ગંભીર@સાળંગપુર: મંદિરમાં હનુમાનજીને સ્વામિનારાયણ ભગવાનના દાસ તરીકે દર્શાવતા ભીંત ચિત્રોનો વિવાદ

જો ચિત્રો હટાવવામાં નહીં આવે તો સાધુ-સંતો દ્વારા જાતે આ ભીંત ચિત્રો હટાવી લેવાશે.
 
ગંભીર@સાળંગપુર: મંદિરમાં હનુમાનજીને સ્વામિનારાયણ ભગવાનના દાસ તરીકે દર્શાવતા ભીંત ચિત્રોનો વિવાદ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

 હનુમાનજીને સ્વામિનારાયણ ભગવાનના દાસ તરીકે દર્શાવતા ભીંત ચિત્રોનો વિવાદ વધુ ગંભીર સ્વરૂપ લેવા માંડ્યો હોય તેમ શનિવારે એક હનુમાનભક્તે ભીંત ચિત્રો પર લાકડી-કુહાડીનાં ઘા ઝીંકીને કાળો કલર કરી નાખતા ચકચાર મચી છે. આ ઘટનાની જાણ થતાં પોલીસે તત્કાલ યુવકની અટકાયત કરી હતી અને વધુ કડક બંદોબસ્ત સાથે પ્રતિમા-ભીંત ચિત્રો ફરતે બેરીકેડ ગોઠવી દેવાઈ છે.

સાળંગપુર નજીકનાં ચારકારી ગામનો હર્ષદ ગઢવી નામનો હનુમાન ભક્ત શનિવારે સાળંગપુરમાં હનુમાનજીની 54 ફૂટ ઊંચી પ્રતિમાવાળા વિસ્તારમાં ઘસી ગયો હતો અને ભીંત ચિત્રોમાં લાકડી-કુહાડીનાં ઘા મારીને તોડફોડ કરી હતી. ઉપરાંત ભીંતચિત્રો પર કાળો કલર કર્યો હતો. અગાઉથી જ પોલીસ બંદોબસ્ત હોવા છતાં યુવકે થાપ આપીને તોડફોડ કરી હતી. જોકે યુવક વધુ કોઈ નુકસાન કરે તે પૂર્વે જ પોલીસ જવાનો ઘસી ગયા હતા અને તેની અટકાયત કરી હતી. આ બનાવની જાણ થતાં બોટાદના પોલીસ વડા કિશોર બળોલિયા પણ સાળંગપુર પહોંચી ગયા હતા. એલસીબી-એસઓજીનાં કાફલાને પણ દોડાવાયો હતો.

પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે તોડફોડ કરનારો યુવક ચારણકી ગામનો છે અને હાલ ઢસામાં રહે છે. હનુમાનજીનાં ભીંત ચિત્રોથી અપમાન સહન થયું ન હોય તેમ ઉશ્કેરાટમાં આવીને તોડફોડ કરી હતી. તોડફોડ કરનારા યુવકને પોલીસ સ્ટેશને લઈ જવાતા સનાતની-હનુમાનભક્તોમાં રોષ ફેલાયો હતો. યુવકના સમર્થનમાં લક્ષ્‍મણજી મંદિરના મહંત જગદેવદાસબાપુની આગેવાનીમાં હિન્દુ યુવા સંગઠનના કાર્યકરો બરવાળા પોલીસ સ્ટેશને ધસી ગયા હતા.

ગંભીર@સાળંગપુર: મંદિરમાં હનુમાનજીને સ્વામિનારાયણ ભગવાનના દાસ તરીકે દર્શાવતા ભીંત ચિત્રોનો વિવાદ 

સાળંગપુરમાં હનુમાનજીની 54 ફૂટ ઊંચી પ્રતિમાવાળો સમગ્ર વિસ્તાર કોર્ડન કરી નાખવામાં આવ્યો છે. અત્યાર સુધી માત્ર મૂર્તિ પાસેનો વિસ્તાર જ કોર્ડન હતો. હવે સમગ્ર ભાગમાં બેરિકેડ લગાવી દેવામાં આવી છે. એટલે દર્શનાર્થીઓને દૂરથી જ દર્શન કરવા પડે તેવી સ્થિતિ છે. આ ઉપરાંત વધુ સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે.

ભીંત ચિત્રો નહીં હટે તો 3000 સંતોનું ઉપવાસ આંદોલનઃ આશુતોષ ગીરીબાપુ

બરવાળા તાલુકાના પાંડવકાલીન ભીમનાથ મહાદેવના મહંત મહામંડલેશ્વર પૂજ્ય આશુતોષ ગીરીબાપુએ જણાવ્યું હતું કે, જે ભીંત ચિત્ર બનાવાયા છે તે વહેલી તકે હટાવી લેવામાં આવે, આ ચિત્રો યોગ્ય નથી. આગામી દિવસોમાં આ મામલે લીંબડી ખાતે 100 સાધુ-સંતોની એક બેઠક યોજવાની છે. ત્યારબાદ ભીમનાથ મહાદેવ મંદિર ખાતે 3,000 સાધુ-સંતોનું અધિવેશન પણ મળશે. તેમજ જરૂર પડે તો કોર્ટના દરવાજા પણ ખખડાવાશે. છતાં પણ આ ચિત્રો નહીં હટાવવામાં આવે તો 3000 સાધુ-સંતો સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે ઉપવાસ આંદોલન કરશે. છતાં પણ જો ચિત્રો હટાવવામાં નહીં આવે તો સાધુ-સંતો દ્વારા જાતે આ ભીંત ચિત્રો હટાવી લેવાશે.

આસ્થાને ઠેસ પહોંચતી હોવાથી વિવાદિત ચિત્રો દૂર કરવા જોઇએ: સાંસદ મોકરિયા

રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ જણાવ્યું હતું કે, હું મારૂતિનંદનનો ભગત છું, તેમનું સન્માન જાળવવું જોઇએ. કોઈ મંદિરનો પૂજારી હોય તો તેને પૂજારી તરીકે રહેવાય. તે એમ કહે કે હું ભગવાન છું તો એ ન ચાલે. સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોએ વિવાદથી દૂર રહેવું જોઇએ. લોકોની આસ્થાને ઠેસ પહોંચે છે તો આ ભીંતચિત્રો દૂર કરવા જોઈએ એવું મારું માનવું છે. શંકરાચાર્યથી કોઇ મોટું નથી એની અપીલ સૌ લોકોએ માનવી જોઈએ. હિન્દુ સમાજમાં ભાગ પડે અને અન્ય લોકોને તેનો લાભ થાય એવું ન કરવું જોઇએ.

કોઈ વિવાદ ઊભા થાય તેવા ફોટો ન મૂકવા જોઈએ: મંત્રી કુંવરજી બાવળિયા

રાજ્યના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, સાંજ સુધીમાં સ્થાનિક લેવલેથી વિવાદનો અંત આવે તે પ્રકારના પ્રયાસ છે. જરૂર પડશે તો અમે ત્યાં જઈશું અને સાથે બેસીને વિવાદનો ઉકેલ લાવશું. કોઈ પણ વિશે વિવાદ થાય તેવા ચિત્રો અથવા વોટ્સએપ ઉપર ફોટા ન મૂકવા જોઈએ, તે પછી કોઈ ભગવાન હોય કે કોઈ વ્યક્તિ હોય. વિવાદ ઊભા થાય અને ખોટી અશાંતિ ઊભી થાય તેવા પ્રત્યનો ન કરવા જોઈએ.