ચકચાર@દહેગામ: પતિ પત્નીના સમાધાન વચ્ચે અચાનક તલવાર ઉડી, 2 ના મોત, અનેક ઘાયલ

13 લોકો ઘાયલ થતાં સારવાર અર્થે ગાંધીનગર અને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
 
ચકચાર@દહેગામ: પતિ પત્નીના સમાધાન વચ્ચે અચાનક તલવાર ઉડી, 2 ના મોત, અનેક ઘાયલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દહેગામમાં પતિ-પત્ની વચ્ચે ઘણા વખતથી ચાલતી માથાકૂટમાં ખૂનીખેલ ખેલાયો. જમાઇએ ટોળા સાથે હુમલો કરતાં 2 લોકોનાં મોત થયાં અને13 લોકો ઘાયલ થતાં સારવાર અર્થે ગાંધીનગર અને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ દહેગામમાં મદારી દંપતી વચ્ચે ઘણા વખતથી માથાકૂટ ચાલતી હતી. જે મામલે સમાજનું પંચ ભેગું થયું હતું. જે બાદ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા જમાઈએ મળતિયાઓ સાથે મળીને ઘાતકી હુમલો કરતાં સાળા તેમજ પંચના એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે નાનાં બે બાળકો સહિત 13 જેટલા લોકોને ઈજાઓ થઈ હતી. જે પૈકી મહિલા સહિત ચારેક જણાને અમદાવાદ સિવિલ ખસેડવામાં આવ્યાં છે. જ્યારે બાકીના ગાંધીનગર સિવિલમાં સારવાર હેઠળ છે.

આ અંગે હુમલાનો ભોગ બનનાર દહેગામના મદારી નગરમાં રહેતા જાનનાથ જીજુનાથ મદારીએ જણાવ્યું કે, તેમની દીકરીનાં લગ્ન વનરાજ ઉર્ફે વનિયો કંચનનાથ મદારી સાથે થયા હતા. આ લગ્નથી તેમને બે જોડિયા બાળક છે. વનરાજને અન્ય એક મહિલા સાથે અવૈદ્ય સંબંધો હોવાથી છેલ્લા ચાર-પાંચ વર્ષથી ઝઘડો ચાલી રહ્યો છે. જે બાબતે જે તે વખતે પોલીસ કેસ કરવામાં આવ્યો હતો અને ભરણપોષણનો કેસ પણ ચાલી રહ્યો છે. એકાદ મહિના અગાઉ ફરીવાર ઝઘડો થતાં વનરાજે પણ ફરિયાદ દાખલ કરાવી હતી. જે બાબતે સામાજિક રીતે વનરાજ સાથે સમાધાનના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા, પરંતુ તે પ્રેમિકાને છોડવા માગતો ન હતો અને મારી દીકરીને ત્રાસ આપતો હતો. જેના લીધે ગભરાઈને જતાં રહ્યા હતા.

જાનનાથ જીજુનાથ મદારી જણાવ્યું કે, ગઈકાલે પોલીસ સ્ટેશને હાજર થવા માટે બધા ગયા હતા. એ વખતે સમાજનું પંચ પણ એકઠું થયું હતું. પરંતુ ઝઘડાનું કોઈ નિરાકરણ આવ્યું ન હતું. વનરાજ હુમલો કરશે એવી આશંકા હોવાથી અમે પોલીસને પણ જાણ કરી હતી. બાદમાં બધા અલગ અલગ વાહનોમાં પરત ઘરે ફરી રહ્યા હતા. જ્યાં કપડવંજના ઊંટડિયા મહાદેવ રોડ ઉપર વનરાજ સહિતના મળતિયાઓએ ગાડીઓને આંતરી બોલેરો ગાડી ઉપર લાકડી વડે હુમલો કર્યો હતો. જેનાં કારણે બોલેરો રોડની રેલિંગનાં પતરામાં ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો.

જાનનાથ જીજુનાથ મદારીએ વધુમાં જણાવ્યું કે, અકસ્માત સર્જાયો એ જ ઘડીએ જમાઈ વનરાજ મદારી સહિતના તેના મળતિયા આવી ગયા હતા અને ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. બાદમાં બધા ત્યાંથી ભાગી ગયા હતા. આ હુમલામાં તકલીબેન પિપલનાબ મદારી, કલાબેન દામુનાથ મદારી, રાજુનાથ દિલીપનાથ મદારી, પૃથ્વીરાજ વનરાજભાઈ મદારી, સચિન મદારી, ધારાનાથ મદારી, મુન્નાનાથ મદારી, એરનબેન મદારી, નેતલ મદારી, જગનાથ મદારી , અનંત મદારી, મુન્નાનાથ મદારીને ઈજાઓ થઈ હતી. જેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં સચિન મદારી અને પંચના માણસ મુન્નાનાથ મદારીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે એરનબેન મદારી સહિત ચાર લોકોને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ ખસેડવામાં આવ્યાં છે.

પોલીસે જણાવ્યું હતું કે, વનરાજ મદારી અને તેની પત્ની વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઘરકંકાસ ચાલી રહ્યો હતો. એકાદ મહિના અગાઉ વનરાજ તેમજ તેના પિતા સહિતના સાસરિયા ઉપર તેની પત્નીના પરિવારજનોએ હુમલો કર્યો હતો જે મામલે સદાનાથ મદારી, ધારાનાથ મદારી, ભૂપતનાથ મદારી તેમજ જાનનાથ મદારી વિરોધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે ગુનાની જામીન સહિતની કાનૂની પ્રક્રિયા અર્થે તેઓ પોલીસ સ્ટેશનને આવ્યા હતા બાદમાં કાનૂની પ્રક્રિયા પૂર્ણ થઈ જતા બધા ઘરે જવા રવાના થયા હતા. આ દરમિયાન વનરાજ સહિતના સાસરિયાઓએ ગાડીઓનો પીછો કર્યો હતો અને લાકડી વડે બોલેરો ગાડીને મારતા અકસ્માત સર્જાયો હતો. જે બાદ વનરાજ સહિતના લોકોએ ઉપરોક્ત લોકો ઉપર હુમલો કર્યો હતો. જેમાં વનરાજના સાળા સચિન મદારી અને મુન્નાનાથ મદારીનું મોત નીપજ્યું છે. આ અંગે વધુમાં જાણવા મળ્યું કે, થોડા દિવસો અગાઉ દહેગામના મદારી નગરમાં બંને પક્ષે માથાકૂટ થઇ હતી. જેથી બંને પક્ષે એકબીજાનાં ઘરોમાં તોડફોડ કરી હતી. વનરાજ ઉર્ફે વનિયા વિરુદ્ધ અગાઉ પણ ગંભીર ગુના પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે.