બ્રેકિંગ@શંખેશ્વર: મહાકાય ગેરકાયદેસર બાંધકામ સામે તલાટીને નોટિસથી સંતોષ, તોડવાની હિંમત થશે ?
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
તાલુકા મથક શંખેશ્વર ગામમાં ગેરકાયદેસર બાંધકામના ચોંકાવનારા રીપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. બજાર મધ્યે ચાલતાં મહાકાય બિલ્ડિંગના ઉપરાછાપરી માળ આખા ગામને દેખાય છે. ત્યારે તલાટી અને સરપંચ અજાણ હોઇ શકે નહિ. આથી વિગતો પૂછતાં તલાટી મેહુલ રથવીએ જણાવ્યું કે, વિનીત વિહાર નામે બિલ્ડિંગના સંચાલકને નોટિસ આપી છે. શું નોટિસ છતાં ગેરકાયદેસર બાંધકામ નહિ તોડે તો ? સવાલ પૂછતાં તલાટીએ તાલુકા જિલ્લા પંચાયત ઉપર ઢોળ્યું હતુ. અગાઉના અરજદારે તાલુકાને ફરિયાદ કરતાં ટીડીઓ હિતેષ પટેલે આખી જવાબદારી ગ્રામ પંચાયત ઉપર ઢોળી હતી. આ ગેરકાયદેસર બાંધકામનો જાણીને નવાઇ લાગે તેવો ઘટસ્ફોટ વાંચો આ સ્પેશ્યલ રીપોર્ટમાં.
પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના શંખેશ્વર ગામની બજાર મધ્યે વિનીત વિહાર નામે ટ્રસ્ટની મહાકાય બિલ્ડિંગ બની રહી છે. કુલ 13 મીટરની મંજૂરી સામે લગભગ ડબલ ઉંચાઈનું બાંધકામ કરી દીધું છે ત્યારે ગેરકાયદેસર હોવાની ફરીયાદો ઉઠી છે. આથી આ ગેરકાયદેસર બાંધકામ મામલે ઉંડાણપૂર્વક વિગતો મેળવતાં જે સામે આવ્યું તેમાં કેવા ખેલ થાય છે તે જાણી ચોંકી જશો. વર્ષ 2018-19 દરમ્યાન મળેલી બાંધકામની રજા ચિઠ્ઠી દરમ્યાન વિનીત વિહારને જમીનથી 13 મીટર ઉંચાઈ સુધી મંજૂરી મળી હતી. આ પછી છેલ્લા કેટલાક મહિનાઓથી શરુ થયેલ બાંધકામ 13 મીટરની હદ વટાવી ગયું છે. 13 મીટર ઉપરના અનેક માળ ગેરકાયદેસર હોવાની આસપાસને જાણ થતાં ફરિયાદો ઉઠી હતી. કેટલીક ફરિયાદો વિવિધ રીતે ડામી દેવામાં આવી પરંતુ આધારપુરાવા સાથે રજૂઆત થતાં હડકંપ મચી ગયો છે. વાંચો નીચેના ફકરામાં શું કર્યું તલાટી અને સરપંચે
લેખિત ફરિયાદ અને રૂબરૂમાં રજૂઆત થતાં શંખેશ્વર ટીડીઓ હિતેષ પટેલે ગ્રામ પંચાયતને ફરિયાદ કરવા કહ્યું હતુ. શંખેશ્વર ગ્રામ પંચાયતને જાણ થતાં સરપંચે સીધો અરજદારને ફોન કરી તકલીફ હોય તો રૂબરૂમાં મળો કહ્યું હતુ. આથી અરજદારે તલાટી મેહુલ રથવીએ ધ્યાને દોરતાં નોટીસ ફટકારશુ કહ્યું હતુ. આ બાબતે સમગ્ર હકીકત જાણવા તલાટી મેહુલ રથવીએ પૂછતાં જણાવ્યું કે, નોટીસ આપી પરંતુ તોડવા બાબતે તાલુકા જિલ્લા કરશે. અહીં તલાટી ભૂલી ગયા કે, ગેરકાયદેસર બાંધકામ તોડવાની જવાબદારી પણ ગ્રામ પંચાયતની જ છે. વાંચો શું આ ગેરકાયદેસર બાંધકામ તૂટશે ?
સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ગેરકાયદેસર બાંધકામ તૂટવું લગભગ અતિ કઠિન હોઈ શકે છે. ગેરકાયદેસર બાંધકામ દરમ્યાન અડચણો આવવાની હોઇ અથવા કાર્યવાહી કરનારા પણ જગજાહેર હોઇ બાંધકામવાળાએ પૂર્વ તૈયારી કરી હોઈ શકે છે. ગામમાં થતી ચર્ચા મુજબ કેટલાક દિવસો પહેલા ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ ઉભા થયેલા અવાજ સત્તા અને નોટના જોરે દબાઇ ગયા છે. તલાટી અને સરપંચની ફરજ છે કે, ગેરકાયદેસર બાંધકામ તોડે પરંતુ બિલ્ડિંગ જ્યારથી બનવાની શરુ થઇ ત્યારે જ કાર્યવાહી કરનારને વિશ્વાસમાં લીધા હતા અને આ વિશ્વાસ કોથળા ભરાય તેટલી દોડધામ પછી મળ્યો હતો. આથી આગામી ન્યૂઝ રીપોર્ટમાં જાણીએ શું ગેરકાયદેસર બાંધકામ તૂટશે કે કેમ ?