે બહેનનો એકનો એક ભાઈ હતો. ગઈકાલે સાંજના સમયે તેની સાથે લોન મોર્ગોજનું કામ કરતા તેના મિત્ર સાથે લોન ડોકયુમેન્ટ બાબતે વાતચીત પણ કરી હોવાનું પરિવારજનોને જાણવા મળ્યું હતું. જે બાદ અંતિમ પગલું ભરી લીધું હતું. યુવાન અને આશાસ્પદ પુત્રના મોતથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો.