ગુનો@અમદાવાદ: એક યુવક પર 4 ઈસમોએ હથિયારોથી હુમલો કર્યો, વધુ વિગતે જાણો

 પેટમાં ચપ્પુ મારી દેતા યુવક લોહીલુહાણ 
 
 ગુનો@અમદાવાદ: એક યુવક પર 4 ઈસમોએ  હથિયારોથી હુમલો કર્યો, વધુ વિગતે જાણો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં મારા-મારીના બનાવો  ખુબજ વધી ગયા  છે.હાલમાંજ એ ભયાનક બનાવ સામે આવ્યો છે.

મૂળ યુપીનો અલી તાલીબ હુસૈન અને તેનો ભાઇ મોહમદ શેહરોજ હુસૈન માધવપુરાના બારડોલપુરા ચાર રસ્તા પાસેના સુપ્રભાત એસ્ટેટ પાસે આવેલા એક કારખાનામાં સિલાઇ કામ કરે છે. ગત રવિવારે કારખાનામાં રજા હોવાથી સાંજે મોહમદ શેહરોજ દોડતો દોડતો આવ્યો અને ચારેક લોકોએ તેની સાથે ઝઘડો કરીને મારવા આવ્યા હોવાનું તેના ભાઇને જણાવ્યું હતું. જેથી તમામ લોકોએ નીચે જઇને જોયું તો ચારેક શખ્સો હથિયાર સાથે ઊભા હતા અને તે લોકોએ કારખાનામાં જે યુવક ઘૂસ્યો તેને નીચે મોકલો તેમ કહેતા મોહમદ શેહરોજ નીચે આવ્યો હતો. ત્યારે આ શખ્સો દંડા અને પાઇપ સાથે તેની પર તૂટી પડ્યા હતા. જ્યારે એક શખ્સે મોહમદ શેહરોજને ચપ્પુ મારી દેતા મોહમદ શેહરોજ લોહીલુહાણ હાલતમાં ફસડાઇ પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ માધવપુરા પોલીસ ત્યાં પહોંચી હતી.

પોલીસે યુવકની પૂછપરછ કરતા તેને ધાર્મિક નારા લગાવવાનું કહેતા તેણે મનાઇ કરતા તેના પર હુમલો થયો હોવાનું મૌખિક જણાવ્યું હતું. જોકે, પોલીસે આ બાબતને નકારી અંગત બાબતમાં આ ઘટના બની હોવાનું જણાવી હત્યાની કોશિશનો ગુનો દાખલ કર્યો છે. આ મામલે પોલીસે ગણેશ, ઋત્વિક, જીગર, સાહિલ નામના ચાર લોકોની અટકાયત કરી હકીકત સુધી પહોંચવા પ્રયાસ હાથ ધર્યા છે.

મોહમદ શેહરોજ પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. આ શખ્સોએ ધાર્મિક નારા લગાવવા બાબતે યુવકને કહ્યું હોવાનું તે પોલીસને મૌખિક નિવેદનમાં જણાવી રહ્યો હોવાના વીડિયો છે. પોલીસ આ બાબતે નક્કર કાર્યવાહી કરે તે જરૂરી છે.- ગ્યાસુદ્દીન શેખ, પૂર્વ ધારાસભ્ય

ઇજાગ્રસ્તની હાલત જોતા હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ કરી રહ્યા છીએ. ભોગ બનનાર અને આરોપીઓ વચ્ચે અંગત બાબતમાં ઝઘડો થયો હતો અને ત્યારબાદ આરોપીઓએ હુમલો કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે. નારા લગાવવા બાબતની વાત ખોટી છે અને આ પ્રકારે કોઇ પણ વ્યક્તિ અફવા ન ફેલાવે. - આઇ. એન. ઘાસુરા, પીઆઇ, માધવપુરા પોલીસ સ્ટેશન