ચૂંટણી@રાજકોટ: ક્ષત્રિયોના વિરોધના કારણે ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ બદલી રણનીતિ

જુદા-જુદા સમાજનાં સ્નેહમિલનમાં હાજરી આપી 

 
ચૂંટણી@રાજકોટ: ક્ષત્રિયોના વિરોધના કારણે  ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ બદલી રણનીતિ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ચૂંટણીનામાં ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. ભાજપની રીલીઓનો પણ ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.  રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં ફાટી નીકળેલા રોષને પગલે ભાજપના ગઢ રાજકોટમાં ભાજપને જ પોતાની રણનીતિ બદલાવવાનો વખત આવ્યો છે. વિરોધના વંટોળ વચ્ચે મૃતપાય અવસ્થામાં રહેલ કોંગ્રેસમાં જીવ આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. ક્ષત્રિય સમાજના ઠેર-ઠેર વિરોધ વચ્ચે રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ગામડે જવાનું ટાળી રહ્યા છે અને પ્રચારના અંતિમ તબક્કામાં તેઓ શહેરી વિસ્તારમાં ફરી રહ્યાં છે. છેલ્લા પાંચ દિવસથી અલગ-અલગ સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી જંગી મતદાનની અપીલ સાથે ભાજપને વિજેતા બનાવવા કહી રહ્યાં છે.


રાજકોટ એ ભાજપનો ગઢ માનવામાં આવે છે, પરંતુ પુરુષોત્તમ રૂપાલાના એક નિવેદનથી ભાજપના ગઢમાં ગાબડું પડ્યા જેવી સ્થિતીનું નિર્માણ થયું છે. આજે ન માત્ર રાજકોટ પરંતુ, સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સાથે જ ભાજપ વિરુદ્ધ મતદાન કરી ભાજપને હરાવવા માટે નિર્ણય કર્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા રતનપરમાં અસ્મિતા મહાસંમેલન બોલાવ્યા પછી પાર્ટ- 2માં ભાજપની જ રણનીતિ અપનાવી શહેર અને જિલ્લામાં તાલુકાથી લઇ ગામડે-ગામડે સુધી એક-એક બુથ પર ક્ષત્રિય સમાજને લઇ જઈ ભાજપને ભાજપની જ રણનીતિથી હરાવવા એક અલગ નવી ટીમો બનાવવામાં આવી રહી છે. જાહેરમંચ ઉપરથી રૂપાલા અનેક વખત માફી માગી ચૂક્યા છે, પરંતુ ક્ષત્રિય સમાજને આ માફી હવે મંજૂર નથી. રૂપાલાની ટિકિટ રદની એક જ મુખ્ય માંગણી સાથે અડગ રહ્યા છે, ત્યારે આજે ભાજપે રૂપાલાની ટિકિટ રદ ન કરતા ઠેર-ઠેર ભાજપના નેતાઓ, ઉમેદવારો અને સ્ટાર પ્રચારકો સામે ક્ષત્રિય સમાજ દ્વારા દરરોજ અલગ-અલગ જગ્યાએ ઉગ્ર સુત્રોચાર સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ક્ષત્રિય સમાજની પ્રભુત્વ વાળી 8 બેઠક પર ભાજપને મોટું નુકશાન થવાનો દાવો ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે.


આ બધા વચ્ચે રૂપાલાના કાર્યક્રમ ઉપર નજર કરીએ તો ભાજપે જ્યારથી રૂપાલાને ટિકિટ આપવાનું જાહેર કર્યું, ત્યારથી તેઓ રાજકોટના ગામડાઓમાં પ્રચાર પુરજોશમાં કરી રહ્યાં હતાં. કારણ કે, લોકસભા ચૂંટણીમાં ગામડાની પ્રજા ઉપર મદાર રહેતો જોવા મળતો હોય છે. ત્યારે એક-એક ગામડાને ટાર્ગેટ કરી અલગ-અલગ ગામમાં પ્રચાર અર્થે જતા પુરુષોત્તમ રૂપાલાએ હવે રણનીતિ બદલાવી ગામડાઓ સુધી પહોંચવા બદલે શહેરી વિસ્તારમાં રહેતા અલગ-અલગ સમાજના લોકો સાથે સ્નેહમિલન કાર્યક્રમો કરી રહ્યા છે.


છેલ્લા એક સપ્તાહથી ક્ષત્રિય સમાજનો રોષ વધતો જતા હવે રૂપાલા મોટા ભાગે શહેરી વિસ્તારમાં પ્રચારમાં જોડાય ગયા છે. નાનામાં નાના સમાજ સુધી પહોંચવા કવાયત શરૂ કરી દીધી છે. તેઓ રોજ ત્રણ જેટલા અલગ-અલગ સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી દરેકને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી રહ્યા છે. ત્યારે ક્ષત્રિય સમાજની નારાજગીને બાદ કરતા હવે રૂપાલાની દરેક સમાજ સુધી પહોંચવાની રણનીતિ કેટલી સફળ નીવડે છે, એ તો આવનાર સમય જ બતાવશે. ઉલ્લેખનીય છે કે પુરુષોત્તમ રૂપાલા દરેક સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં પોતાના ભાષણના અંતમાં 100% મતદાન માટે અપીલ કરે છે. તેમજ મતદાનના દિવસે સાંજ 5 વાગ્યા પહેલા 100% મતદાન સમાજનું પૂર્ણ થયું, ટેબ વીડિયો સમાજના પ્રમુખ અને આગેવાન બનાવીને આપે તેવી માંગ અને આશા વ્યક્ત કરી રહ્યા છે.