બનાવ@ગાંધીનગર: PDEUની વિદ્યાર્થિનીએ માતા સાથે વાત કરી ને હોસ્ટેલના ટેરેસ પરથી છલાંગ લગાવી આપઘાત કર્યો

આપઘાતનું કારણ અકબંધ

 
બનાવ@ગાંધીનગર: PDEUની વિદ્યાર્થિનીએ માતા સાથે વાત કરી ને હોસ્ટેલના ટેરેસ પરથી લગાવી છલાંગ આપઘાત કર્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં આત્મહત્યાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આત્મહત્યાની ઘટનાઓ સામે આવતી હોય છે.  ગાંધીનગરની ખ્યાતનામ પંડિત દિનદયાળ એનર્જી યૂનિવર્સિટીમાં બીટેકનો અભ્યાસ કરતી આશાસ્પદ યુવતીએ વહેલી પરોઢિયે ઔરંગાબાદ રહેતી માતા સાથે ટેલીફોનીક વાતચીત કર્યા પછી કોઈ કારણસર ટેરેસનાં ધાબા પરથી મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી ગઈ છે. આ બનાવના પગલે હાલમાં ઈન્ફોસિટી પોલીસે ઘટનાસ્થળે પહોંચી આપઘાતનું ચોક્ક્સ કારણ જાણવા માટે ઘનિષ્ઠ તપાસનો દોર શરૂ કર્યો છે.


ગાંધીનગરનાં રાયસણ સ્થિત ખ્યાતનામ પંડિત દિનદયાળ એનર્જી યૂનિવર્સિટી(PDEU)ની ગર્લ્સ હોસ્ટેલના ટેરેસ પરથી આજે વહેલી સવારે આશાસ્પદ યુવતીએ પડતું મુકી આપઘાત કરી લીધો છે. મૂળ મહારાષ્ટ્રના ઔરંગાબાદનાં નગરી બાય પાસ રોડ, મીરાગાંવે, રો હાઉસ નંબર - 11 ખાતે રહેતા ભગવાનભાઈ શંકરભાઈ ગુપ્તેની 20 વર્ષીય દિકરી પાયલ PDEU ખાતે બી. ટેકનો અભ્યાસ કરતી હતી.


શાંત સરળ સ્વાભાવની પાયલ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલના રૂમ નંબર - H1/101 માં સહ વિદ્યાર્થિની સાથે રહેતી હતી. હોળી ધુળેટીનાં તહેવાર મોટાભાગના વિદ્યાર્થીઓ પોતાના ઘરે જતા રહ્યા હતા. જો કે, પાયલ પોતાના ઘરે ગઈ ન હતી. આજે વહેલી સવારે સાડા પાંચેક વાગ્યાના અરસામાં પાયલે તેની માતા સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી. એ વખતે પાયલે બધા વિદ્યાર્થીઓને તહેવાર નિમિત્તે ઘરે ગયા હોવાથી પોતે એકલી હોવાની વાત કરી હતી, પરંતુ પાયલે ઔરંગાબાદ જવાની અનિચ્છા દર્શાવી થોડીક વાતચીત કરીને ફોન મૂકી દીધો હતો.


બાદમાં પાયલે કોઈ અક્કળ કારણોસર ગર્લ્સ હોસ્ટેલના ટેરેસ પરથી મોતની છલાંગ લગાવી આપઘાત કરી લીધો હતો. ત્યારે સવારના સમયે સિક્યોરિટી ગાર્ડને પાયલ લોહી લુહાણ હાલતમાં જોવા મળી હતી. જેણે અન્ય લોકોને જાણ કરતા ગર્લ્સ હોસ્ટેલના કર્મચારીઓ સહિતના દોડી ગયા હતા. પાયલને એસએમવીએસ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જ્યાં ફરજ પરના તબીબે પાયલને મૃત જાહેર કરી હતી. બનાવના પગલે ગાંધીનગર ડીવાયએસપી ડી ટી ગોહિલ સહિતની પોલીસ PDEU હોસ્ટેલ પહોંચી ગઈ છે. હાલમાં પોલીસ દ્વારા પાયલનો મોબાઇલ ફોન કબ્જે લઈ તેના રૂમની તલાશી લેવામાં આવી રહી છે. જ્યારે એફએસએલની ટીમને પણ બોલાવી બોલાવી લેવાઈ છે.


આ અંગે વિશ્વસનીય પોલીસ સૂત્રોએ કહ્યું કે, પાયલનાં પરિવારને ઘટનાની જાણ કરી દેવાઈ છે. જેઓ રાત પડતાં ગાંધીનગર આવી પહોંચશે. પાયલનાં પિતા સાથે ટેલીફોનીક પૂછતાંછ કરતાં ગઈકાલે રાતના અગિયાર વાગ્યાની આસપાસ પાયલે તેના પિતાને ફોન કર્યો હતો અને મેન્ટલી ડિસ્ટર્બ તેમજ સારું લાગતું નહીં હોવાનું જણાવ્યું હતું. ત્યારે આજે વહેલી સવારે પણ તેણીએ ફરીવાર તેના પિતાના મોબાઇલ ઉપર ફોન કર્યો હતો. એ વખતે તેની માતા સાથે પણ તેણીએ અભ્યાસનું ટેન્શન હોવાની વાત કરી હતી.


બાદમાં પાયલે ટેરેસ પર જઈને પડતું મુક્યું હતું. આજે સવારે સિક્યોરિટી ગાર્ડ રાબેતા મુજબ બિલ્ડીંગની લાઈટો બંધ કરવા નિકળ્યા હતા. એ વખતે ત્રણ માળીયાનાં ટેરેસની નીચે પાયલની લાશ પડી હતી. જેને SMVS હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. પાયલનાં રૂમની તલાશી લેતાં એક ચોપડામાં અંગ્રેજીમાં લખેલી નોટ મળી આવી છે. જેમાં પાયલે સારો અને ખરાબ એમ બે પ્રકારના ટ્રેસ હોવાની વાત લખી છે. વધુમાં તેણે ટ્રેસ બે પ્રકારના હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. મોડી રાતના પાયલ હોસ્ટેલના બિલ્ડિંગમાં આંટાફેરા મારતી હોવાનું પણ સીસીટીવીમાં સામે આવ્યું છે. હાલમાં આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હોસ્ટેલ બિલ્ડિંગ ત્રણ માળીયાની છે. જેની ટેરેસ પરથી પાયલ પડી હતી. પરંતુ કોઈને અવાજ કે ચીસ પણ સંભળાઈ નથી એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.


આ અંગે વધુમાં સૂત્રોએ ઉમેર્યું કે, પાયલે ચોપડામાં એક નોટ લખી છે. જેમાં આ જિંદગીમાં રહેવું નથી. હું સારી દેખાતી નથી. આગામી જિંદગીમાં પથ્થર બનવા માંગુ છું એવો પણ ઉલ્લેખ કર્યો છે. વધુ તેણીએ એક ડ્રોઈંગ પણ દોર્યું છે. જેમાં પથ્થરનું ચિત્ર દોર્યું છે. ટેરેસ પરથી નીચે પડતાં તેનો ડાબો હાથ ફ્રેક્ચર થઈ ગયો હતો. અમે હોસ્ટેલ સ્ટાફના નિવેદનો પણ લીધા જેમાં રાત્રિ દરમ્યાન કોઈ હોસ્ટેલમાં આવ્યું નથી. પાયલ રાતના ત્રણ સાડા ત્રણ વાગ્યાનાં અરસામાં આંટાફેરા કરતી કેમેરામાં જોવા મળી છે.