વિરોધ@ગાંધીનગર: જિજ્ઞેશ મેવાણી સહિતના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો દ્વારાભારે સૂત્રોચ્ચારો સાથે રેલી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર વિરોધના કેટલાક બનાવો સામે આવતા હોય છે. ગાંધીનગર સ્થિત પોલીસ ભવનમાં દલિતોના પ્રશ્નો અંગે રજૂઆત કરવા ગયેલા વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા જિજ્ઞેશ મેવાણી તેમજ આઈપીએસ રાજકુમાર પાંડિયન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ પ્રકરણમાં બંને વચ્ચે વિખવાદ વકર્યો છે. જિજ્ઞેશ મેવાણીનો આક્ષેપ છે કે ડીજી ઓફિસમાં જ્યારે રજૂઆત કરવા ગયા ત્યારે તેમનું IPS પાંડિયન દ્વારા અપમાન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ IPS પાંડિયને જણાવ્યું હતું કે મેવાણીએ ફોન રેકોડિંગ ચાલુ કરી ટેબલ પર મૂકતાં મે રેકોર્ડિંગ બંધ કરવા અથવા ફોન બહાર મૂકવાનું કહ્યું હતું. એ બાદ તેઓ ગુસ્સામાં ચાલ્યા ગયા હતા.
વડગામ વિધાનસભાના ધારાસભ્ય અને IPS અધિકારી સામસામે આવ્યાં છે. માન અને અભિમાનની લડાઈ કેટલી લાંબી ચાલશે એની ખબર નથી, પરંતુ મોબાઈલ ફોનના મુદ્દે હાલ મહાભારત સર્જાયું છે. 15 ઑક્ટોબરના રોજ ગાંધીનગર પોલીસ ભવનમાં બનેલી ઘટનાએ વિકરાળ સ્વરૂપધારણ કરી લીધું છે. એને લઈને આજે જિજ્ઞેશ મેવાણી સહિતના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો દ્વારા ગાંધીનગરમાં ભારે સૂત્રોચ્ચારો સાથે રેલી કાઢવામાં આવી છે.
વડગામ વિધાનસભા બેઠકના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી દલિતોના પ્રશ્નો મુદ્દે આઈપીએસ અધિકારીને મળવા ગયા હતા. આ દરમિયાન બોલાચાલી થઈ હતી. જિજ્ઞેશ મેવાણીએ આક્ષેપ કર્યો છે કે IPS અધિકારીએ અમારું અપમાન કર્યું છે. પ્લોટ ફાળવણીના મુદ્દાને લઈને મળવા ગયા હતા. IPS અધિકારીએ કહ્યું હતું કે તમે ધારાસભ્ય છો, તો તમે ટીશર્ટ પહેરીને કેમ આવ્યા? એમ કહીને અપમાનિત કર્યા હોવાનું ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું. મેવાણીનો આક્ષેપ છે કે IPS રાજકુમાર પાંડિયને અમારા ફોન બહાર મુકાવ્યા હતા. આ મામલે MLAએ વિશેષાધિકાર હનન અંગે વિધાનસભા અધ્યક્ષને રજૂઆત પણ કરાઈ હતી.
ગાંધીનગરથી આજે જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછી 20 હજાર વીઘા જમીનમાં એન્ટીસોશિયલ એલિમેન્ટ, જાતિવાદી ગુંડાઓનો ગેરકાનૂની કબજો છે. આ કબજો છોડાવવાની આ પાંડિયન જેવા ઓફિસરની તાકાત નથી, એના બદલે જે ગરબો, દલિતોના અવાજને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મારું અપમાન કરીને મારી સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો છે. મને તેની ચેમ્બરમાંથી બહાર જવા માટે કહેવામાં આવ્યું હતું તેમજ મને કહ્યું હતું કે હું દલિતોની કોઈ રજૂઆત સાંભળી નહીં અને બીજીવાર તને મારી ચેમ્બરમાં પણ આવવા નહીં દઉં. અમારી માગ છે કે કોઈપણ કિંમતે આ પાંડિયનને સસ્પેન્ડ કરવામાં આવે. મારી, મારા પરિવાર કે સાથી સભ્યોની હત્યા પણ કરાવી શકે છે, મને કઈ નુકસાન પહોંચશે તો તેની જવાબદારી- આઈપીએસ રાજકુમાર પાંડિયનની રહેશે.
