વિવાદ@અંબાજી: OT માં વિડીયો બનાવીને વાયરલ કર્યો, ડૉ. કિંજલ પરીખને નોટિસ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અંબાજીની સબ-ડિસ્ટ્રિક્ટ સરકારી હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરની અંદર વિડીયો અને ફોટોગ્રાફી કરવાના મામલે મોટો વિવાદ સર્જાયો છે. હોસ્પિટલના ગાયનેકોલોજી વિભાગમાં LSCS (સિઝેરિયન ડિલિવરી) દરમિયાનના વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યાના આક્ષેપો થયા છે.
અંબાજી સરકારી હોસ્પિટલમાં ડેપ્યુટેશન પર ફરજ બજાવતા ગાયનેકોલોજિસ્ટ ડૉ. કિંજલ પરીખની સોશિયલ મીડિયા પોસ્ટને લઈને સવાલો ઉઠ્યા છે. સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી પોસ્ટમાં ઓપરેશન ટેબલ પર પ્રસૂતા દર્દી હોય તેવા દૃશ્યો તેમજ સર્જરીની પ્રક્રિયા દર્શાવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, સર્જરી દરમિયાન બહાર કાઢવામાં આવેલા અંગ અથવા ટિશ્યૂના દૃશ્યો પણ પોસ્ટ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ છે.
*વિડીયો સાથે શું લખ્યું હતું?*
ડૉ. કિંજલ પરીખે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરીમાં મૂકેલા આ વિડીયો સાથે અંગ્રેજીમાં લખ્યું હતું, *"'એન કોલ' જન્મ - એક દુર્લભ ઘટના જેમાં બાળક સંપૂર્ણપણે અખંડ, પ્રવાહીથી ભરેલી એમ્નિઓટિક કોથળીની અંદર વીંટળાયેલું જન્મે છે, આવી ઘટના દર 80,000 જન્મમાંથી 1 કિસ્સામાં જોવા મળે છે."*
આ વિડીયો 3 દિવસ પહેલા 19 નવેમ્બરે પ્રસૂતાના ઓપરેશન દરમિયાન ઉતાર્યો હોવાનું જાણવા મળ્યું છે. વિડીયો વાયરલ થતાં વિવાદ વધુ વકર્યો છે.
*દર્દીની સંમતિ અને ગોપનીયતા અંગે સવાલો*
આ સમગ્ર મામલે ઓપરેશન થિયેટર જેવા સંવેદનશીલ સ્થળે પ્રસૂતાના ઓપરેશનનું મોબાઇલથી રેકોર્ડિંગ કરવાની મંજૂરી કોણે આપી તેવો સવાલ ઉઠ્યો છે. વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા પર મૂકતાં પહેલાં દર્દીની લેખિત અને સ્પષ્ટ સંમતિ લેવામાં આવી હતી કે નહીં, તેમજ હોસ્પિટલ પ્રશાસનની મંજૂરી હતી કે નહીં તે અંગે પણ તપાસની માગ કરવામાં આવી રહી છે. દર્દીની ગોપનીયતા, ગરિમા અને તબીબી ગોપનીયતાના નિયમોનું પાલન થયું હતું કે નહીં તે મુદ્દો ચર્ચામાં આવ્યો છે.
*તબીબી નૈતિકતાના નિયમોનું પાલન થયું કે નહીં?*
Indian Medical Councilના 2002ના નિયમો હેઠળ તબીબો માટે તબીબી નૈતિકતાની મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે. નિયમ 7.14 મુજબ દર્દીની ગોપનીય માહિતી જાહેર ન કરવાની જવાબદારી તબીબની છે. જ્યારે નિયમ 7.17 હેઠળ દર્દીની ઓળખ થઈ શકે તેવી તસવીરો કે કેસ રિપોર્ટ પ્રકાશિત કરવા માટે દર્દીની મંજૂરી જરૂરી હોવાનો ઉલ્લેખ છે. આ ઉપરાંત NMC દ્વારા 26 જુલાઈ, 2025ના રોજ જાહેર કરાયેલી Live Surgery Guidelinesમાં પણ દર્દીની સલામતી, ગોપનીયતા અને તબીબી નૈતિકતાને પ્રાથમિકતા આપવામાં આવી છે.
*તબીબને નોટિસ ફટકારાઈ, જરૂર પડ્યે કાયદેસરની કાર્યવાહી*
સમગ્ર વિવાદને પગલે હોસ્પિટલના ઇ. સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા વિડીયો વાયરલ કરનાર તબીબને નોટિસ ફટકારવામાં આવી છે. આ મામલે જરૂરી તપાસ હાથ ધરવામાં આવશે અને જવાબદારી નક્કી કરવામાં આવશે. જરૂર જણાશે તો સંબંધિત તબીબ સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે તેમ જણાવાયું છે.
> *"OTમાં મોબાઇલ લઈ જવો પ્રતિબંધિત છે. આ વિડીયોથી દર્દીઓની અને હોસ્પિટલની ગરિમા, ગોપનીયતાને ગંભીર અસર થઈ છે. અમે ડૉ. કિંજલ પરીખને નોટિસ આપી છે, આગળની કાર્યવાહી ગાંધીનગરથી થશે."*
> *- ડૉ. પિયુષ મોદી, ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડેન્ટ*
*ઓપરેશન થિયેટરમાં મોબાઇલના ઉપયોગ અંગે કડક નિયમોની માગ*
આ ઘટનાને પગલે સરકારી હોસ્પિટલોના ઓપરેશન થિયેટરમાં મોબાઇલ અને કેમેરાના ઉપયોગ અંગે કડક નિયમો અમલમાં મૂકવાની માગ ઉઠી છે. દર્દીની ગોપનીયતા, ગરિમા અને સુરક્ષા જળવાઈ રહે તે માટે તબીબી સુપરિન્ટેન્ડેન્ટ અને આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારી નક્કી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.

