બનાવ@સુરેન્દ્રનગર: 5 વર્ષની બાળકીનું ચાંદીપુરા વાયરસથી મોત નીપજ્યું, જાણો વધુ વિગતે

બાળકીનું ચાંદીપુરા વાયરસથી મોત
 
બનાવ@સુરેન્દ્રનગર: 5 વર્ષની બાળકીનું ચાંદીપુરા વાયરસથી મોત નીપજ્યું, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ચાંદીપુરા વાઈરસથી મોતના બનાવો વધી રહ્યા છે. હવે તો લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ફરી એક માસુમ બાળકીનો જીવ ચાંદીપુરા વાઈરસે લીધો.  ઝાલાવાડમાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. જેમાં ખારાઘોડાની 5 વર્ષની બાળકીનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત નીપજ્યું હતું.

જેમાં પુનાથી રિપોર્ટ આવે એ પહેલા જ 5 વર્ષની બાળકી મોતને ભેટતા દાદી ચોંધાર આંસુએ રડી પડ્યા હતા. હાલ જિલ્લા અને તાલુકા આરોગ્ય વિભાગની નવ ટીમે ખારાઘોડામાં ધામા નાખી ઘેર-ઘેર સર્વેલન્સ અને દવા છંટકાવની કામગીરી શરૂ કરાઈ છે.

આ બાળકીનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અને એના સેમ્પલ પુના મોકલવામાં આવેલા છે. જેનો રિપોર્ટ 22 જુલાઈના રોજ આવશે. વધુમાં આજથી સમગ્ર તાલુકામાં આરોગ્ય વિભાગની 152 ટીમો દ્વારા બે દિવસ સઘન કામગીરી હાથ ધરવામાં આવશે.

ખારાઘોડા જુનાગામ ખાતે રહેતી પાંચ વર્ષની બાળકી માહી હિતેષભાઇ પાડીવાડીયાને ચાર પાંચ દિવસ અગાઉ અચાનક તબિયત લથડતા પ્રથમ સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા બાદ વધુ સારવાર અર્થે વિરમગામ ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. જ્યાં એની તબિયત વધુ લથડતા એને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાના આવી હતી. શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાતા એના સેમ્પલ લઈ પુના લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. એજ દિવસે મોડી સાંજે સારવાર દરમિયાન આ બાળકીનું મોત નિપજ્યું હતું. બાદમાં જિલ્લા મેલેરિયા અધિકારી જયેશભાઇ રાઠોડ, તાલુકા હેલ્થ ઓફિસર બી.પી.સીંગ, ખારાઘોડા મેડિકલ ઓફિસર ડો. નરેશભાઈ મકવાણા, જિલ્લા મેલેરિયા શાખામાંથી અરવિંદભાઈ અને મનોજસિંહ પરમાર, તાલુકા હેલ્થ સુપરવાઈઝર અશ્વિનભાઇ પટેલ, ખારાઘોડા સુપરવાઈઝર સતિષભાઇ ભીમાણી સહિત ખારાઘોડાનો તમામ આરોગ્ય સ્ટાફ ખારાઘોડા જુનાગામ ખાતે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી.


આ તમામ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘેર ઘેર સર્વેલન્સ અને દવા છંટકાવની કામગીરી સાથે ડસ્ટિંગ અને સરપંચને સાથે રાખી તમામ ઉકરડાઓ જેસીબી વડે હટાવવાની સાથે તમામ કાચા ઘરોની દિવાલની તિરાડોમાં ડસ્ટિંગની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. અને ગામમાં જ્યાં જ્યાં પાણી ભરાયેલા છે ત્યાં પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને આગામી બે દિવસમાં આખા તાલુકામાં આરોગ્ય વિભાગની વિવિધ 152 ટીમો દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવશે એમ પાટડી તાલુકા હેલ્થ ઓફિસર ડો. બી.પી. સિંગે જણાવ્યું હતું.


આ અંગે ખારાઘોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. નરેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, ખારાઘોડા જુનાગામ ખાતે રહેતી પાંચ વર્ષની બાળકીનું તાવ અને ખેંચ આવ્યા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યા બાદ હાલ આરોગ્ય વિભાગની વિવિધ નવ ટીમો દ્વારા આ વિસ્તારના તમામ ઘરોમાં સર્વે અને દવા છંટકાવ અને ડસ્ટિંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અને રાજ્ય અને જિલ્લા લેવલેથી બીજી કોઈ સૂચના ના મળે ત્યાં સુધી આ કામગીરી ચાલુ જ રાખવામાં આવશે.


જ્યારે આ મૃત બાળકીના પિતા હિતેષભાઇ પાડીવાડીયા, માતા ભાવનાબેન પાડીવાડીયા અને દાદી ગૌરીબેન પાડીવાડીયાએ દિવ્યભાસ્કર સાથેની મુલાકાતમાં જણાવ્યું કે, આ દીકરી અમારા પરિવારની સૌથી લાડકી દિકરી હતી. અને કુદરતે એક જ ઝાટકે અમારી પાસેથી અમારી વ્હાલસોયી દિકરીને છીનવી લેતા અમારા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. જ્યારે દાદીએ કહ્યું કે, એ જ્યારે દવાખાનામાં હતી, ત્યારે પણ મને જોતા કહેવા લાગી હતી કે, દાદી તમે ખાધું કે નહીં, એટલું બોલતા જ દાદી ચોંધાર આંસુએ રડી પડતા હાજર સૌ કોઈની આંખોના ખૂણા ભીના થઇ ગયા હતા. અને રાત્રે ઊંઘમાં જ એ મને બોલાવતી હોવાનો ભાસ થાય છે, એ બોલતા બોલતા એમને ડુસકા ભરાઈ આવ્યા હતા.


જ્યારે આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા મેલેરિયાના ઇન્ચાર્જ અધિકારી ડો. જયેશભાઇ રાઠોડ઼ે જણાવ્યું હતું કે, હાલ ખારાઘોડામાં આરોગ્ય વિભાગની વિવિધ નવ ટીમો દ્વારા છેલ્લા ત્રણ દિવસથી સઘન સર્વેલન્સની, દવા છંટકાવની અને ડસ્ટિંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અને આરોગ્યની વિવિધ 152 ટીમો દ્વારા આગામી બે દિવસમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે.