કાર્યવાહી@રાજકોટ: લાંચ લેતા કેસમાં તલાટી મંત્રીને અદાલતે ત્રણ વર્ષની કેદની સજા અને રૂા.15000 દંડ ફટકાર્યો

ફરીયાદીએ તેમને થોડા દિવસનો ટાઇમ આપવા જણાવેલ
 
કાર્યવાહી@કાલાવડ: લાંચ લેતા કેસમાં તલાટી મંત્રીને અદાલતે ત્રણ વર્ષની કેદની સજા અને રૂા.15000 દંડ ફટકાર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા આરોપી મહેન્દ્ર સાકરચંદ સંઘવીએ ખાતેદાર ફરીયાદી ભરતભાઇ રાબડીયાને કોઝવેમાંથી પોતાની જમીન સુધી પાઇપલાઇન લઇ જવા માટે મંજુરી આપવાના બદલામાં રૂપિયા પંદર હજારની લાંચની માંગણી કરેલ જે અંગે ગોઠવાયેલ લાંચના છટકામાં રૂપિયા છ હજાર સ્વીકારતા ઝડપાઇ ગયેલ જે બદલ ખાસ અદાલતે ત્રણ વર્ષની કેદની સજા અને રૂા.15000 દંડ ફટકાર્યો છે.

આ કેસની હકીકત એવા પ્રકારની છે કે તા.29/1/2009ના રોજ કાલાવડ તાલુકામાં તલાટી મંત્રી તરીકે આરોપી ફરજ બજાવતા હતા. આ સમયે ફરીયાદીએ કાલાવડમાં મણવર નદીના કોઝવેમાંથી અન્ડરગ્રાઉન્ડ પાઇપલાઇન લઇ જવા માટે મંજુરી માંગેલ હતી. આ મંજુરી આપવાના બદલામાં આરોપીએ રૂા.15000ની માંગણી કરેલ હતી જેમાંથી રૂા.8000 ફરીયાદીએ આરોપીને ચુકવી આપેલ હતા. બાકીના રૂા.7000 માટે ફરીયાદીએ રકમ ઓછી કરવા માટે વિનંતી કરતા આરોપીએ રૂા. 6000 આપી જવાનું જણાવેલ. આ મુજબ તા.7/2/2009ના રોજ મંજુરી પત્ર લેવા માટે ફરીયાદી આરોપીના ઘરે ગયેલ ત્યારે આરોપીએ મંજુરી પત્ર આપેલ અને બાકીના રૂા. 6000ની માંગણી કરેલ. આથી ફરીયાદીએ તેમને થોડા દિવસનો ટાઇમ આપવા જણાવેલ

જેથી આરોપીએ મંજુરી પત્ર પાછો લઇ લીધેલ અને જણાવેલ કે બાકીના પૈસા આપી જાવ ત્યારે આ મંજુરી પત્ર આપવામાં આવશે. આરોપીએ કરેલ લાંચની માંગણી અંગે ફરીયાદીએ એસીબી પો.સ્ટે.માં ફરીયાદ નોંધાવતા રેઇડની કાર્યવાહી કરવામાં આવેલી પરંતુ રેઇડના દિવસે આરોપીના ઘરે તાળુ જોવામાં આવતા રેઇડ મુલત્વી રહેલ. બે દિવસ બાદ ફરી રેઇડનું આયોજન કરતા આરોપીનો સંપર્ક થતો ન હતો ત્યારે ફરીયાદીએ ફરી વખત ફોન કરી આરોપીને બોલાવેલ. આ વખતે આરોપીએ જણાવેલ કે તેઓ કાલાવડથી પરત ફરી રહેલ છે અને તેઓ આપાગીગા ટી સ્ટોલે મળેલ. આ સમયે આરોપીએ ફરી લાંચની માંગણી કરતા ફરીયાદીએ આપેલ લાંચની રકમ સ્વીકારતા એસીપીએ રંગેહાથ ઝડપી લીધા હતા.

આરોપી તરફે બચાવ લેવામાં આવેલ કે ફરીયાદીએ જે રકમ આપેલ છે તે લાંચ સ્વરૂપે નહીં પરંતુ અન્ય વ્યવહાર પેટે ચુકવવામાં આવેલ છે જે ફરીયાદીએ જુબાની સ્વીકારેલ છે. આથી તેઓને નિર્દોષ છોડી મુકવા જોઇએ. સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એસ.કે.વોરાએ જણાવેલ હતું કે લાંચના છટકા વખતે રંગેહાથ પકડાઇ ગયેલ ત્યારે તેઓએ રેડીંગ ઓફિસર સમક્ષ આવા કાયદેસરના કોઇ લેણા અંગે કોઇ રજુઆત કરેલ નથી. આરોપી વિરૂધ્ધ ચાર્જશીટ રેઇડ દરમ્યાન ફરીયાદી અને આરોપી વચ્ચે જે વાર્તાલાપ થયેલ તે પંચએ સંભાળેલ હતો. આ વાર્તાલાપમાં પણ પૈસાની લેતી દેતીના વ્યવહારની કાયદેસરના બાબત પણ વાત થયેલ નથી.

આ કેસમાં આરોપી વિરૂધ્ધ અદાલતે તહોમતનામુ ફરમાવી દીધા બાદ ફરીયાદીએ સૌપ્રથમવાર આ રકમ અલગ વ્યવહાર પેટે ચુકવાયેલ હોવાનું જણાવેલ હતું. સરકાર તરફે આવા ફરીયાદીને હોસ્ટાઇલ ગણાવી તેમની આ જુબાનીને ધ્યાનમાં લેવાના બદલે પંચની જુબાનીને મહત્વ આપવા જણાવેલ હતું. અંતમાં સરકાર પક્ષે રજુઆત કરવામાં આવેલ હતી કે આરોપીને બચાવવા માટે ફરીયાદી સોગંદ ઉપર ખોટી જુબાની આપે ત્યારે તેમને પંર્જરી માટે જવાબદાર ઠેરવવા જોઇએ. સરકાર પક્ષેની આ રજુઆતોના અંતે ખાસ અદાલતના જજ બી.બી.જાદવે આરોપી મહેન્દ્ર સાકરચંદ સંઘવીને ત્રણ વર્ષની સાદી કેદની સજા અને રૂા.15000નો દંડ ફરમાવેલ છે. આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ સંજયભાઇ કે. વોરા રોકાયેલા હતા.