ક્રાઈમ@અમદાવાદ: 5 વર્ષની માસુમ બાળકી પર આરોપીએ દુષ્કર્મ આચર્યું, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
શહેરના સોલા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ભાડજ વિસ્તારમાં રૂંવાડા ખડા કરી દે તેવી ઘટના સામે આવી છે. એક કન્સ્ટ્રક્શન સાઇટ પરની લેબર કોલોનીમાં રહેતી પાંચ વર્ષની બાળકી ઘર પાસે અન્ય બાળકો સાથે રમતી હતી ત્યારે અચાનક કોઇ અજાણ્યો શખ્સ આ બાળકીને અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો. ત્યાં તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. બાળકી ગંભીર હાલતમાં ઘરે આવી ત્યારે તેને ગુપ્ત ભાગે લોહી નીકળતું હોવાથી તેની નાની સહિતના લોકો હોસ્પિટલ લઇ ગયા હતા.
ફરજ પરના ડોક્ટરે બળાત્કાર થયો હોવાનું જણાવતા સોલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મૂળ મધ્યપ્રદેશની 50 વર્ષીય મહિલા ભાડજમાં એક કન્સ્ટ્રક્શન સાઇટ પર રહે છે. આ મહિલાની પુત્રી તથા જમાઇ એક વર્ષ પહેલા બિમારીને કારણે મૃત્યુ પામ્યા હતા. જેથી મહિલા પોતાના પુત્રની સાથે સાથે પાંચ વર્ષની પૌત્રીને પણ સાથે રાખે છે અને મજૂરી કામ કરે છે. વાસી ઉત્તરાયણના દિવસે મહિલા ઘરે કામ કરતી હતી અને પુત્ર કામથી બહાર ગયો હતો ત્યારે પૌત્રી ત્યાં અન્ય બાળકો સાથે રમતી હતી. કામ પૂરૂ થતાં મહિલા તેમની પૌત્રીને બોલાવવા ગઇ ત્યારે તે ત્યાં જણાઇ ન હતી. તેથી આસપાસમાં તપાસ કરવા છતાં બાળકી મળી આવી ન હતી. બાળકી રમીને પાછી આવશે તે આશાએ મહિલા ફરીથી પોતાના ઘરે જઇને કામ કરતી ત્યારે પાંચ વર્ષની પૌત્રી હાથમાં કપડાં લઇને આવી હતી. જેથી ગભરાઇ ગયેલી મહિલાએ જોયું તો પૌત્રીને ગુપ્ત ભાગે લોહી નીકળતું હતું. ડરી ગયેલી મહિલા આસપાસના લોકોની સાથે પૌત્રીને લઇને સોલા સિવિલ ગઇ હતી. જ્યાં ડોક્ટરે બળાત્કાર ગુજારાયો હોવાનું જણાવી સોલા પોલીસને જાણ કરી હતી. જે મામલે સોલા પોલીસે તપાસ કરતા કોઇ શખ્સ ઘર પાસે રમતી બાળકીનું અપહરણ કરીને બળાત્કાર ગુજારીને ઘર પાસે પરત મૂકી ગયો હોવાનું સામે આવ્યુ હતું. હાલ આ મામલે સોલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મજૂરી કામ કરતા લોકોની પૂછપરછ કરાઇ
આ ઘટનાસ્થળ પર અનેક લોકો મધ્યપ્રદેશથી મજૂરી કામે આવ્યા છે. જેથી પોલીસે અહીં કામ કરતા અનેક મજૂરોની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બાળકીને આ સાઇટની નજીક ઝાડીમાં લઇ જઇને નરાધમે બળાત્કાર ગુજાર્યો હતો. આ મામલે પોલીસે આસપાસના લોકોની પણ પૂછપરછ હાથ ધરી છે.