બજેટ@ગુજરાત: નાણામંત્રી કનુભાઈ દેસાઈએ 3,70,250 કરોડનું બજેટ રજૂ કર્યું
મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના માટે 200 કરોડની ફાળવણી, મધ્યાહન ભોજન માટે 72 તાલુકામાં સેન્ટ્રલાઇઝ્ડ કિચન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
નાણામંત્રી કનુભાઈ દેસાઈ ચોથીવાર બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટ રજૂ કરવા માટે રેગ્યુલર બેગની જગ્યાએ લાલરંગની પોથીમાં બજેટ ભાષણ રાખી વિધાનસભા જવા રવાના થયા હતા. ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં અંદાજિત 11 ટકાનો વધારો કરી વર્ષ 2025-26ના બજેટનું કદ પોણા ચાર લાખ કરોડ આસપાસ રહેવાનો અંદાજ છે. બજેટ રજૂ કરતા પૂર્વ નાણામંત્રીએ કહ્યું હતું કે, નારી, અન્ન દાતા અને યુવાઓને આગળ લાવવા માટેના પ્રયત્નો આ બજેટમાં કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં થોડા દિવસે પહેલા જ નવી 9 મહાનગરપાલિકાઓ અને એક જિલ્લાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે તેને લઈ મહત્વની જાહેરાત થઈ શકે છે. અમદાવાદમાં ઓલિમ્પિક-2036ની દાવેદારી માટે તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ દાવેદારની મજબૂત કરવા માટે પણ મહત્વની જાહેરાત સંભવ છે. બજેટસત્ર દરમિયાન જ નવા જંત્રી દર લાગુ થવાની શક્યતા છે ત્યારે જંત્રીને લઈ પણ બજેટમાં મહત્વની જાહેરાત થઈ શકે છે.
નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2024-25 માટે ગુજરાત સરકારનું ત્રણ લાખ 32 હજાર 465 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું હતું. જેમાં મહિલાઓ, કિશોરીઓ, બાળકો, કુપોષણ, શિક્ષણ જેવાં અનેક ક્ષેત્રો માટે જાહેરાતો કરવામાં આવી હતી. સામાન્ય રીતે દર વર્ષે બજેટમાં 11-12 ટકાનો વધારો થતો હોય છે તેને જોતા આ વખતે બજેટનું કદ પોણા ચાર લાખ કરોડ આસપાસ રહેવાની શક્યતા છે. જેમાં પણ ગયા વર્ષની માફક યુવાનો, મહિલાઓ, ગરીબો અને ખેડૂતોને કેન્દ્રસ્થાને રાખીને જાહેરાતો કરાશે.