રિપોર્ટ@અમદાવાદ: 4 શખસે ભેગા મળીને કરિયાણાની દુકાન ચલાવનાર વ્યક્તિ પર તલવાર વડે જાહેરમાં હુમલો કર્યો

દુકાનદારે આ મામલે 4 શખસ વિરુદ્ધ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
 
રિપોર્ટ@અમદાવાદ: 4 શખસે ભેગા મળીને કરિયાણાની દુકાન ચલાવનાર વ્યક્તિ પર તલવાર વડે જાહેરમાં હુમલો કર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં લડાઈ-ઝગડાના બનાવો ખુબજ વધી ગયા છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. 4 શખસે ભેગા મળીને કરિયાણાની દુકાન ચલાવનાર વ્યક્તિ પર તલવાર વડે જાહેરમાં હુમલો કર્યો હતો. આ હુમલામાં દુકાનદારને જમણા હાથે ઈજા થઈ હતી. 

દુકાનદારને ફ્રેક્ચર પણ થયું હતું. ચારેય શખસે ભેગા મળીને દુકાનદારને તલવાર વડે ઘા મારી ગડદા પાટુનો માર માર્યો હતો. દુકાનદારે આ મામલે ચારેય શખસ વિરુદ્ધ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

બાપુનગરના મણીલાલની ચાલીમાં રહેતા મોહમંદ કરીમ કરિયાણાની દુકાન ચલાવે છે. 17 સપ્ટેમ્બરે રાતના 10 વાગ્યે તેઓ દુકાન પર હાજર હતા ત્યારે યુસુફ ટકલો, સલમાન ક્રેક, આસિફ હાંડી અને સાઈમાં નામના ચાર શખસ ત્યાં આવ્યા હતા. ચારેય શખસે મોહમંદ કરીમના ઘરથી નજીક રહેતા હતા. ચારેય શખસે ઉશ્કેરાયને ગાળો બોલીને કરીમ સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. કરીમે ગાળો બોલવાની ના પાડતાં યુસુફ અને સલમાને કરીમને તલવારનો ઘા મારીને ફ્રેક્ચર કરી દીધું હતું.

કરીમને લોહી નીકળતું હોવા છતાં સલમાને ડાબા હાથના ભાગે તલવાર વડે બીજો એક ઘા માર્યો હતો. જેથી લોહી નીકળવા લાગ્યું હતું. ત્યારબાદ આસિફ અને સાઇમાએ શરીરે ગડદા પાટુનો માર માર્યો હતો. જેથી કરીમે બુમાબૂમ કરતા આજુબાજુના માણસો આવી જતા ચારેય ત્યાંથી નાસી ગયા હતા. કરીમની પત્નીએ 108 દ્વારા કરીમને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. કરીમે ચારેય વિરુદ્ધમાં બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.