રસોઈ@ગુજરાત: બાળકોને ખૂબ જ ભાવશે ચીઝ પરાઠા, જાણો બનાવવાની સરળ અને ટૂંકી રેસિપી
પિઝાનો સ્વાદ જે ડિશમાં મળે છે બાળકો તેને ઝટપટ ખાઈ જાય છે.
Jul 10, 2023, 14:33 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બાળકને પણ પિઝાનો સ્વાદ પસંદ છે તો તમે તેના માટે ચીઝ પરાઠા બનાવી શકો છો. ચીઝ પરાઠાનો સ્વાદ પિઝા જેવો જ લાગે છે. ખાસ વાત એ છે કે બાળકો ઘણી વખત વેજીટેબલ ટોપિંગ ખાતા નથી, તો આવી સ્થિતિમાં તમે માત્ર ચીઝ વડે પરાઠા બનાવી શકો છો.તેને બનાવવા ખૂબ જ સરળ છે અને ગરમાગરમ ચીઝ પરાઠા જોઈને વડીલોનું પણ મન લલચાઈ જાય છે. તમે તેને નાસ્તામાં અથવા ડિનરમાં બનાવી શકો છો. ચાલો જાણીએ ચીઝ પરાઠા બનાવવાની રીત.
ચીઝ પરાઠા બનાવવા માટેની સામગ્રી
- ઘઉંનો લોટ - 1 કપ
- પ્રોસેસ્ડ ચીઝ છીણેલું - 1.5 કપ
- લાલ મરચું પાવડર - 1/2 ચમચી
- કોથમીર - 2 ચમચી
- ચાટ મસાલો - 1 ચમચી
- ગરમ મસાલો - 1/2 ચમચી
- તેલ - જરૂર મુજબ
- મીઠું - સ્વાદ મુજબ
ચીઝ પરાઠા બનાવવાની રીત
- ટેસ્ટી ચીઝ પરાઠા બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં ઘઉંનો લોટ લો અને તેમાં ચપટી મીઠું નાખો અને થોડું-થોડું પાણી ઉમેરીને મિક્સ કરો.
- નરમ લોટ બાંધ્યા પછી તેને ઢાંકીને થોડી વાર માટે અલગ રાખી દો.
- આ પછી એક મોટા બાઉલમાં છીણેલું પ્રોસેસ્ડ ચીઝ નાખો અને તેમાં લાલ મરચું પાવડર, ચાટ મસાલો, ગરમ મસાલો, કોથમીર અને એક ચપટી મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કરીને સ્ટફિંગ તૈયાર કરી લો.
- હવે લોટને લઈને તેને વધુ એક વાર ગૂંથી લો અને પછી એકસરખા બોલ્સ બનાવી લો.
- આ પછી એક નોનસ્ટિક તવાને ધીમી આંચ પર ગરમ કરવા માટે રાખી દો.
- આ દરમિયાન એક બોલ્સ લઈને તેને ગોળ રોલ કરો અને થોડું રોલ કર્યા પછી તેની વચ્ચે તૈયાર ચીઝ સ્ટફિંગને રાખો અને ચારે બાજુથી બંધ કરીને ગોળ બોલ બનાવો. તે પછી તેને દબાવીને ગોળ પરાઠા વણી લો.
- તવો જ્યારે ગરમ થઈ જાય એટલે તેના પર થોડું તેલ નાખીને ચારે બાજુ ફેલાવી દો અને પરાઠાને મધ્યમ આંચ પર શેકી લો. પરાઠાની ઉપર તેલ લગાવો અને બંને બાજુને ત્યાં સુધી શેકો જ્યાં સુધી કે ચીઝ પરાઠા ક્રિસ્પી થઈને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન ન થઈ જાય.
- આ પછી પરાઠાને પ્લેટમાં કાઢી લો. એ જ રીતે એક પછી એક બધા પરાઠા બનાવી લો.
- લંચ-ડિનર માટે ટેસ્ટી ચીઝ પરાઠા તૈયાર છે તમે તેને ચટણી અથવા સોસની સાથે સર્વ કરી શકો છો.