છેતરપિંડી@અમદાવાદ: નફો કમાવવાની લાલચ આપી વિવિધ બેંકોમાં 8.10 લાખ ભરાવી ગઠિયાએ ઠગાઈ કરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં છેતરપિંડીનાં ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી છેતરપિંડીનાં બનાવો સામે આવતા હોય છે. રાણીપમાં રહેતા અને સનાથલમાં કુરિયરમાં નોકરી કરતા યુવકને વિવિધ કંપનીના આઈપીઓ તથા સ્ટોક બજારમાં રોકાણ કરી વધુ નફો કમાવવાની લાલચ આપી વિવિધ બેંકોમાં 8.10 લાખ ભરાવી ગઠિયાએ ઠગાઈ કરી છે. આ બનાવ અંગે યુવકે ઠગાઈ કરનાર અજાણ્યા લોકો વિરુદ્ધ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.
ન્યૂ રાણીપમાં રહેતા અને સનાથલમાં કુરિયર કંપનીમાં મેનેજર તરીકે કામ કરતા જિતેન્દ્રકુમાર કુંપાવતે સાઇબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં 10 મેના રોજ જિતેન્દ્રકુમાર તેમના ફોનમાં વોટ્સએપ જોતા હતા ત્યારે એક મેસેજ તેમણે જોયો હતો, જેમાં તેણે એક જાહેરાત જોઈ હતી કે, બ્લોકમાં શેર લેવાથી સસ્તામાં પડશે. આથી લાલચમાં આવીને તેમણે મેસેજ કરી લિંક મંગાવી હતી અને થોડી જ વારમાં તેમને લિંક મળી ગઈ હતી અને તેઓ સ્ટેટ સ્ટ્રીટ કોર્પોરેશન નામના ગ્રૂપમાં એડ થયા હતા.
ગ્રૂપ એડમિન દ્વારા જિતેન્દ્રકુમારને શેમાં ટ્રેડ કરવું તેનું માર્ગદશન આપવામાં આવતું હતું અને તેમને અન્ય લોકોને થયેલા નફા અંગેના સ્ક્રીનશોટ મોકલ્યા હતા અને શેર માર્કેટમાં રોકાણ કરવા માટે અલગ અલગ બેંકનાં એકાઉન્ટ આપવામાં આવ્યાં હતાં. જિતેન્દ્રકુમારે થોડા થોડા કરીને અલગ-અલગ બેંકોમાં 8.10 લાખ ભર્યા હતા અને તેમને નફો થયો હોવાનું જાણવા મળતા તેમણે રૂપિયા માગતા તેમની પાસે ટેક્સ પેટે બીજા રૂપિયાની માગણી કરાઈ હતી. આથી જિતેન્દ્રકુમારને શંકા જતા સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.