કાર્યવાહી@રાજકોટ: સગીરાના દુષ્કર્મ-અપહરણના કેસમાં આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

આજીવન કેદની સજાનો હુકમ કર્યો 
 
 કાર્યવાહી@રાજકોટ: સગીરાના દુષ્કર્મ-અપહરણના કેસમાં આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં સ્પે. પોક્સો કોર્ટના જજ બી.બી. જાદવે આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે. કેસની હકીકત એવી છે કે આરોપી રોહિત જે તે વખતે નટરાજનગર મફતીયાપરા રાજકોટ ખાતે રહેતો હતો અને ફરિયાદી રાજકોટના સાંઢીયાપુલ નીચે તરફના વિસ્તારમાં રહેતા હતા.

બનાવ મુજબ 2018ની સાલમાં રાત્રીના ફરિયાદીની સગીરવયની પુત્રીને આરોપી લલચાવી ફોસલવાની અને કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ગયેલ જેની ફરિયાદીએ ફરિયાદ કરેલ અને બનાવ બાદ આશરે એકાદ મહિના બાદ પોલીસના સકંજામાં આવેલ. આ દરમિયાન આરોપીએ ભોગ બનનાર સાથે અનેકવાર દુષ્કર્મ કરેલ અને તેણીને અમદાવાદ, ભાવનગર, સુરત, વડોદરા, દામનગર વગેરે જગ્યાએ લઇ ગયેલ. પોલીસે પુરતી તપાસના અંતે ચાર્જશીટ કરેલ અને કુલ 27 સાક્ષીઓ તેમાં દર્શાવેલા હતાં.

ફરિયાદપક્ષે પોતાનો કેસ પુરવાર કરવા માટે અગત્યના સાક્ષીઓ એટલે કે ડોક્ટરો, ભોગ બનનાર ફરિયાદી, તપાસ કરનાર આરએમસી રાજકોટના જન્મ-મરણ વિભાગના અધિકારી વિગેરેને તપાસેલા અને આશરે 15 જેટલા મહત્વના દસ્તાવેજી પુરાવાઓ રજુ રાખેલા અને ત્યારબાદ બંને પક્ષોએ દલીલો કરેલી જે તમામ બાબતોને ધ્યાનમાં લઇ પોક્સો કોર્ટના જજ બી.બી. જાદવે આરોપીને આઇપીસી કલમ 376ના કામમાં આજીવન કેદની સજા અને 2000નો દંડ કરેલ છે તેમજ આઇપીસી 366માં પાંચ વર્ષની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ કરેલ છે જ્યારે પોક્સો કલમ 4 મુજબ 10 વર્ષની સખત કેદ અને રૂા.10 હજાર દંડ કરેલ છે અને પોક્સો કલમ 6માં પણ આજીવન કેદ અને 20 હજારનો દંડ ફટકારેલ છે. દંડની રકમમાંથી 50 ટકા ભોગ બનનારને વળતરપેટે ચુકવવાના રહેશે તેમજ ભોગ બનનારને રૂા.3 લાખ ચુકવવાનો હુકમ કરેલ છે. આ કેસમાં સરકારપક્ષે સરકારી વકીલ મહેશભાઇ જોષી રોકાયેલ હતાં.