બનાવ@રાજકોટ: ધોરણ-12ના વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષા આપ્યા બાદ ગળેફાંસો ખાધો

પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો
 
બનાવ@રાજકોટ: ધોરણ-12ના વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષા આપ્યા બાદ ગળેફાંસો ખાધો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં આત્મહત્યાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આત્મહત્યાના બનાવો સામે આવતા હોય છે.  ધોરણ-12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ કરી વેકેશન માણતા યુવાને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે, જેમાં પરિવારજનો પણ કારણ જાણતા ન હોવાથી પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.


રાજકોટ શહેરના પૂજારા પ્‍લોટ શેરી નં-8માં આવેલા પ્રેસીયસ એપાર્ટમેન્‍ટ બી-201માં રહેતાં સૂજલ મનિષભાઇ જોષી (ઉ.વ.20) નામના યુવાને રાતે રૂમ બંધ કરી પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનોએ દરવાજો ખખડાવવા છતાં નહિ ખોલતાં દરવાજો તોડીને જોતાં તે લટકતો દેખાતાં કલ્‍પાંત સર્જાયો હતો. આ બનાવની જાણ થતાં 108ની ટીમ પહોંચી હતી. 108ના ઇએમટી દિપકભાઇએ તેને મૃત જાહેર કરી પોલીસને જાણ કરતાં ભક્‍તિનગર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

હજુ બોર્ડની પરીક્ષા પૂરી થઈ
મૃતક સુજલ માતા-પિતાનો એકનો એક દીકરો હતો. પિતા મનિષભાઇ સ્‍કૂલમાં નોકરી કરે છે, માતાનું નામ દિવ્‍યાબેન છે. સૂજલ આત્‍મીય કોલેજમાં ધોરણ-12 કોમર્સમાં અભ્યાસ કરતો હતો. તાજેતરમાં જ તેની બોર્ડની પરીક્ષા પૂરી થઇ હતી. તેને પરીક્ષાનું કે બીજુ કોઇપણ ટેન્‍શન નહિ હોવાનું પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું. જોકે, હાલ પોલીસે આપઘાતનું સાચું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.