બનાવ@ગાંધીનગર: પ્રેમજાળમાં નહીં ફસાયેલી શિક્ષિકા સામે બદલો લેવા શિક્ષકે નફ્ફટાઇની હદ વટાવી

 શિક્ષિકા સામે બીભત્સ ઇશારા કરતો હતો
 
બનાવ@ગાંધીનગર: પ્રેમજાળમાં નહીં ફસાયેલી શિક્ષિકા સામે બદલો લેવા શિક્ષકે નફ્ફટાઇની હદ વટાવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પ્રેમજાળમાં નહીં ફસાયેલી શિક્ષિકા સામે બદલો લેવા શિક્ષકે નફ્ફટાઇની હદ વટાવી હોવાના ચોંકાવનારા બનાવથી માણસા તાલુકામાં ચકચાર મચી છે.ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના મહુડી ગામની એક સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષકે શિક્ષણ જગતને લાંછનરૂપ કૃત્ય આચર્યું હોવાની વિગતો સામે આવી છે.

આ સ્કૂલમાં 6 શિક્ષિકા અને 6 શિક્ષકો ફરજ બજાવે છે. તે પૈકીનો અંગ્રેજી વિષયના શિક્ષક અશોક આત્મારામ પ્રજાપતિ છેલ્લા પાંચ વર્ષથી એક શિક્ષિકાનાં એક તરફી પ્રેમમાં પાગલ થઈ ગયો હતો. જેથી તે શિક્ષિકા સામે બીભત્સ ઇશારા કરતો હતો અને રસ્તામાં પીછો કરતો હતો. એક વખતે તેણે શિક્ષિકા સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. જો કે, લંપટ શિક્ષક અશોક પ્રજાપતિનો ઈરાદો પારખી ગયેલી શિક્ષિકાએ પ્રેમનો ઈન્કાર કરી કરી દીધો હતો.

જેનાં થોડા વખત પછી સ્કૂલની પાણીની પરબ તથા અન્ય દીવાલો ઉપર પીડિત શિક્ષિકા સહિત અન્ય ચાર સહ શિક્ષકાનાં નામ સાથે અન્ય સહ પુરુષ શિક્ષકના નામ જોડી બીભત્સ લખાણો લખવાની શરૂઆત થઈ હતી. આ સિલસિલો છેલ્લા પાંચેક વર્ષથી ચાલતો હતો. આટલું ઓછું હોય એમ બીભત્સ લખાણોવાળી પત્રિકા શાળાએ જવાના રસ્તા ઉપર નાખવામાં આવી હતી.

તેમજ એક મહિના પહેલા પીડિત શિક્ષિકા અન્ય મહિલા શિક્ષિકા સાથેનાં બીભત્સ ફોટા તેમજ લખાણવાળા પ્રેમ્ફલેટો સ્કૂલની તેમજ જાહેર સ્થળોની દીવાલો ઉપર લગાવેલા જોવા મળ્યા હતાં. તેવા પોસ્ટર ગ્રામ પંચાયત અને દૂધ મંડળીની દીવાલ પર પણ લગાડ્યા હતાં. તે ઉપરાંત ટપાલ દ્વારા પત્રિકાઓ દરેક મહિલા શિક્ષિકાનાં ઘરે પણ મોકલી હતી.

આ પ્રકારની લંપટ પ્રવૃત્તિ શિક્ષક અશોક પ્રજાપતિ કરતો હોવાનો ખ્યાલ કોઈને આવતો ન હતો. જાહેર દીવાલો ઉપર ભુસાય ન તેવા સ્પ્રે વડે બીભત્સ લખાણની હદ વટાવી દેતા પીડિત શિક્ષિકાને અશોક પ્રજાપતિ સામે શંકા ગઇ હતી. જેથી તેણે વિદ્યાર્થીઓને પૂછતાં જણાઇ આવ્યું હતું કે અંગ્રેજીનો શિક્ષક અશોક પ્રજાપતિ લંપટ વૃત્તિ આચરી રહ્યો છે.

વધુ તપાસમાં જણાઇ આવ્યું હતું કે શિક્ષક અશોકે વિદ્યાર્થીઓને નાપાસ કરવાની ધમકીઓ આપી દીવાલો ઉપર પોસ્ટરો લગાવડાવ્યા હતાં અને સ્પ્રે વડે લખાણ લખવા વિદ્યાર્થીઓને મજબૂર કર્યા હતા. જે અંગેનું રેકોર્ડિંગ પણ વિદ્યાર્થીઓએ રજૂ કર્યું હતું. આખરે પીડિત શિક્ષિકાએ હિંમત કરીને માણસા પોલીસ મથકમાં લંપટ શિક્ષક અશોક પ્રજાપતિ સામે ગુનો દાખલ કરાવતા પીઆઈ એસ.એસ દેસાઈએ આરોપી અશોકની ધરપકડ કરી છે.