ક્રાઈમ@અમદાવાદ: આરોપીએ લગ્ન કરવાની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ આચર્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં દુષ્કર્મના ગુનાઓ ખુબજ વધી ગયા છે. ફરી એકવાર દુષ્કર્મની ઘટના સામે આવી છે. ઘોડાસરમાં જીમ ટ્રેનરે જીમમાં આવતી યુવતીને શારિરીક અડપલા કર્યા હતા, યુવતીએ પ્રતિકાર કરતા ટ્રેનરે માફી માંગી લીધી હતી. ત્યારબાદ મોબાઈલમાં મેસેજો કરીને વાત શરૂ કરી લગ્નની લાલચ આપી હતી. જે બાદ અલગ અલગ જગ્યાએ યુવતીને લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતુ. જો કે યુવતીએ લગ્નની વાત કરી ત્યારે ટ્રેનરે જ્ઞાતિનો ભેદભાવ કહીને લગ્નની ના પાડી દીધી હતી. જેથી યુવતીએ આ મામલે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ટ્રેનરની ધરપકડ કરી છે.
મણિનગરમાં રહેતી 30 વર્ષીય યુવતી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. યુવતીને તેનુ વજન ઘટાડવુ હોવાથી તેણે ઘોડાસરમાં આવેલા જીમમાં મેમ્બરશીપ લીધી હતી. જીમમાં ટ્રેનર તરીકે અંકિતસિંઘ ઠાકુર હતો જે યુવતીને જીમમાં કસરત કરવાનું શિખવતો હતો. તે સમયે અંકિતસિંઘે યુવતી સાથે શારિરીક અડપલા કરવાનું શરૂ કર્યુ હતુ. જો કે યુવતીએ પ્રતિકાર કર્યો હતો, જેથી અંકિતસિંઘે યુવતીને મેસેજ કરીને માફી માંગી હતી. ત્યારબાદ બન્ને વચ્ચે ફોન પર વાતો થવા લાગી હતી અને અંકિતે યુવતીને લગ્નની લાલચ આપી હતી.
જેથી બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેનો ફાયદો લઈને અંકિત યુવતીને અલગ અલગ હોટલોમાં લઈ ગયો હતો અને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ ગુજાર્યું હતુ. એક દિવસ યુવતીએ અંકિતને લગ્ન અંગેની વાત કરી ત્યારે અંકિતે જ્ઞાતિનો ભેદભાવ કાઢીને લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.

