ગુનો@રાજકોટ: ઇન્ડિયન બેંકના સ્ટ્રોંગ રૂમમાંથી 64.29 લાખનું સોનું ચોરી અંગે ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજયમાં ચોરીના ગુનાઓ ખુબજ વધી ગયા છે. ફરી એકવાર ચોરીની ઘટના સામે આવી છે. રાજકોટના ગોંડલ રોડ પર આવેલી ઇન્ડિયન બેંકના સ્ટ્રોંગ રૂમમાંથી 64.29 લાખનું સોનું ચોરી થયા અંગે ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ગત માર્ચ મહિનામાં મુંબઇથી આવેલા ઇન્સ્પેક્શન દરમિયાન સ્ટ્રોંગ રૂમમાંથી 47 ના બદલે 45 પાઉચ મળી આવ્યા હતા. જે બાદ બેંક અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી હતી. જોકે, તેમ છતાં પાઉચ અંગે કોઈ માહિતી ન મળતા જવાબદાર બે અધિકારીઓ સામે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
ઇન્ડિયન બેંકમાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા ઘનશ્યામકુમાર વિનોદાનંદ ઝા (ઉ.વ.48)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમારી ઇન્ડિયન બેંકની રાજકોટ બિઝનેસ સેન્ટર ગોંડલ રોડ બ્રાન્ચમાં બેંક મેનેજર તરીકે ગૌરીશંકર બીપ્રચરણ સામંતરાય, આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર તરીકે શ્રુતી દિવાકર શખારે તથા આસિસ્ટન્ટ મેનેજર તરીકે વિષ્ણુ નાયરણ એલાયથ ફરજ બજાવતા હતા. હાલ તેઓની બદલી ચેન્નઇ ખાતે થઇ છે. બેંકનું મુખ્ય કામ પૈસા રોકડ ઉપાડ અને જમા લેવાનું તથા સોના ઉપર ધિરાણ તથા લોન આપવાનું છે.
ગોલ્ડ તિજોરીની ચાવી શ્રુતી શખારે તથા વિષ્ણુ એલાયથ પાસે હોય છે. આ સ્ટ્રોંગ રૂમમાં બે ચાવીથી લોક ખૂલતો હોય છે. સ્ટ્રોંગ રૂમની અંદર જમણી બાજુ કેશ માટેનું વોલ્ટ અને તેની અંદર એક ખાનું છે. જેમાં સોનાના દાગીના ઉપર આપેલા ધિરાણના દાગીનાના પાર્સલ રહે છે અને ડાબી બાજુ પબ્લિક લોકર અને લોનના ડોકયુમેન્ટ રાખવામાં આવે છે.
ગઇ તારીખ 17 માર્ચ 2025ના રોજ મુંબઈ ખાતેથી ઇન્સપેકશન આવ્યું હતું અને સોનાના દાગીના અંગે ખરાઇ કરતા દાગીનાના 45 પાઉચ મળી આવ્યા હતા અને બ્રાન્ચ મેનેજર ગૌરીશંકર બીપ્રચરણ સામંતરાયએ જ્યારે ઇન્સપેકશન કર્યું ત્યારે દાગીનાના પાઉચ 47 હતા જેથી બે પાઉચ મિસિંગ હોવાની જાણ થઇ હતી. જે બાબતે ગૌરીશંકર બીપ્રચરણ સામંતરાયએ બ્રાન્ચમાં તપાસ કરી હતી, પરંતુ આ બંને મિસિંગ પાઉચ મળ્યા ન હતા.
ચેતનકુમારે મુંબઇ ખાતે જાણ કરી હતી અને રાજકોટ ઝોનલ ઓફિસ ખાતે જાણ કરતા બ્રાન્ચ મેનેજર ગૌરીશંકર બીપ્રચરણ સામંતરાયએ ચેક કર્યું કે, આ મિસિંગ પાઉચ કોના છે તો જાણવા મળ્યું કે એક પાઉચ સંગીતા શ્યામ શાહ તથા બીજું પાઉચ શાહ શ્યામ મધુભાઈનું હતું. જ્યારે લોન આપી ત્યારે તેમના સોનાના દાગીના હરીશભાઇ હરીલાલ ઝીંઝુવાડીયા પાસે ચેક કરાવ્યા હતા. ગુમ થયેલા પાઉચ મળી ન આવતા બેંકમાં નોકરી કરતા કર્મચારીઓની પુછપરછ કરી હતી.
આ દરમિયાન શ્રુતી શખારે તથા વિષ્ણુ એલાયથ કે જેની ચાવી અંગેની મુખ્ય જવાબદારી છે તેમ છતાં તેઓએ કહ્યું કે, મારી ચાવી કોઇએ લીધી હશે. આ અંગે મને ખબર નથી. બાદમા શ્રુતી શખારે તા.31 જાન્યુઆરી 2025 થી તા.16 ફેબ્રુઆરી 2025 સુધી રજા ઉપર હતા, ત્યારે ચાર્જ અને ચાવી વિષ્ણુ એલાયથને આપીને ગયા હતા, જેથી બ્રાંન્ચ મેનેજરે આ બાબતે વિષ્ણુભાઇ એલાયથને પૂછ્યું તો તેમને પણ જણાવ્યું કે મને પણ ખ્યાલ નથી.
બેંકના લોન ધારક સંગીતા શ્યામ શાહ તથા શ્યામ મધુભાઇ શાહનો કુલ વજન 1005.10 ગ્રામ જેની કુલ કિંમત રૂ. 64,29,600ના સોનાના દાગીનાના પાર્સલ નં-2 બેંકના સ્ટ્રોંગ રૂમના સેફ ડિપોઝિટ તિજોરીમાંથી બેંકમાં ફરજ બજાવતા શ્રુતી શખારે તથા વિષ્ણુ એલાયથએ બેંકની નોકરીના સમયગાળા દરમિયાન ઉપરોકત બંને સોનાના પાર્સલનો પોતાના પાસે રહેલી લોકરની ચાવીઓથી લોકર ખોલી તેમા રહેલા સોનાના પાર્સલ નંગ-2 મેળવી લઇ તે મિલકત કોઇપણ રીતે તે મિલકતના સબંધમાં વિશ્વાસનો ફોજદારી ભંગ કરી ગુનો કર્યો છે જેથી તેની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

