વિરોધ@રાજકોટ: નીલ સિટી ક્લબ ગરબામાં જમાલ કુડુ અને સકીરા ગીત પર ખેલૈયાઓએ ડાન્સ કરતાં વિવાદ

રાજકોટમાં નીલ સિટી ક્લબ ગરબામાં ડાન્સ પાર્ટી, પૂર્વ CM રૂપાણીએ કહ્યું- નાચવું અને રાસ એ બન્નેમાં ફેર, સરકાર નજર રાખે

 
વિરોધ@રાજકોટ: નીલ સિટી ક્લબ ગરબામાં જમાલ કુડુ અને સકીરા ગીત પર ખેલૈયાઓએ ડાન્સ કરતાં વિવાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં નવરાત્રિનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. આ તહેવારની ઉજવણી નવ દિવસ સુધીન કરવામાં આવે છે. નીલ સિટી ક્લબ ગરબામાં જમાલ કુડુ અને સકીરા ગીત પર ખેલૈયાઓએ ડાન્સ કરતાં વિવાદ. રાજકોટના નીલ સિટી ક્લબ ગરબામાં ગઈકાલે જમાલ કુડુ અને સકીરા ગીત પર ખેલૈયાઓએ ડાન્સ કર્યો હતો. જેને લઈને વિવાદ થયો છે. આ ડાન્સના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. જેને લઈને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, નાચવું અને રાસ લેવો એ બન્નેમાં ફેર છે. સરકારે નજર રાખવી જોઈએ.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જણાવ્યું હતું કે, જે વીડિયો પ્રસારિત થયા છે એમાં હું તેને વખોડી કાઢું છું. હિન્દુ સંસ્કૃતિ, આપણી પરંપરા અને નવરાત્રિનું મહત્વ. નવરાત્રિ ઉત્સવ એ માતાજીની આરાધનાનો ઉત્સવ છે. ભલે પ્રાચીન ગરબીઓને આજના સમયમાં અર્વાચીન થાય. મોટી સંખ્યામાં યુવાઓ આવીને ત્યાં બધા રાસ લે. નાચવું અને રાસ લેવો એ બન્નેમાં ફેર છે. થર્ટી ફર્સ્ટમાં જે ઉજવણી થાય છે એ નાચવાની થાય છે. નવરાત્રિમાં માની આરાધનાની સાથે રાસ લઈએ છીએ. ત્યારે ગઈકાલે સકીરાના ડાન્સ અને આ પ્રકારે જે આયોજકે કર્યું છે તેને હું સખ્ત શબ્દોમાં વખોડું છું.

ગરબામાં થયેલા વિવાદ અંગે આયોજક સમર્થ મહેતાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, અમે 17 વર્ષથી આ આયોજન કરીએ છીએ. આ જે વીડિયો છે તે છેલ્લી 10થી 15 મિનિટનો છે. અગાઉની 4 કલાક અમે માત્ર ગરબા પર જ રાસોત્સવ કરીએ છીએ. છેલ્લા 17 વર્ષથી અમે આ છેલ્લી 10થી 15 મિનિટ બોલીવુડ સ્ટાઈલ કરીએ છીએ છતાં પણ અમે નૈતિકતાના ધોરણે આજે અમારી કમિટીની બેઠક બોલાવી છે. કાયદાનું પાલન પણ અમે કરીએ છીએ.

વધુમાં જણાવ્યું હતું કે, નવી પેઢી પર એની ખરાબ અસર પડે, હિન્દુ સંસ્કૃતિની લાગણી ઘવાય તેવું કોઈપણ પ્રકારનું આયોજન થવું ન જોઈએ. સરકારે પણ આ અંગે ગુજરાતમાં જ્યાં પણ ગરબાના મોટા આયોજન થતા હોય ત્યાં નજર રાખવી જોઈએ. મર્યાદામાં નવરાત્રિ મહોત્સવ ઉજવાય એનું ધ્યાન રાખે એ અતિ આવશ્યક છે. નવરાત્રિ મહોત્સવ સ્ત્રીઓના સન્માનનો કાર્યક્રમ છે. તેમાં આ પ્રકારના જે ડાન્સો છે એ કોઈપણ સંજોગોમાં ચાલે નહીં અને આ પ્રકારે અટકાવવું જોઈએ.

આ વીડિયોને લઇને ગરબા આયોજક અને કોંગ્રેસના આગેવાન ઇન્દ્રનીલ રાજ્યગુરુના ભત્રીજા સમર્થ મહેતાએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા 17 વર્ષથી નવરાત્રિનું આયોજન કરીએ છીએ અને દરરોજ ચાર કલાક સુધી માતાજીની આરાધના કરીએ છીએ. જે વીડિયો સામે આવ્યો છે તે માત્ર છેલ્લી 10થી 15 મિનિટનો છે, પરંતુ તે પહેલાંનો વીડિયો કોઈએ જોયો નથી. પરંતુ તેનું કારણ એ હોઈ શકે કે આ નવરાત્રિ શહેરમાં સૌથી વધુ પ્રચલિત છે. જોકે, આ પ્રકારના ગીત બાબતે અમારી કમિટી નિર્ણય કરશે. આ સાથે જ તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રકારના ગરબાને વખોડી કાઢ્યા છે, પરંતુ તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમના ભત્રીજા મેહુલ રૂપાણી સહિતના લાઇવ કોન્સર્ટ કરતા અને તેમાં યુવક યુવતીઓ ઠુમકા લગાવતા હતા તો શું એ યોગ્ય હતું, ત્યારે તેના જવાબમાં સમર્થ મહેતાએ જણાવ્યું હતું કે, અમે કોઈની લીટી ટૂંકી કરવા માગતા નથી. અમે અમારી લીટી લાંબી કરીએ છીએ.

સનાતન ધર્મ સમિતિના સંત જ્યોર્તિનાથ મહારાજે જણાવ્યું હતું કે, રાજકોટના એક ગરબામાં ફિલ્મી ગીતો અને નશાના ગીતો વગાડવામાં આવ્યા હતા. દારૂના ગીતો વગાડવામાં આવ્યા. ગરબાની પરમિશન લીધી હોય તો ગરબા જ વગાડવા જોઈએ. ભાગીતળ ગરબાની અંદર આ ન્યૂસન્સ નાખી અને જે પ્રકારનું કૃત્ય થાય છે એ ખરેખર નિંદનીય છે. ક્યાંય ચલાવી લેવાય તેમ નથી. આયોજક સામે પોલીસ એક્શન લેવાવા જોઈએ.

​​​​​​​ વધુમાં જણાવ્યું હતું કે, લોકોએ પણ જાગવાની જરૂર છે. આવું થતું હોય ત્યાં રોકવાની જરૂર છે. યુવાપેઢીની અંદર આવા પ્રોગ્રામ થતા હોય તો તમે શું પ્રેરણા આપો. સંસ્કૃતિની વાતો કરવી છે તો સંસ્કૃતિ સાચવવી પડે. સનાતન ધર્મના તહેવારોમાં આવી બેજવાબજારીપૂર્વકના કૃત્ય થતા હોય તો ત્યાં હાજર પોલીસકર્મીએ પણ ધ્યાન દોરવું જોઈએ. આવું થતું હોય તો તેને રોકવાની કોશિશ કરવી જોઈએ. રોકવું જોઈએ સંસ્કૃતિ વિરૂદ્ધનું કાર્ય થતું હોય તો સમાજે રોકવાની જરૂર છે.