ચૂંટણી@ગાંધીનગર: ગાંધીનગરમાં મનપા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીને લઈને કોંગ્રેસે તેના સત્તાવાર 19 ઉમેદવારોની યાદી જાહેર કરીને સત્તાધારી પક્ષ ભાજપ સામે સીધો શંખનાદ કરી દીધો છે, ત્યારે ભાજપે પણ તેના 32 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલી આ યાદીમાં પક્ષે પરંપરાગત વોટબેંક સાચવવાની સાથે સામાજિક સમતુલા જાળવવાનો સ્પષ્ટ રાજકીય સંકેત આપ્યો છે.
પાટનગરના રાજકારણમાં પોતાના વિખરાયેલા જનાધારને પુનઃજીવિત કરવા માટે કોંગ્રેસે આ વખતે સ્થાનિક સ્તરે મજબૂત પકડ ધરાવતા કાર્યકરો અને જ્ઞાતિગત સમીકરણોને પ્રાધાન્ય આપ્યું છે. ગાંધીનગર પાલિકામાં આ વખતે કોંગ્રેસની વ્યૂહરચના મુખ્યત્વે પછાતવર્ગ (ઓબીસી) અને મહિલા શક્તિને આગળ ધરીને ચૂંટણી મેદાન મારવાની દેખાઈ રહી છે. જાહેર કરવામાં આવેલા વિવિધ વોર્ડના ઉમેદવારોમાં જલ્પાબેન ઠાકોર, આશાબેન ઠાકોર અને ચિરાગકુમાર ઠાકોર જેવા ચહેરાઓને સ્થાન આપીને ઠાકોર સમાજ તથા ઓબીસી મતદારોને આકર્ષવાનો માસ્ટરપ્લાન ઘડવામાં આવ્યો છે.
આ ઉપરાંત શહેરી મતદારો અને પાટીદાર સમુદાયમાં પેઠ બનાવવાના હેતુથી સુનિતાબેન પટેલ, નંદુભાઈ પટેલ, ફેનિલ પટેલ, ધ્રુવ પટેલ અને ઉમેશકુમાર પટેલ જેવા ચહેરાઓને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે દલિત અને સામાન્ય વર્ગના મતદારોને પણ પોતાની તરફ વાળવા માટે કોંગ્રેસે ચોક્કસ ગણતરી પૂર્વક પગલાં લીધાં છે. હેતલબેન રાઠોડ અને અશ્વિનકુમાર સુહાન જેવા અનુસૂચિત જાતિના ઉમેદવારોને ટિકિટ આપીને પક્ષે દલિત સમાજના પ્રતિનિધિત્વને મજબૂત બનાવ્યું છે.
સાથોસાથ સામાન્ય બેઠકો પર રવિન્દ્રકુમાર ત્રિવેદી, શિવાની શાહ, મહેન્દ્રસિંહ ચાવડા અને પલકબેન ગોહિલ જેવા વિવિધ સમાજના આક્રમક ચહેરાઓને તક આપીને ભાજપના પરંપરાગત વોટબેંકમાં સેંઘ મારવાનો દાવ ખેલવામાં આવ્યો છે.
ગાંધીનગર મહાપાલિકામાં છેલ્લા કેટલાક વર્ષોથી સત્તાધારી પક્ષ ભાજપનું વર્ચસ્વ રહ્યું છે, પરંતુ રોડ રસ્તા ગટર સહિતની સમસ્યાઓ અને વહીવટી તંત્ર સામેના જનઆક્રોશને વટાવવા કોંગ્રેસ આ વખતે કટિબદ્ધ દેખાઈ રહી છે. પ્રદેશ કોંગ્રેસ નેતૃત્વનું માનવું છે કે, ગાંધીનગર એ રાજ્યનું રાજકીય કેન્દ્ર હોવાથી અહીં મેળવેલી જીત કે સન્માનજનક દેખાવ સમગ્ર ગુજરાતના રાજકારણમાં કાર્યકરોનો ઉત્સાહ બેગણો કરી શકે છે. તેથી જ પક્ષે દરેક વોર્ડમાં સ્થાનિક સ્તરે સક્રિય અને લોકો વચ્ચે રહેતા અગ્રણીઓની પસંદગી કરી છે.
ચૂંટણી જંગ હવે પૂર્ણ તબક્કામાં પ્રવેશતાની સાથે જ ગાંધીનગરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસ દ્વારા હાથ ધરવામાં આવેલા આ સોગઠાગોઠવણીના ખેલથી સત્તાધારી ભાજપના છાવણીમાં પણ નવી વ્યૂહરચના ઘડવાની ફરજ પડી છે. આગામી દિવસોમાં પ્રચાર યુદ્ધ વધુ તીવ્ર બનશે. ત્યારે ઓબીસી, દલિત, પાટીદાર અને સવર્ણ મતદારો કયા પક્ષ પર પસંદગીનો કળશ ઢોળે છે તે જોવું રસપ્રદ બની રહેશે.

