ગુનો@અમદાવાદ: આરોપીએ યુવકને બિસ્કિટ ખવડાવી બેહોશ કરી 2.52 લાખના દાગીના ઉતારી લીધા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરતથી અમદાવાદ આવવા ખાનગી ટ્રાવેલ્સમાં બેસીને નીકળેલા યુવકને બાજુમાં બેઠેલા પેસેન્જરે બિસ્કિટ ખાવા માટે કહ્યું હતું. યુવકે બિસ્કિટ ખાવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ વધુ આગ્રહ કરતા યુવકે પેકેટમાંથી એક બિસ્કિટ ખાધું અને પેસેન્જરની પાણીની બોટલમાંથી થોડું પાણી પીધા બાદ યુવક બેહોશ થઈ ગયો હતો. આ દરમિયાન અજાણ્યા શખ્સે યુવકના ગળામાં અને હાથમાં પહેરેલા સોનાના દાગીના ચોરીને આગળના બસ સ્ટેન્ડ પર ઉતરી ગયો હતો.
સવારે જ્યારે ખાનગી ટ્રાવેલ્સ નિકોલ પહોંચી ત્યારે લક્ઝરી કંડક્ટરે યુવકને ઉઠાડ્યો ત્યારે જાણ થઈ કે તેણે પહેરેલા રૂ. 2.52 લાખના દાગીના તેની બાજુમાં બેઠેલો શખ્સ ચોરી જતો રહ્યો છે. યુવકે આ અંગે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
કૃષ્ણનગરમાં રહેતા ૪૩ વર્ષીય રાજુભાઈ રાઠોડ 14 ફેબ્રુઆરીએ રાત્રે તેની ભાણીની સગાઈ માટે સુરત ગયા હતા અને 15 ફેબ્રુઆરીએ રાત્રે સુરતથી અમદાવાદ આવવા માટે લક્ઝરી બસમાં બેઠા હતા. તેમની બાજુમાં મજબૂત બાંધાનો યુવક કાળા કલરનો શર્ટ પહેરીને આવીને બેઠો હતો. કામરેજ ચોકડી આવતા લકઝરીમાં ડીઝલ પુરાવવા માટે પેટ્રોલ પંપે ઊભી રહી ત્યારે યુવકની બાજુમાં બેઠેલો શખ્સ નીચે ઉતરીને પાણીની બોટલ અને બિસ્કિટનું એક પેકેટ લઈને આવ્યો હતો. બાદમાં રાજુભાઈને બિસ્કિટ ખાવા માટે કહ્યું હતું.
શરૂઆતમાં રાજુભાઈએ બિસ્કિટ ખાવા માટે ઇનકાર કરી દીધો હતો, પરંતુ વધુ આગ્રહ કરતા રાજુભાઈ એક બિસ્કિટ ખાધું હતું અને શખ્સ પાસે રહેલી પાણીની બોટલમાંથી થોડું પાણી પીધુંને થોડા સમયમાં રાજુભાઈની આંખો ઘેરાવા લાગી અને બેહોશ જેવા થઈ ગયા હતા.
આ તકનો લાભ લઈને શખ્સે રાજુભાઈએ પહેરેલા સોનાના દાગીના ઉતારી લીધા હતા અને આગળના અજાણ્યા બસ સ્ટેન્ડ પર ઉતરી ગયો હતો.૧૬ ફેબ્રુઆરીની સવારે જ્યારે રાજુભાઈ નિકોલ પહોંચ્યા ત્યારે બસના કંડક્ટરે રાજુભાઈને ઉઠાડ્યા ત્યારે તે હોશમાં આવ્યા અને જોયું તો તેમણે પહેરેલા દાગીના ચોરાઈ ગયા હતા. રાજુભાઈની તબિયત વધુ ખરાબ હોવાથી તેમણે દીકરાને ફોન કરીને બોલાવ્યો હતો. ત્યારબાદ નજીકની હોસ્પિટલમાં સારવાર લીધા બાદ રૂ. 2.52 લાખના સોનાના દાગીના બસમાં ચોરાઈ ગયા હોવાની ફરિયાદ નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.