ક્રાઈમ@અમદાવાદ: લગ્નના બે વર્ષ બાદથી પતિએ મહિલા પર ત્રાસ ગુજારતા,પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
લગ્નના બે વર્ષ બાદથી પતિએ મહિલા પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું.મેમનગરમાં રહેતી 47 વર્ષીય મહિલાનો પતિ જુલાઇ માસથી અલગ રહે છે. મહિલાએ વર્ષ 2007માં લગ્ન કર્યા હતા અને તેનો પતિ વકીલાતનું કામ કરે છે. લગ્નના બે વર્ષ બાદથી પતિ ઘરકામ જેવી બાબતોમાં પત્ની સાથે બોલાચાલી કરી તેને માર પણ મારતો હતો. અવાર નવાર પત્નીને પિયર જવા દબાણ કરતા પત્નીએ તપાસ કરી તો તેના પતિને સસરાનું કારખાનું પડાવી લેવાની દાનત હોવાથી તે પિયરમાં રહેવા જવાનું કહેતો હતો.
આ પ્રકારના ત્રાસના કારણે મહિલાએ અગાઉ પોલીસને અરજી પણ આપી હતી. જો કે ત્યારે સમાધાન થયું હતું. બાદમાં મહિલાના પતિએ બદનામ કરવા માટે લોકોને 'મારી પત્નીએ મને ઘરમાંથી કાઢી મૂક્યો છે, હું પત્ની પીડિત પુરુષ છું, મેં મારા પૈસાથી તેને ભણાવી નોટરી બનાવી છે' તેવું કહેતો હતો. જે બાબતે મહિલાએ તેના પતિને વાત કરતા તેણે બોલાચાલી કરી મારામારી કરી હતી અને બાદમાં બેગ ભરીને ઘરેથી નીકળી ગયો હતો. જેથી પતિના ત્રાસથી કંટાળીને મહિલાએ ફરિયાદ નોંધાવતા મહિલા પશ્ચિમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.