બનાવ@રાજકોટ: માતાના નિધન બાદ વિયોગમાં રહેતા યુવકે આપઘાત કર્યો

હોળીની સાંજે યુવાને ગળાફાંસો ખાધો
 
બનાવ@રાજકોટ: માતાના નિધન બાદ વિયોગમાં રહેતા યુવકે આપઘાત કર્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં આત્મહત્યાની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આત્મહત્યાના બનાવો સામે આવતા હોય છે.  બાબરીયા કોલોની શેરી નંબર 5માં રહેતાં 42 વર્ષીય મુસ્‍તાકભાઇ અલ્લારખાભાઇ લીંગડીયા નામના યુવાને પોતાની 150 ફુટ રીંગ રોડ પર ગોવર્ધન ચોકમાં આવેલી સોનુ એન્‍ટરપ્રાઇઝ નામની ટ્રેકોન કુરિયરની બ્રાંચ ઓફિસમાં ધુળેટીની સવારે એસિડ પી લેતાં સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતાં.

પરંતુ બપોરે દમ તોડી દેતાં મોત નીપજ્યું હતું. બનાવની જાણ આશીર્વાદ હોસ્‍પિટલથી ડો. પાર્થ અઘેરાએ કરતાં તાલુકા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આપઘાત કરનાર મુસ્‍તાકભાઇ ત્રણ ભાઇમાં બીજા હતાં. તેને સંતાનમાં એક પુત્ર છે. તેમના માતા ઝરીનાબેનને કેન્‍સર હોઇ બે મહિના પહેલા જ મૃત્‍યુ થયું હતું. તેમના મૃત્‍યુ પછી તે સતત માતાના વિયોગમાં રહેતાં હોવાથી આ પગલું ભરી લીધાનું પરિવારજનોએ જણાવ્‍યું હતું.


રાજકોટ શહેરના સંતકબીર રોડ પર ત્રિવેણી સોસાયટીમાં રહેતાં અને મોરબી રોડ પર ચાની હોટેલ ધરાવતાં યુવાને હોળીની સાંજે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. ત્રિવેણી સોસાયટી શેરી નંબર 1માં રહેતાં 24 વર્ષીય રોહિત ભીમાભાઇ જાદવ નામના યુવાને હોળીની સાંજે 5.30 વાગ્‍યે ઘરે પંખામાં સાડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતાં પરિવારજનોએ મૃતદેહને નીચે ઉતારી બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો હતો, પરંતુ અહીં તબીબોએ તપાસી મૃત જાહેર કરતા હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


આપઘાત કરનાર રોહિત બે ભાઈ અને એક બહેનમાં નાનો હતો. તે જુના મોરબી રોડ પર ચાની હોટેલ ચલાવતો હતો. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. રોહિતને ઉજાગરો હોય સુઈ જવું હતું. પત્‍નિ સુમિતાબેન બહાર જતાં હોઇ તેણીને બહારથી દરવાજાને તાળું મારીને જવાનું કહ્યું હતું. જેથી પત્‍નિ બહારથી તાળુ મારીને ગઇ હતી. પરત આવી ત્‍યારે પતિ લટકતાં જોવા મળતાં કલ્‍પાંત સર્જાયો હતો. રોહિતે પોતે ક્યાં કારણોસર પગલું ભર્યું તે અંગે પરિવારજનો અજાણ હોય જેથી પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ યથાવત હાથ ધરી છે.