કાર્યવાહી@અમદાવાદ: જાહેરમાં ફાયરિંગ કરનારા નિવૃત્ત DySPને કોર્ટે ગુનેગાર ઠરાવીને 4 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
એલિસબ્રિજ વિસ્તારમાં પરિમલ ગાર્ડન પાસે જાહેર રસ્તા ઉપર સામાન્ય બાબતમાં થયેલી બોલાચાલીમાં ફાયરિંગ કરનારા નિવૃત્ત ડીવાયએસપીને એડિશનલ સેશન્સ જજ એચ. એચ. ઠક્કરે ગુનેગાર ઠરાવીને ચાર વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. કોર્ટે નોંધ્યું હતું કે, આરોપી સામે ગુનો પુરવાર થયો છે આરોપી નિવૃત્ત ડીવાયએસપી હોય કાયદાના જાણકાર છે.
તે જોતા કાયદાનું પાલન થાય તે જોવાની તેમની વિશેષ જવાબદારી છે. આમ છતાં આરોપીએ જે રીતે ગુનો આચરેલો છે તે જોતા ગુનાની ગંભીરતા વધી જાય છે. આરોપીની ઉંમરને લક્ષમાં લેતા કાયદામાં ઠરાવેલી મહત્તમ સજા ન કરતા બન્ને સંજોગોની સમતુલા જળવાઈ રહે તે મુજબની સજા કરવામાં આવશે તો ન્યાયનું હિત જળવાશે.
કેસની વિગત એવી છે કે, તા.૩-૩-૨૦૧૬ના રોજ સાંજના સમયે પરિમલ ગાર્ડન ચાલતા ચાલતા નિવૃત્ત ડીવાયએસપી બીમલ મોતીરાલ રાજવંશી ફરિયાદી દર્શન કિરણભાઈ શાહ તથા અન્યોને અપશબ્દો બોલતા હતા ત્યારે તેઓએ અપશબ્દો નહીં બોલવા માટે કહ્યું હતું. આથી બીમલ મોતીરાલ રાજવંશી ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદીને ભડાકે દઉં તેવું કહીને પોતાના ઘરે ચાલ્યા ગયા હતા. આ પછી નિવૃત્ત ડીવાયએસપી પોતાની લાયસન્સવાળી 12 બોર બંદૂક લાવીને પરિમલ ગાર્ડનના ગેટ પાસે હનુમાનજી મંદિર પાસે ફરિયાદી તથા અન્યો ઉપર ફાયરિંગ કર્યું હતું. જો કે, ફરિયાદીનો આબાદ બચાવ થયો હતો. એલિસબ્રિજ પોલીસે દર્શન શાહની ફરિયાદ લઈને આરોપી નિવૃત્ત ડીવાયએસપી બીમલ રાજવંશી સામે હત્યાનો પ્રયાસ સહિત અન્ય કલમો હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ મૂકયું હતું. સરકારી વકીલ અજય એ. ત્રિવેદીએ સાક્ષીઓ અને દસ્તાવેજોના આધારે કેસ પુરવાર કરીને કોર્ટને જણાવ્યું હતું કે, આરોપી પોતે એક નિવૃત્ત ડીવાયએસપી છે, જેમની સામે કેસ પુરવાર થયો છે. આરોપીએ સામાન્ય બાબતમાં જાહેર રસ્તા ઉપર ફાયરિંગ કર્યું છે. ત્યારે આવા કેસને હળવાશથી લઈ શકાય નહીં.
જેલ વોરંટ ભરી નિવૃત્ત ડીવાયએસપી જેલ હવાલે
આ કેસમાં શનિવારે હાજર રહેલા સરકારી વકીલ દેવેન્દ્ર પઢીયારે સજા અંગે દલીલ કરતા કોર્ટને જણાવ્યું હતું કે, આરોપી પોલીસ અધિકારી છે અને નજીવી તકરારમાં પર જ ફાયરિંગ કર્યું છે, હાલ આરોપી 70 વર્ષના છે પરંતુ મેડિકલી ફિટ છે તેઓના કોઇ જ મેડિકલ સર્ટિફિકેટ નથી. ત્યારે આરોપીને મહત્તમ સજા કરી જેલના હવાલે મોકલી આપવા જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે આરોપી નિવૃત્ત ડીવાયએસપીને 4 વર્ષની સજા ફટકારી જેલના હવાલે મોકલી આપ્યા છે.