જિજ્ઞેશ મેવાણીએ જે-તે વખતે આક્ષેપ સાથે જણાવ્યું હતું કે 15 ઓક્ટોબરે તેઓ અને તેમની સાથેના હિતેન્દ્ર પીઠડિયા સાથે દલિતોના પ્રશ્નોને લઈને IPS અધિકારી રાજકુમાર પાંડિયનને રજૂઆત કરવા માટે ગયા હતા. ત્યારે તેમની સાથે રાજકુમાર પાંડિયને ખૂબ જ ખરાબ વર્તન કર્યું હતું. ધારાસભ્યનો કોઈપણ પ્રકારનો પ્રોટોકોલ કે ગરિમા જાળવ્યા વિના તેમનું અપમાન કર્યું હતું. તેમણે આદેશના સ્વરૂપમાં કહ્યું હતું કે તમારા મોબાઇલ બહાર મૂકી દો, જેથી જિજ્ઞેશ મેવાણીએ તેમને કહ્યું હતું કે તે ધારાસભ્ય છે, જેથી વિવેક શૈલીમાં તેમની સાથે વાત કરવી પડે. તેમને ઓફિસમાં રિસીવ કરવા પણ આવવું જોઈએ અને તેઓ જ્યારે મળીને પરત જાય ત્યારે તેમને તેમની ચેમ્બર સુધી મૂકવા પણ આવવું પડે, પરંતુ આ સાંભળીને રાજકુમાર પાંડિયન જિજ્ઞેશ મેવાણીને કહ્યું હતું કે આપણી મિટિંગ અહીં પૂરી થાય છે, હું તમારી સાથે કોઈ જ વાત નહીં કરું અને હવે તમે આ ચેમ્બરમાં નહીં આવી શકો.
થોડા સમય પહેલાં ADGP રાજકુમાર પાંડિયને જણાવ્યું હતું કે 15 ઓક્ટોબર સવારે 11 વાગ્યાની આસપાસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી આવ્યા હતા. ત્યારે તેમને સૌથી પહેલા મળવા બોલાવ્યા હતા. તેઓ સીધા જ મારા પર ગુસ્સે થવા લાગ્યા કે તમે ચેમ્બરની બહાર મને લેવા કેમ ના આવ્યાં? તમે પ્રોટોકોલ ફોલો કેમ ના કર્યો? હું તેમને કઈ કહું એ પહેલાં જ તેમણે પોતાનો ફોન ટેબલ પર મૂક્યો ને રેકોર્ડિંગ ચાલુ કરી નાખ્યું. ત્યારે મેં કહ્યું કે આ વર્તન નહીં ચલાવી લેવાય. તમે રેકોર્ડિંગ બંધ કરો અથવા તમારો ફોન બહાર મૂકીને આવો, નહીં તો હું તમારી વાત નહીં સાંભળું. એ સમયે ડીવાયએસપી ચૂડાસમા પણ મારી સાથે હતા. ત્યારે પછી ધારાસભ્ય વધારે બૂમો પાડવા લાગ્યા, જેથી મેં કહ્યું- તમે આ પ્રકારનું વર્તન કરો છો તો હું તમારી વાત કેવી રીતે સાંભળું. તમે વ્યવસ્થિત રજૂઆત કરો, નહીં તો હું તમને સમય નહીં આપું. તમે ઉપરી અધિકારી પાસે રજૂઆત કરી શકો છો. તમે તેઓ મારા પર આક્ષેપો કરી રહ્યા છે.