ઉજવણી@ગુજરાત: હોળી પ્રગટાવ્યા બાદ શ્રદ્ધાળુઓ ધગધગતા અંગારા પર ખુલ્લા પગે દોડે છે, જાણો વધુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં હોળી ધુળેટીનો તહેવાર ચાલી રહ્યો છે. રાજ્યભરમાં આ તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવતો હોય છે. વિસનગરના લાછડી ગામ અને સુરતના ઓલપાડના સરસ ગામ અને સાબરકાંઠાના પ્રાંતિજના મજરા ગામમાં હોળી પર્વની વર્ષો જૂની એક અનોખી પરંપરા ચાલી આવે છે. હોળી પ્રગટાવ્યા બાદ શ્રદ્ધાળુઓ ધગધગતા અંગારા પર ખુલ્લા પગે દોડે છે. આજ સુધી અંગારા પર ચાલતાં બાળકો કે યુવાનો કોઇ દિવસ દાઝ્યાં નથી. વિસનગરમાં આ વખતે પ્રથમવાર બાળકી પણ અંગારા પર દોડી હતી.
દૂર-દૂરથી દર્શનાર્થીઓ હોળી પર્વની આ અનોખી પરંપરા જોવા માટે આવે છે.વિસનગર તાલુકાના લાછડી ગામમાં હોળી પર્વની ઉજવણી એક અનોખી પરંપરા સાથે કરવામાં આવે છે. હોળિકાદહન બાદ બનતા સળગતા અંગારા પર ગામના લોકો ખુલ્લા પગે ચાલે છે. આ વર્ષે એક નવો ઇતિહાસ રચાયો છે, જ્યારે પ્રથમવાર એક બાળકીએ પણ સળગતા અંગારા પર ચાલવાની હિંમત દાખવી છે.
આ પરંપરા વર્ષો જૂની છે, જેમાં નાનાં બાળકોથી માંડીને યુવાનો અને વડીલો પણ ભાગ લે છે. નોંધપાત્ર બાબત એ છે કે, અત્યાર સુધી કોઈપણ વ્યક્તિને આ સળગતા અંગારા પર ચાલવાથી દાઝવાની કે અન્ય કોઈ શારીરિક ઈજાની ઘટના બની નથી.
ગામલોકોના કહેવા મુજબ, આ પરંપરાનો ચોક્કસ ઇતિહાસ કોઈને ખબર નથી. પરંતુ, પેઢી દર પેઢી આ પ્રથા ચાલી આવે છે. લોકમાન્યતા છે કે, આ અંગારા પર ચાલવાથી કમરનો દુખાવો કે અન્ય શારીરિક બીમારીઓથી મુક્તિ મળે છે.
આ અનોખી પરંપરાને જોવા માટે આજુબાજુનાં ગામોમાંથી પણ લોકો આવે છે. લાછડી ગામના લોકો આ લુપ્ત થતી સંસ્કૃતિને જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે. દર વર્ષે હોળી પર્વ પર આ પરંપરા યથાવત્ રીતે ઊજવાય છે, જે ગામની સાંસ્કૃતિક વિરાસતનું મહત્ત્વપૂર્ણ અંગ બની ગઈ છે.
સુરત શહેરથી 35 કિલોમીટર દૂર આવેલા ઓલપાડ તાલુકાના સરસ ગામમાં હોળી પર્વની એક અનોખી પરંપરા જોવા મળે છે. આ ગામમાં હોળીકાદહન બાદ લોકો ધગધગતા અંગારા પર ચાલવાની પરંપરા વર્ષોથી નિભાવી રહ્યા છે.
સરસ ગામમાં હોળીની રાત્રે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય છે. હોળીકાદહન બાદ પાંચથી છ સેન્ટિમીટર સુધી પાથરેલા અંગારા પર લોકો ખુલ્લા પગે ચાલે છે. આ પરંપરામાં પાંચ વર્ષનાં બાળકથી લઈને 60 વર્ષના વૃદ્ધો સુધી સહભાગી થાય છે.
આ અનોખી પરંપરા એટલી વિખ્યાત બની ગઈ છે કે માત્ર સરસ ગામના જ નહીં, પરંતુ આસપાસનાં ગામના લોકો પણ હોળીના દિવસે અહીં આવે છે. શ્રદ્ધાળુઓ સાત ફેરા ફરીને અંગારા પર ચાલે છે. સુરત સહિત આજુબાજુના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો આ અદ્ભુત દૃશ્ય જોવા માટે ઊમટી પડે છે.
હોળી પર્વ આસુરી શક્તિ પર ઇશ્વરી શક્તિના વિજયનું પ્રતીક છે. આ ગામની આ અનોખી પરંપરા લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. ગામના લોકો આ પરંપરાને શ્રદ્ધાપૂર્વક નિભાવી રહ્યા છે અને તેમનો વિશ્વાસ છે કે આ પરંપરા તેમની આસ્થાનું પ્રતીક છે.
પરંપરા સાબરકાંઠાના પ્રાંતિજના મજરા ગામમાં હોળી પર્વની એક અનોખી પરંપરા 500 વર્ષથી ચાલી આવે છે. અહીં હોળી પ્રગટાવ્યા બાદ શ્રદ્ધાળુઓ ધગધગતા અંગારા પર ખુલ્લા પગે દોડે છે.
ગામના યુવાનો સવારથી લાકડા એકત્રિત કરી ભૈરવ દાદાના મંદિર પાસે લાવે છે. સાંજે હોલિકા દહન કરવામાં આવે છે. નવવધૂ અને પ્રથમ ખોળો ભરાયેલા દંપતી બાળક સાથે પ્રદક્ષિણા ફરે છે. શ્રદ્ધાળુઓ ભૈરવદાદાનું નામ લઈ અંગારા પર દોડે છે. આશ્ચર્યની વાત એ છે કે, કોઈને કશું થતું નથી.
આજુબાજુના 50 જેટલા ગામમાંથી લોકો દર્શન માટે આવે છે. સાંસદ શોભનાબેન બારૈયા, જેમનું આ ગામ પિયર છે, તેઓ પણ આ પ્રાચીન હોળીકા દહનના દર્શને આવ્યા હતા.
ગામના આયોજક કમલેશસિંહ રાઠોડના જણાવ્યા મુજબ, અહીં નવા પરણેલા યુગલો દર્શન કરી પ્રદક્ષિણા કરે છે. ઘણા લોકો બાધા પૂરી કરવા આવે છે. ગ્રામજનો સૂકા ઘાસના પૂડા સાથે હોળીની પ્રદક્ષિણા કરે છે. આ પૂડા પછીથી પશુઓને ખવડાવવામાં આવે છે, જેનાથી તેમને રોગ થતા નથી.
લોકોની માન્યતા છે કે, અંગારા પર ચાલવાથી કે દોડવાથી કોઈને નુકસાન ન થવાનું કારણ ભૈરવદાદાની કૃપા છે. આ અનોખી પરંપરા આજે પણ એટલી જ શ્રદ્ધાથી નિભાવવામાં આવે છે.