ભ્રષ્ટાચાર@અમદાવાદ: 5 મહિના પહેલાં મુખ્યમંત્રીએ ઉદ્ઘાટન કરેલા અંડરબ્રિજમાં સળિયા દેખાવા લાગ્યા
82 કરોડના ભ્રષ્ટાચારનો અંડરબ્રિજ ?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર ભ્રષ્ટાચાર જોવા મળતો હોય છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં જલારામ મંદિર પાસે બનાવવામાં આવેલો અંડરબ્રિજ બનવાની શરૂઆત થઈ ત્યારથી લઈ ઉદ્ઘાટન થયું ત્યાં સુધી વિવાદમાં રહ્યો છે. ત્યારે હવે ફરી એકવાર જલારામ અંડરબ્રિજની કામગીરીને લઈને સવાલો ઊભા થયા છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રેલવે વિભાગ દ્વારા સંયુક્ત રીતે રૂપિયા 82 કરોડના ખર્ચે બનાવેલા અંડરબ્રિજમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. પાંચ મહિના પહેલાં ઉદ્ઘાટન કરવામાં આવેલા અંડરબ્રિજમાં સળિયા દેખાવા લાગ્યા છે. રોડ તૂટી ગયો છે અને તેના સળિયા દેખાવા લાગતા હલકી ગુણવત્તાનું બાંધકામ થયું હોવાનું સ્પષ્ટ જણાય છે.
શહેરના પાલડી વિસ્તારમાં બનાવવામાં આવેલા અંડરબ્રિજનો દિવ્ય ભાસ્કર દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં અંડરબ્રિજના બાંધકામમાં હલકી ગુણવત્તાનું બાંધકામ થયું હોવાનું સ્પષ્ટ જણાય છે. લો ગાર્ડન કલગી ચાર રસ્તાથી પાલડી તરફ જવાના રોડ ઉપર રેલવે બ્રિજ બાદ રોડ તૂટેલો છે અને સળિયા દેખાવા લાગ્યા છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઢાળના ભાગની ઉપર તરફ રોડ તૂટ્યો છે અને સળિયા દેખાવા લાગ્યા છે. જેના કારણોને વાહનચાલકોને અચાનક જ આ સળિયા દેખાયા તેના કારણે વાહનચાલકોને તકલીફ પડી રહી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ એન્ડ એન્જિનિયરિંગ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મીરાંત પરીખે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પાલડી અંડરબ્રિજને મેઇન્ટેનન્સ કરવાની અને રોડ રિપેરિંગ કરવાની જવાબદારી ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની છે. અગાઉ પણ પ્રશ્ન થયો હતો ત્યારે મેટ્રો રેલ કોર્પોરેશનને જાણ કરવામાં આવી હતી. અત્યારે જ્યાં પણ રોડ તૂટી ગયો છે તો આ મામલે મેટ્રો રેલ સાથે સંકલન કરી જાણ કરી દઉં છું.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના પીઆરઓ અંકુર પાઠકે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પાલડી જલારામ અંડરપાસમાં રોડ તૂટી જવા અને ગાબડાં પડવા મામલે GMRC ટેક્નિકલ ડિરેક્ટરે જણાવ્યું છે કે, અંડરપાસમાં એક તરફ રોડ તૂટી ગયો અને સળિયા દેખાયા હોવા અંગે જાણકારી મળી છે. પરંતુ ચોમાસાના કારણે કામગીરી કરવામાં આવી નથી. વરસાદ બંધ થયા બાદ રોડ સરખો કરવાની કામગીરી કરવામાં આવશે અને હવે પછી આવી કોઈ ફરિયાદ આવશે નહીં.
અંડરબ્રિજ પર જ્યાં રોડ તૂટી ગયો છે ત્યાં કાંકરીઓ ઊખડે છે. જેથી કોઈ વાહનચાલક જો પસાર થાય ઊડીને વાહનચાલક ઉપર પણ પડે છે. અંડરબ્રિજમાં અન્ય રોડ ઉપર પણ નાના નાના ખાડા પડી ગયેલા જોવા મળે છે. અંડરબ્રિજ પર જે ગેટ લગાવેલા છે તે ગેટ પણ બાંધી દેવામાં આવ્યા છે. અલગ અલગ જગ્યાએ ક્યાંક ને ક્યાંક હલકી ગુણવત્તાનું બાંધકામ થયું હોય તેવું દેખાય છે.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રેલવે વિભાગ દ્વારા સંયુક્ત રીતે રૂ.82 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા અંડરબ્રિજમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય તેવું સ્પષ્ટ જણાય છે. રેલવે ક્રોસિંગ અને મેટ્રો રેલવે બંને હોવાના કારણે પાંચ વર્ષ પહેલાં અંડરબ્રિજ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. જે તે સમયે પણ સ્થાનિક લોકો દ્વારા કેટલોક વિરોધ કરવામાં આવ્યો હતો અને સ્થાનિક રાજકારણીઓએ પણ આ મામલે વિરોધ કર્યો હતો. કોણ બ્રિજ બનાવશે તેને લઈને વિવાદ થયા બાદ આખરે માર્ચ 2024માં અંડરબ્રિજ બનીને તૈયાર થઈ ગયો હતો. જો કે, શરૂઆત થાય તેના પહેલાં પણ બ્રિજ વિવાદમાં આવ્યો હતો.
જલારામ અંડરબ્રિજ બનાવવામાં આવ્યો ત્યારબાદ પાલડી તરફ બહાર નીકળતા ચાર રસ્તા અનેક નાના ટ્રાફિક સર્કલ આવતાં હતાં જે નડતાં હતાં. જેના કારણે ત્યાં ડિવાઇડરમાં થોડો ઘણો ફેરફાર કરવો પડ્યો હતો. પાણીના નિકાલની પણ યોગ્ય રીતે વ્યવસ્થા કરવામાં આવેલી નહોતી. જેના કારણે પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાદમાં અંડરબ્રિજમાં કામગીરી કરવામાં આવી હતી. આમ કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા અંડરબ્રિજ મામલે ખુદ મુખ્યમંત્રી તપાસના આદેશ આપે તો અનેક બાબતો સામે આવી શકે તેમ છે.