લાંચ@જામનગર: ACBનો સપાટો: 8 લાખની લાંચ લેતા અધિકારી રંગેહાથ ઝડપાયો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
લાંચિયા અધિકારીઓ સામે ACBએ ફરી એકવાર મોટો સપાટો બોલાવ્યો છે. અમદાવાદથી જામનગર લાંચ લેવા આવેલા આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસરને ACBએ રંગેહાથ ઝડપી પાડ્યો છે.
પકડાયેલા અધિકારીનું નામ વિનસકુમાર અમરચંદ સાવરીયા (ઉં.વ. 44) છે. તેઓ અમદાવાદના નવરંગપુરા સ્થિત ઓડિટ ભવનમાં પી.ડી. સેન્ટ્રલ હેઠળ આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર (AAO), વર્ગ-બી તરીકે ફરજ બજાવે છે.
પ્રાપ્ત વિગત મુજબ, ફરિયાદીની ઓફિસના મેનેજિંગ ડિરેક્ટરે વર્ષ 2024-25માં ભરેલા ઇન્કમટેક્સ રિટર્ન અંગેની ક્વેરીનું નિરાકરણ થઈ ગયું હતું. આ ક્લોઝ થયેલું એસેસમેન્ટનું ઓડિટ ફરી રિ-ઓપન ન કરવામાં આવે તે માટે આરોપીએ ફરિયાદી પાસે રૂબરૂમાં રૂ. 8 લાખની લાંચની માગણી કરી હતી.
ફરિયાદી લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે જામનગર ACBનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે જામનગર ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. ગોહિલ તથા સ્ટાફે રાજકોટ એકમના ફિલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. સોલંકી અને તેમની ટીમની મદદથી સંયુક્ત છટકું ગોઠવ્યું હતું.
22 નવેમ્બરે જામનગર-રાજકોટ હાઇવે પર ઇન્કમટેક્સ ઓફિસની બાજુમાં ત્રિમંદિર જવાના સાઇનબોર્ડ પાસે આરોપીની કારમાં જ ટ્રેપ ગોઠવવામાં આવી હતી. ટ્રેપ દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે વાતચીત કરી રૂ. 8 લાખની લાંચ સ્વીકારતા જ ACBની ટીમે તેને કારમાંથી દબોચી લીધો હતો.
ACBએ લાંચની તમામ રકમ રિકવર કરી લીધી છે અને આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કાર્યવાહીથી સરકારી કચેરીઓમાં લાંચ માગતા અધિકારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

