ખળભળાટ@સુરત: અકાય ઈન્ડસ્ટ્રીઝ-અરિહંત ડાયકેમ પર ITના દરોડા, ડિરેક્ટરોના ઘરે પણ તપાસ

ઘર-ઓફિસ સહિત અનેક સ્થળોએ તપાસ
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સુરત અને મુંબઈના ઉદ્યોગજગતમાં આવકવેરા વિભાગની મોટી કાર્યવાહીથી ખળભળાટ મચી ગયો છે. મુંબઈ અને સુરતની ઈનકમ ટેક્સ ઈન્વેસ્ટિગેશન વિંગ (DDI) દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને અકાય ઈન્ડસ્ટ્રીઝ અને શ્રી અરિહંત ડાયકેમના અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.

વહેલી સવારથી શરૂ થયેલા આ મેગા સર્ચ ઓપરેશનમાં બંને શહેરોના 80થી વધુ અધિકારીઓ જોડાયા છે. અત્યંત ગુપ્ત રાહે હાથ ધરાયેલી આ કાર્યવાહીના પગલે ઉદ્યોગપતિઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

તપાસ દરમિયાન શ્રી અરિહંત ડાયકેમના ડિરેક્ટર મિલન શાહ અને રોહન શાહના નિવાસસ્થાનો ઉપરાંત કંપનીઓની મુંબઈ સ્થિત કોર્પોરેટ ઓફિસ, સુરતની ફેક્ટરીઓ અને અન્ય ધંધાકીય સ્થળોને પણ આવરી લેવામાં આવ્યા છે.

અધિકારીઓ દ્વારા કંપનીના મહત્વના દસ્તાવેજો, ડિજિટલ ડેટા અને હિસાબી વ્યવહારોની તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ તપાસમાં કરચોરી અને બેનામી વ્યવહારો બહાર આવવાની શક્યતા છે.

હાલ તપાસ ચાલુ છે. વિભાગ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જપ્તી કે રકમ અંગે જાહેરાત કરવામાં આવી નથી.