બ્રેકિંગ@પાટણ: બોગસ કોલેજની વિઝીટ કરેલ પ્રાધ્યાપકો, પરિક્ષા ટીમ, વહીવટી સહિતના રડારમાં

કુલપતિએ જણાવ્યું કે, રૂટિન તપાસમાં જતાં પ્રાધ્યાપકોને નોટિસ આપી છે, બાકીનું સોમવારે
 
બ્રેકિંગ@પાટણ: બોગસ કોલેજની વિઝીટ કરેલ પ્રાધ્યાપકો, પરિક્ષા ટીમ, વહીવટી સહિતના રડારમાં

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

કડી નજીક રાજપુર ખાતેની શ્રી શારદા બી.એડ કોલેજમાંથી ઝડપાયેલી સનસનીખેજ ગેરરીતિ મામલે હવે પાટણ યુનિવર્સિટીએથી કુલપતિએ કાર્યવાહી કરવાની થાય છે. રાજ્ય સરકારે બોગસ બી.એડ કોલેજના શૈક્ષણિક કામકાજથી માંડી પરિક્ષા સુધીની પ્રક્રિયા વિરુદ્ધ ગંભીર અહેવાલ નોંધ્યો હોવાથી આ ગેરરીતિ થવા દેનાર અને ફરજમાં ઈરાદાપૂર્વકની નિષ્કાળજી દાખવનાર સામે કાર્યવાહીના આદેશ કરેલા છે. આથી બોગસ બી.એડ કોલેજની મુલાકાતે ગયેલી એલઆઇસી, પરિક્ષા અને વહીવટી શાખા સહિતના રડારમાં આવ્યા છે. કોલેજ અને યુનિવર્સિટી વચ્ચેના તમામ પ્રકારના વાર્તાલાપ/કામકાજ બાબતે આવતાં કર્મચારીની ભૂમિકા શોધવાની થાય છે. આથી સૌપ્રથમ ધોરણે કુલપતિ કિશોર પોરીયાએ તાત્કાલિક અસરથી પ્રથમ નોટીસ ફટકારી દીધી છે. તાજેતરમાં આ બોગસ કોલેજની વિઝીટે ગયેલી એલઆઇસી કમિટીના સભ્યોનો ખુલાસો પૂછવામાં આવ્યો છે. જાણીએ શિક્ષણની કૌભાંડ લીલાના કોણ છે ભાગીદારો.

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના રાજપુર ગામે આવેલી શ્રી શારદા કોલેજ ઓફ એજ્યુકેશનને રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે બંધ કરવા જે હુકમ કર્યો છે તેમાં હવે બીજો અધ્યાય શરૂ થયો છે. અનેક ગેરરીતિઓથી ભરેલી આ બી.એડ કોલેજને ચલાવી લેવાર, જાણ હોવા છતાં આંખ આડા કરનાર, ભ્રષ્ટાચારમાં ભાગબટાઈ કરનાર અને જેઓની જવાબદારી બને છે તેવા તમામ સામે તપાસ શરૂ થઈ શકે છે. આ સવાલો બાબતે પૂછતાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ કિશોર પોરીયાએ જણાવ્યું કે, હાલ તાત્કાલિક ધોરણે એલઆઇસી સભ્યોને નોટિસ ફટકારી છે જ્યારે પરિક્ષા વિભાગને પણ પૂછવામાં આવશે. વિદ્યાર્થીઓ અને શિક્ષણનું અહિત થવા દેનાર ભ્રષ્ટાચારનો લાભ ઉઠાવનાર કોણ હોઈ શકે તે પણ વાંચો નીચેના ફકરામાં.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કોઈપણ બી.એડ કોલેજને જ્યારે યુનિવર્સિટી માન્યતા આપે અથવા જોડાણ આપે ત્યારે અનેક બાબતોની જોગવાઈ, તપાસ અને ક્રોસ ચેક કરવામાં આવે છે. આ તમામ બાબતો એકવાર જોયા બાદ વખતોવખત જોવા/ચકાસવાની હોય છે. રૂટિન ધોરણે કોલેજમાં લોકલ ઈન્ક્વાયરી કમિટી તપાસમાં જતી હોય, એડમિશનની ખરાઇ અને વિદ્યાર્થીઓનુ હિત યુનિવર્સિટીની એકેડેમિક અને એડમિન શાખા જોતી હોય, પરિક્ષાના પ્રશ્નપત્રો મોકલવાથી લઈ ઉત્તરવહી અને ત્યારબાદ પરિણામ બાબતે પણ યુનિવર્સિટીની પરિક્ષા શાખાએ યોગ્ય થાય છે કે કેમ તે જોવાનું હોય છે. હવે આ તમામ વિષયમાં ગેરરીતિ મળી આવી છે ત્યારે રાજ્ય સરકારે યુનિવર્સિટીને જ આદેશ આપ્યો છે કે, જવાબદાર કર્મચારી અને પદાધિકારી હોય તો પણ કાનૂની કાર્યવાહી કરવી. આથી કુલપતિએ તાત્કાલિક ધોરણે જવાબદારો શોધવા ધોરણસરની કાર્યવાહી કરવી પડશે.