ગુનો@અમદાવાદ: ફિલિપાઈન્સના વિદ્યાર્થી પાસે પાર્સલ લેવાના બહાને આવેલા 4 શખ્સોએ લૂંટ આચરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ચોરી, લૂંટ અને બળાત્કારના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી લૂંટની ઘટનાઓ સામે આવતી હોય છે. અમદાવાદમાં ફિલિપાઈન્સના વિદ્યાર્થી પાસે પાર્સલ લેવાના બહાને આવેલા ચાર શખ્સોએ લૂંટને અંજામ આપ્યો હતો. જે મામલે વાડજ પોલીસે ગુનો નોંધી ગણતરીના સમયમાં જ ચાર આરોપીઓની ધરપકડ કરીને લૂંટનો ભેદ ઉકેલ્યો છે. જોકે, પોલીસે તપાસ કરતા આ લૂંટ કેસમાં ફિલિપાઈન્સના અન્ય વિદ્યાર્થીના ભાઈની પણ સંડોવણીની શંકાને લઈને પણ પોલીસે તપાસ તેજ કરી છે.
મૂળ રાજસ્થાનનો 25 વર્ષીય મુલચંદ ડાકા હાલ ફિલિપાઈન્સ ખાતે રહીને અભ્યાસ કરે છે. તેની સાથે ઇરફાન નામનો વિદ્યાર્થી પણ અભ્યાસ કરતો હોવાથી તેના પરિવારજનોથી તે પરિચીત હતો. ગત 13 ફેબ્રુઆરીએ મુલચંદ ભારત આવવાનો હોવાથી ઇરફાનના ભાઇ નવાબે ફોન કરીને ઉસ્માનપુરા ખાતેથી પાર્સલ લેવાનું જણાવ્યું હતું. જેથી મુલચંદ ઉસ્માનપુરા પાસે ઉભો હતો ત્યારે કેટલાક શખ્સો આવ્યા અને પાર્સલ આપવાની જગ્યાએ કોઇ હથિયાર બતાવી મોબાઇલ ફોન અને પર્સ લૂંટી લીધુ હતું.
બાદમાં મુલચંદ રોડ પર ઉભો હતો ત્યારે થોડી વારમાં પોલીસની ગાડી પસાર થતાં પોલીસને ઉભી રાખી હતી. બાદમાં સમગ્ર હકીકત જણાવતા વાડજ પોલીસે ગુનો નોંધી સીસીટીવી આધારે આરોપી ભાવીન ચક્રવર્તી, ચિરાગ ઉર્ફે જાડુ ચૌહાણ, વિકાસ ઉર્ફે વિકી મકવાણા અને વિશાલ ઉર્પે વિસુ વાઘેલાની ધરપકડ કરી હતી. પોલીસે તપાસ કરતા ચારેય આરોપીઓનો ગુનાઈત ઈતિહાસ સામે આવ્યો હતો. મુખ્ય આરોપી ભાવીન ચક્રવર્તી વિરૂદ્ધ સાયબર ક્રાઈમ અને ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં જ્યારે વિશાલ ઉર્ફે વિસુ વાઘેલા વિરૂદ્ધ વાડજ અને સોલામાં મારામારી અને પ્રોહિબિશનના ચાર ગુના નોંધાયા છે અને એક વખત પાસા પણ કરાઇ હતી.