બ્રેકિંગ@સુરત: મે 2027માં દોડશે પહેલી બુલેટ ટ્રેન,હીરા જેવું ચમકતું બુલેટ સ્ટેશન
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશની પ્રથમ બુલેટ ટ્રેનનો ઈંતેજાર હવે પૂરો થવા આવ્યો છે. મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોરમાં સૌથી પહેલા 50 કિમી લાંબા સુરત-બીલીમોરા સેક્શન પર મે 2027માં ટ્રાયલ રન શરૂ થશે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આ સેક્શનનું ઇલેક્ટ્રિફિકેશન પૂર્ણ થઈ ગયું છે. સિગ્નલિંગનું કામ જાન્યુઆરી 2027 સુધીમાં પૂર્ણ થઈ જશે. 20 નવેમ્બરે આખા સેક્શનમાં ઓવરહેડ વાયરમાં વીજળી પણ આપી દેવામાં આવી છે.
*સુરત સ્ટેશન બન્યું ડાયમંડ સિટીની ઓળખ*
આખા પ્રોજેક્ટમાં સૌથી પહેલા તૈયાર થયેલું સ્ટેશન સુરતનું છે. સુરત-બારડોલી રોડ પર અંત્રોલી પાસે બનેલું આ સ્ટેશન હીરાની ફેસેટ પરથી ડિઝાઈન કરવામાં આવ્યું છે. બહારથી જોતાં તે હીરાના પાસાની જેમ ચમકે છે.
58,352 ચો.મી.માં ફેલાયેલું આ 3 લેવલનું ભવ્ય સ્ટેશન છે.
*સ્ટેશનમાં શું-શું છે?*
- *ગ્રાઉન્ડ ફ્લોર:* પાર્કિંગ, પિક એન્ડ ડ્રોપ બે, સિક્યોરિટી ચેક
- *કોનકોર્સ લેવલ:* સંપૂર્ણ એર-કન્ડિશન્ડ વેઈટિંગ લાઉન્જ, ટિકિટ કાઉન્ટર, કિઓસ્ક, કસ્ટમર કેર, બેબી ફીડિંગ રૂમ, ફર્સ્ટ એઈડ રૂમ
- *પ્લેટફોર્મ લેવલ:* 2 આઈલેન્ડ પ્લેટફોર્મ, 4 ટ્રેક, દરેક પ્લેટફોર્મ માટે અલગ લિફ્ટ-એસ્કેલેટર
સ્કાયલાઈટથી કુદરતી પ્રકાશ, ગ્રેનાઈટ ફ્લોરિંગ, લેકર્ડ ગ્લાસ અને સ્ટેનલેસ સ્ટીલ પેનલ્સથી સ્ટેશનને એરપોર્ટ જેવો પ્રીમિયમ લૂક આપવામાં આવ્યો છે. વડીલો, દિવ્યાંગો અને બાળકો સાથેના પરિવારો માટે રેમ્પ, એક્સેસિબલ ટોયલેટ અને બ્રેઈલ સાઈનેજની પણ વ્યવસ્થા છે.
*280 કિમીની ઝડપે દોડશે B-28 ટ્રેન*
પહેલા ટ્રાયલમાં B-28 ટ્રેન દોડશે. આ ટ્રેન 280 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવા માટે બનાવવામાં આવી છે. આ ટ્રેન સ્ક્વીઝ ટેસ્ટમાં પણ પાસ થઈ ગઈ છે. તેમાં સંપૂર્ણ એસી ચેર કાર, રિક્લાઈનિંગ સીટ અને અદ્યતન સુવિધાઓ હશે.
રેલવેની યોજના મુજબ, અમદાવાદ-વાપી સેક્શન 2027ના અંત સુધીમાં અને થાણે સુધીની સેવા 2029 સુધીમાં શરૂ કરવાનું લક્ષ્ય છે.

