વિવાદ@રાજકોટ: પી.ટી.જાડેજાએ સ્પષ્ટ જણાવ્યું કે પાટીલ નહીં, મોદી સાહેબ અપીલ કરે તો પણ અમારો નિર્ણય અડગ

ભાજપને 'નો એન્ટ્રી'નાં બેનર લાગશે

 
વિવાદ@રાજકોટ: પી.ટી.જાડેજાએ સ્પષ્ટ જણાવ્યું  કે પાટીલ નહીં, મોદી સાહેબ અપીલ કરે તો પણ અમારો નિર્ણય અડગ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ચૂંટણીના થોડા જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજ્યભરમાં વિવાદ ચાલી રહ્યો છે.  રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના એક નિવેદનને લઈ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે. આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પણ ક્ષત્રિય સમાજને માફી આપવા માટે અપીલ કરી હતી. જોકે આ અપીલ બાદ પણ ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત્ છે.

આ મામલે આજે રાજકોટના યુનિવર્સિટી રોડ પરના કાશી વિશ્વનાથ મંદિરે ક્ષત્રિય સમાજની બેઠકમાં ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. આ અંગે આગેવાન પી.ટી.જાડેજાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે પાટીલ નહીં, મોદી સાહેબ અપીલ કરે તોપણ અમારો નિર્ણય અડગ છે. અમે મોદી સાહેબને પણ સામી અપીલ કરીશું કે રોડ પર ઊતરેલી રાજપૂતાણીઓને ન્યાય આપો.


ક્ષત્રિય સમાજના આગેવાન પી. ટી. જાડેજાએ જણાવ્યું હતું કે આજનો કાર્યક્રમ સરિતા વિહાર ખાતે યોજાયો છે. રાજકોટ શહેરમાં ક્ષત્રિયોની વસતિ ધરાવતા વિસ્તારોમાં હાલ બેઠકો યોજવામાં આવી રહી છે. મહાસંમેલન માટેની આ તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં વિસ્તારવાઇઝ બેઠકો થયા બાદ એક મહાસંમેલનની તારીખ જાહેર કરવામાં આવશે. હાલ ઘરે-ઘરે પત્રિકા પહોંચાડવાનું, દરેક ગામમાં ભાજપ માટે નો એન્ટ્રીનાં બેનરો લગાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે.


અત્યારસુધીમાં 20,000 પત્રિકા વહેંચાઈ ચૂકી છે અને બાકીની પત્રિકાઓ છપાવવામાં આવી રહી છે. આ ઉપરાંત 256 ગામમાં બેનર પહોંચાડી દેવામાં આવ્યાં છે. હાલ સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. પાટીલ સાહેબના નિવેદન બાદ લોકોના રોષમાં વધારો થયો છે. જોકે અમે સમાજના લોકોને સ્પષ્ટ કહીએ છીએ કે અમે ખરીદાઈ કે વેચાઈ જાય તેવા નથી. અમે સમાજ સાથે વિશ્વાસઘાત કરીશું નહીં, કારણ કે અમે રાજકારણ સાથે જોડાયેલા નથી અને સાચા સમાજસેવક છીએ.


મોદી સાહેબ અપીલ કરશે તો અમે સામે અપીલ કરીશું કે તમે તો બહેનોને પ્રોત્સાહિત કરો છો, 33 ટકા અનામત પણ આપી છે તેમજ ઇતિહાસના ચાહક અને જાણકાર છો, ત્યારે એક રૂપાલાની ટિકિટ માટે સમગ્ર ક્ષત્રિય સમાજને અન્યાય થાય એવું તમે થવા દેશો નહીં. હાલમાં રાજપૂતાણીઓ રોડ સુધી આવી ગઈ છે. ત્યારે જો તમે ન્યાય નહીં આપો તો કોણ આપશે ? આવું કહેવાથી મને વિશ્વાસ છે કે મોદી સાહેબ પણ અમારી વાત સાંભળશે. એટલું જ નહીં, ક્ષત્રિયોના કોઈપણ રાષ્ટ્રીય લેવલના પદાધિકારી આવે તોપણ અમારો જવાબ આ જ હશે.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં હાલ ક્ષત્રિયોના મત 8 જિલ્લામાં છે, પરંતુ 16 જિલ્લામાં એની અસરો જોવા મળતી હોય છે. ક્ષત્રિયો વધારે ઉગ્ર બનશે અને માગ નહીં સ્વીકારવામાં આવે તો તમામ 26 જિલ્લામાં અન્ય સમાજનો સહકાર પણ માગવામાં આવશે અને કહીશું કે અમે રામ અને કૃષ્ણના સમયથી તમારું રક્ષણ કરતા આવ્યા છીએ. આજે અમારી બહેનો પર આવી ટિપ્પણી કરવામાં આવી છે, ત્યારે તમે પણ અમારી સાથે મતદાન કરજો. આમ, ચોક્કસપણે અઢારેય વરણને સાથે રાખીને ચાલવામાં આવશે.


કરણીસેનાનાં મહિલા પ્રદેશ અધ્યક્ષ પદ્મિનીબાએ જણાવ્યું હતું કે આજે 300 બહેન એકસાથે ફોર્મ ભરવાનાં છીએ એ અંગે બેઠક યોજાઈ છે. પાટીલે તો આવી અપીલ કરીને અમારું મન જીતી લીધું છે. અમને તેમના માટે માન છે કે આટલી મોટી વ્યક્તિ હોવા છતાં તેમણે આ બાબતમાં રસ લીધો છે, પરંતુ તેમણે આ રસ રૂપાલાભાઈ માટે લીધો છે. ત્યારે અમારો નિર્ણય એક જ છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ કરવામાં આવે. એક વ્યક્તિ માટે આટલું થતું હોય તો ખુદ રૂપાલાભાઈએ જ પાછળ હટી જવું જોઈએ. તેઓ એક પગથિયું પાછળ હટી જશે તો અમને પણ તેમના પર માન આવશે.


આવતીકાલે શું નિર્ણય આવે છે એ જોઈશું, પરંતુ અમારી એક જ માગ છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ કરવામાં આવે. આવતીકાલની બેઠકમાં અમારા વિરુદ્ધ નિર્ણય આવશે તો અમારું આંદોલન યથાવત્ રહેશે. રેલી યોજી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવશે તેમજ શેરી ગલી ખાતે પણ નાનામાં નાના કાર્યકર્તાને એન્ટ્રી બંધ કરવામાં આવશે. તાલુકા અને જિલ્લાવાઇઝ આંદોલન કરીશું તેમજ જેલ ભરો આંદોલન કરી રોડ ઉપર પણ ઉતારવાની અમારી તૈયારી છે.