ધમકી@ગુજરાત: બેંકોને બોમ્બની ધમકી, 3 શહેરમાં એલર્ટ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં ફરી બેંકોને નિશાન બનાવીને ધમકીભર્યો ઈમેલ મળતાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના ત્રણ મોટા શહેરો અમદાવાદ, વડોદરા અને સુરતની રાષ્ટ્રીયકૃત બેંકોને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી મળી છે.
અમદાવાદ: શહેરના ભીડભાડવાળા લાલ દરવાજા, ભદ્રકાળી મંદિર પાસે આવેલી બેંક ઓફ ઈન્ડિયા (BOI)ની મુખ્ય બિલ્ડિંગને ઉડાવી દેવાની ધમકી મળતાં તમામ વ્યવહારો બંધ કરી દેવાયા હતા અને સ્ટાફ-ગ્રાહકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
વડોદરા: સયાજીગંજમાં સૂરજ પ્લાઝા ખાતે આવેલી બેંક ઓફ બરોડા (BOB)ની શાખા ઉપરાંત રાવપુરા, કોઠી અને ટાવર ચાર રસ્તા બ્રાન્ચને પણ ધમકી મળી હોવાના અહેવાલ છે.
સુરત: ડાયમંડ સિટી સુરતમાં બેંક ઓફ બરોડાની મુખ્ય શાખા અને ઘોડદોડ રોડ બ્રાન્ચને પણ આ જ પ્રકારનો ઈમેલ મળ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ ત્રણેય શહેરોમાં ક્રાઈમ બ્રાન્ચ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, સ્નિફર ડોગ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે સાયબર ક્રાઈમની મદદથી ઈમેલનું IP એડ્રેસ ટ્રેસ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા એક સપ્તાહમાં ગુજરાત હાઈકોર્ટ, જેલો અને કોર્ટોને પણ આવા જ ધમકીભર્યા મેલ મળ્યા હતા, જે પાછળથી અફવા સાબિત થયા હતા.

