ચકચાર@ફતેપુરા: મનરેગાની વહીવટી મંજૂરી પેટે તોડકાંડની ચિઠ્ઠી જુઓ, કૌભાંડીએ ગરીબોની યોજનામાં હદ વટાવી

ફતેપુરા તાલુકામાં મનરેગાની વહીવટી મંજૂરી પેટે ગેરકાયદેસર નાણાંની ઉઘરાણી મામલે તંત્ર હરકતમાં આવ્યું છે. 
 
ફતેપુરા મનરેગા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 જિલ્લા વિકાસ અધિકારીની સત્તાના નામે મનરેગાના કરાર આધારિત કર્મચારી બળવંત લબાનાએ બેનામી નાણાં કેવી રીતે મેળવ્યા તેની ચિઠ્ઠીઓ મળી છે. કંઈપણ બોલ્યા વગર માત્ર ચિઠ્ઠીમાં લખી આપે અને નક્કી થયેલ સ્થળે રકમ જમા કરાવવાનું કહેવામાં આવતું. તમે કલ્પના પણ ના કરી શકો એવી મોડસ ઓપરેન્ડી હેઠળ બળવંત લબાનાએ મનરેગા હેઠળ જે નાણાં એકઠાં કર્યા તે હદ વટાવી ચૂક્યા બરાબર છે. સમગ્ર મામલે પ્રામાણિક, બાહોશ અને ભ્રષ્ટાચાર વિરોધી ડીડીઓને ધ્યાને મૂકતાં તાત્કાલિક અસરથી તપાસ કરવાની ખાત્રી આપી છે. આ તરફ કૌભાંડીઓ હવે બચાવ કરવા બેઠકો, મુલાકાતો અને કેટલાક લોકોને ફોડવા દોડાદોડ કરી રહ્યા છે.

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં કેટલાક મહિના અગાઉ મનરેગા યોજનામાં જે તોડકાંડ થયો હતો તેનો સબળ અને મજબૂત પુરાવો હાથ લાગ્યો છે. ફતેપુરા તાલુકામાં જે તે વખતે ફરજ બજાવતા બળવંત લબાનાએ મનરેગાના કામોની વહીવટી મંજૂરી પેટે લાખો કરોડોની ગેરકાયદેસર ઉઘરાણી કરી હતી. જે વ્યક્તિને મનરેગાના કામોની વહીવટી મંજૂરી લેવી હોય તેને બળવંત લબાના ચિઠ્ઠીમાં લખી ગેરકાયદેસર નાણાં જમા કરાવવાની વિગતો લખી આપતો હતો. તમે વિચાર કરો કે, વહીવટી મંજૂરી આપવાની સત્તા ડીડીઓને છે પરંતુ ફતેપુરા તાલુકામાં તો બળવંત લબાના જ વહીવટી મંજૂરી આપતો હોય તેવી છાપ બની હતી. આથી વહીવટી મંજૂરી લેવા ઈચ્છતા જ્યારે બળવંત લબાના પાસે જતાં ત્યારે એક ચિઠ્ઠીમાં બધી વિગતો લખવામાં આવતી હતી. કામનું નામ, કામના ખર્ચની રકમ, બેનંબરી રકમ અને અજાણ્યા કોડ જેવી વિગતો ચિઠ્ઠીમાં લખતો હતો. આ પછી બેનંબરી રકમ પોતાનાં મળતિયાને ત્યાં જમા કરાવવાનું કહેતો એટલે કેટલીક રકમ કેશમાં અને કેટલીક રકમ ઓનલાઇન રૂપે જમા લેવામાં આવતી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું, અટલ સમાચાર ડોટ કોમના પ્રથમ અહેવાલ બાદ પ્રામાણિક અને વિકાસને વરેલા દાહોદ જિલ્લા વિકાસ અધિકારીએ વધુ વિગતો મેળવવા પ્રયાસ કર્યો હતો. આથી મજબૂત પુરાવા આધારે ફતેપુરા તાલુકામાં મનરેગાના તોડકાંડની તપાસ કરવા તડામાર તૈયારી કરી છે. આ તરફ ચારેકોર તોડકાંડની ચર્ચા ફેલાઇ જતાં ફતેપુરાના તત્કાલીન કર્મચારી બળવંત લબાના અને સાગરિતો પણ દોડધામમાં લાગ્યા છે. બચાવ કરવા અને ભવિષ્યની તપાસમાં રસ્તો તૈયાર કરવા લાગતા વળગતા સાથે બેઠકો કરવામાં લાગ્યા છે. જોકે ફતેપુરા તાલુકાના જાગૃત અને આદિવાસી સમાજના સક્રિય આગેવાન સુભાષભાઈ પારગીએ જણાવ્યું હતુ કે, ગરીબોની આ યોજનામાં ગેરકાયદેસર નાણાંની પારદર્શક તપાસ થાય તે ખૂબ જરૂરી છે. દાખલા રૂપ કાર્યવાહી થશે તો ભવિષ્યમાં પણ ભ્રષ્ટાચાર નહિ થાય એટલે નિષ્પક્ષ ડીડીઓ પાસેથી પારદર્શક તપાસની અપેક્ષા હોવાનું જણાવ્યું હતુ.