વિવાદ@સુરત: ભગવાન શંકર પર વિવાદાસ્પદ ટિપ્પણી કરતી પોસ્ટ શેર કરતાં હિન્દુ સંગઠનોનો હલ્લાબોલ

સોશિયલ મીડિયા પરની પોસ્ટને લઈ વિવાદ
 
વિવાદ@સુરત: ભગવાન શંકર પર વિવાદાસ્પદ ટિપ્પણી કરતી પોસ્ટ શેર કરતાં  હિન્દુ સંગઠનોનો હલ્લાબોલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં વિરોધના કેટલાક બનાવો જોવા મળતા હોય છે. ફરી એકવાર વિરોધ વકર્યો છે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના આરટીઆઇ સેલમાં કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવતા દેવેન્દ્રનાથ પટેલ ભગવાન શંકર અને ગણેશજી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરતી પોસ્ટ શેર કરતાં વિવાદમાં ઘેરાયા છે. સોશિયલ મીડિયા પર શેર કરેલી તેમની આ પોસ્ટને કારણે હિન્દુ સંગઠનો રોષે ભરાયાં છે. આજે (29 જુલાઈ) કેટલાંક હિન્દુ સંગઠનો દ્વારા યુનિવર્સિટીના કુલપતિને લેખિત રજૂઆત કરી કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરી છે. આ મામલે યુનિવર્સિટીના રજિસ્ટ્રારે દિવ્ય ભાસ્કરની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ મામલે કમિટીની રચના કરી અને યોગ્ય તપાસ બાદ નિર્ણય લેવામાં આવશે.


વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના આરટીઆઇ સેલમાં કોર્ડિનેટર તરીકે કાર્યરત દેવેન્દ્રનાથ પટેલની એક પોસ્ટ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહી છે. આ પોસ્ટમાં શ્રાવણ માસ, ભગવાન શંકર અને ગણેશજીને લઈ આપત્તિજનક લખાણ લખાયેલું છે. આ પોસ્ટ રાજેશ કુમાર યાદવ નામના એકાઉન્ટ પરથી થયેલી છે અને એને દેવેન્દ્રનાથ પટેલ દ્વારા શેર કરવામાં આવી છે. હાલમાં સોશિયલ મીડિયા પરની પોસ્ટના કારણે હિન્દુ સંગઠનમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.


આજે મોટી સંખ્યામાં હિન્દુ સંગઠન સાથે જોડાયેલા યુવાનો યુનિવર્સિટી પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું, સાથે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને લેખિત રજૂઆત કરી હતી કે આરટીઆઇ સેલમાં ફરજ બજાવનાર દેવેન્દ્રનાથ પટેલ સામે તેમના આ પોસ્ટને લઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. તેમણે હિન્દુ ધર્મ અને આસ્થાનું અપમાન કર્યું છે.


હિન્દુ સંગઠન સાથે સંકળાયેલા નરેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે દેવેન્દ્રનાથ પટેલે શ્રાવણ માસના વ્રત રાખનારી છોકરીઓ તેમજ શંકર ભગવાન માટે અપશબ્દ તેમજ વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. આ ધર્મ અને આસ્થાનું અપમાન કરતી ટિપ્પણી છે, જેથી અમે વાઇસ-ચાન્સલરને રજૂઆત કરી છે કે દેવેન્દ્રનાથ પટેલ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. તેઓ આ રીતે અનેકવાર વિવાદાસ્પદ ટિપ્પણી કરી ચૂક્યા છે.


આ સમગ્ર મામલે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર રમેશ ગઢવીએ જણાવ્યું હતું કે અમે આ સમગ્ર મામલે કમિટીની રચના કરીશું અને યોગ્ય તપાસ બાદ નિર્ણય લેવામાં આવશે.