ગુનો@ગુજરાત: વેપારીએ ખરીદેલા રો-હાઉસ પર કબજો કરી અન્ય વ્યક્તિને રહેવા આપી દેવા બદલ ફરિયાદ

અમરાઈવાડી પોલીસે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.
 
ગુનો@ગુજરાત: વેપારીએ ખરીદેલા રો-હાઉસ પર કબજો કરી અન્ય વ્યક્તિને  રહેવા આપી દેવા બદલ ફરિયાદ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મણિનગરના વેપારીએ અમરાઈવાડીમાં ખરીદેલા રો-હાઉસ પર કબજો કરી અન્ય વ્યક્તિને રો-હાઉસ રહેવા આપી દેવા બદલ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં વેપારીએ નિવૃત્ત ડીવાયએસપી અને તેમના પત્ની સહિત કુલ ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા અમરાઈવાડી પોલીસે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.

પાંચકુવામાં તાડપત્રીનો વેપાર કરતા મનીષ ભંડારીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર અમરાઈવાડીમાં ટોરેન્ટ પાવર પાસે પ્રથમ રેસિડેન્સીમાં રો-હાઉસ વેચાણ આપવાનું જાણવા મળ્યું હતું.

મકાન જોઈ તેમણે પ્રથમ ઈન્ફ્રાસ્ટ્રકચર ભાગીદારી પેઢીના અધિકૃત ભાગીદાર રોહિત સુરેશચંદ્ર કર્ણાવતને મળીને 2022માં રો-હાઉસ ખરીદ્યું હતું. બાદમાં તેમના નામે દસ્તાવેજ પણ કરાવ્યો હતો. ત્યારબાદ તેમને મકાનનો કબજો સોંપાતા તેમણે પોતાનું તાળું મારી દીધું હતું, પરંતુ ત્યાં રહેવા ગયા નહતા. ગઈ 22 એપ્રિલે મકાનમાં જઈને જોયું તો ત્યાં રશ્મિકાબેન રમેશચંદ્ર સોલંકી અને રમેશચંદ્ર મોહનલાલ સોલંકીએ આ મકાનનો કબજો લઈ લીધો હોવાનું જાણવા મળ્યું હતું.

રમેશચંદ્ર સોલંકીએ કહ્યું હતું કે આ રો-હાઉસ બન્યા છે તેમાં મારો પ્લોટ હતો અને તે પ્લોટ રો-હાઉસના બિલ્ડર રોહિત કર્ણાવતને આપ્યો હતો અને તે વખતે નવા બનતા રો-હાઉસમાંથી એક મકાન મને આપવા માટે તેમણે કહ્યું હતું. પરંતુ તેમણે કોઈ મકાન ન આપતા અમે આ રો-હાઉસમાં રહેવા આવી ગયા છીએ. આ બાબતે મનીષ ભંડારીએ તેમની માલિકી હોઈ દસ્તાવેજ કર્યા હોવાનું કહેવા છતાં તેમને કબજો સોપ્યો નહતો.

ત્યારબાદ થોડા સમય બાદ ફરી રો-હાઉસ પર જતા ત્યાં સુરેશચંદ્ર કે લેઉઆ તથા તારાબેન સુરેશચંદ્ર લેઉઆ રહેતા હતા. જેથી આ અંગે મનીષ ભંડારીએ જિલ્લા કલેક્ટર ઓફિસમાં લેન્ડ ગ્રેબ્રિંગ પ્રોહિબિશન કમિટીમાં અરજી કરી હતી. જેની કાર્યવાહીના અંતે 4 સપ્ટેમ્બરે આ કેસમાં ગુનો બનતો હોવાનો હુકમ થયો હતો. જેના આધારે મનીષ ભંડારીએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં રશ્મિકાબેન રમેશચંદ્ર સોલંકી અને નિવૃત્ત ડીવાયએસપી રમેશચંદ્ર મોહનલાલ સોલંકી અને સુરેશચંદ્ર કે લેઉઆ તથા તારાબેન સુરેશચંદ્ર લેઉઆ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.