ગુનો@અમદાવાદ: ફરી હથિયારોના ગેરકાયદે વેપારનો પર્દાફાશ થયો,હથિયારો સાથે ધરપકડ કરી

દોઢેક વર્ષથી રાખેલા પાંચ હથિયાર મળ્યા હતા.
 
ગુનો@અમદાવાદ: ફરી હથિયારોના ગેરકાયદે વેપારનો પર્દાફાશ થયો,હથિયારો સાથે ધરપકડ કરી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

ઝોન-7 ડીસીપી તરુણ દુગ્ગલની એલસીબીના ASI એમ.એલ. રામાણીની ટીમને બાતમી મળી હતી કે વાસણામાં ફરતા એક શખ્સ પાસે હથિયારો છે અને આ શખ્સ હથિયારો વેચવાનું મોટું કૌભાંડ ચલાવી રહ્યો છે. બાતમી આધારે રેડ કરી હથિયારના સોદાગરો આરોપી શાહનવાઝ ઉર્ફે શાનુ શેખ, સમીર ઉર્ફે સોનુ પઠાણ, ફરાનખાન પઠાણ, ઉઝેરખાન પઠાણ, ઝૈદખાન પઠાણ અને શાહરૂખખાન પઠાણની ધરપકડ કરી છે. પોલીસે બાતમી આધારે પહેલા વિશાલા હોટલ નજીકથી શાહનવાઝની હથિયારો સાથે ધરપકડ કરી હતી.

બાદમાં તેની પૂછપરછમાં સમીરનું નામ સામે આવ્યું અને આ હથિયાર તેની પાસેથી લીધા હોવાનું શાહનવાઝે કબૂલ્યુ હતું. જેથી પોલીસે સમીરની અટકાયત કરી હતી અને તેની પૂછપરછમાં બીજા 9 હથિયાર ફરાન પઠાણ પાસે હોવાની કબૂલાત કરતા એલસીબી ફરાન સુધી પહોંચી અને અન્ય ત્રણ લોકો પાસે પણ હથિયારો હોવાનું સામે આવતા પોલીસે હથિયારોને વેચાણનું નેટવર્ક તોડી પાડ્યુ હતું.

એલસીબી દ્વારા તપાસ કરતા સામે આવ્યું કે આરોપી સમીર મૂળ મધ્ય પ્રદેશનો રહેવાસી છે અને સમીરના ગામનો આફતાબ આ હથિયાર મોકલતો હતો. સમીર બાય રોડ ટોસ્ટ બિસ્કિટના પાર્સલમાં હથિયારો મૂકીને અમદાવાદ લાવીને આરોપી ફરાનને આપતો હતો. આ હથિયારની એક ડિલિવરીના સમીરને 5 હજાર મળતા હતા. જ્યારે ફરાન 25 હજારનું હથિયાર અન્ય આરોપીઓને બમણાં ભાવે એટલે કે 50 હજાર સુધીમાં વેચી દેતો હતો. પ્રાથમિક તપાસમાં આરોપી સમીરે 15 ટ્રીપ મારી હથિયાર લાવ્યો હોવાનું સામે આવ્યું છે.

નોંધનીય છે કે આફતાબની ધરપકડ બાદ હથિયાર વેચાણનું દેશવ્યાપી કનેક્શન સામે આવે તેવું પોલીસ માની રહી છે. કારણ કે એક આરોપીની પાસેથી પોલીસને દોઢેક વર્ષથી રાખેલા પાંચ હથિયાર મળ્યા હતા. જેથી તેણે આ હથિયાર કેમ વેચ્યા નહીં તે સવાલ શંકા ઉપજાવે તેવો છે. આ રેકેટ ઘણા સમયથી ચાલતુ હોવાની શંકાના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

એલસીબી સ્ક્વોડે પકડેલા આરોપીઓ

- શાહનવાઝ ઉર્ફે શાનુ શેખ (રહે. વટવા ચાર માળિયા)

- સમીર ઉર્ફે સોનુ પઠાણ (રહે. અલીફનગર વટવા, મૂળ એમપી)

- ફરાનખાન પઠાણ (રહે. જમાલપુર પગથિયા)

- ઉઝેરખાન પઠાણ (રહે. કંદોઇ ગલી, જમાલપુર)

- ઝૈદખાન પઠાણ (રહે. સુભાખાનની ચાલી, જમાલપુર)

- શાહરૂખખાન પઠાણ (રહે. મોચીઓળ, જમાલપુર)

પોલીસ કેવી રીતે એક આરોપીમાંથી છ લોકો સુધી પહોંચી?

ઝોન-7 એલસીબીને બાતમી મળી કે શાહનવાઝ હથિયારો સાથે વિશાલા પાસેથી નીકળવાનો છે. જેથી પોલીસે તેને પહેલા ઝડપી પાડ્યો અને હથિયારો ક્યાંથી લાવી કેમ રાખ્યા અને કોને આપવાનો તે બાબતે પૂછપરછ શરૂ કરી હતી. ત્યારબાદ શાહનવાઝે એમપીના સમીરે હથિયારો આપ્યા હોવાની કબૂલાત કરતા પોલીસે સમીરને પકડ્યો હતો. પોતે મધ્ય પ્રદેશનો હોવાથી ત્યાંના આફતાબ પાસેથી હથિયારો લાવી અન્ય આરોપીઓને વેચી પાંચેક હજાર કમાતો હોવાની કબૂલાત કરી હતી. જેથી આરોપીએ જે જે લોકોના નામ આપ્યા તે તમામ લોકો સુધી પોલીસ પહોંચી હતી.

બિસ્કિટના બોક્સની આડમાં લક્ઝરીમાં લવાતા હથિયારો

આરોપી સમીર મૂળ એમપીનો છે અને પકડાયેલા તમામ આરોપીઓ ફરાનના સંબંધીઓ છે. ફરાન આરોપી સમીરને રોકડા 20થી 40 હજાર આપી એમપી મોકલતો હતો. જ્યાંથી તે હથિયારો લાવી પાંચ હજાર કમિશન લેતો હતો. સમીર અને આફતાબ એકબીજાના સંપર્કમાં હોવાથી હથિયારનું ખરીદ વેચાણ કરતા હતા. પણ જ્યારે ફરાને એક બાદ એક હથિયારો મગાવવાનું શરૂ કર્યું ત્યારે સમીરે આફતાબ અને ફરાનનો ડાયરેક્ટ સંપર્ક કરાવી દીધો હતો. બાદમાં ફરાન આફતાબ સાથે વાત કરી હથિયારોની ડીલ કરતો અને સમીર લક્ઝરી બસમાં જતો અને ત્યાંથી પણ બસમાં બિસ્કિટ ટોસ્ટના બોક્સમાં હથિયારો લાવતો હતો.

આફતાબ પકડાયા બાદ અનેક રહસ્યો ખૂલશે

ફરાનના કહેવાથી સમીર હથિયારો લાવી આપતો હતો. પણ બાદમાં ફરાને વધુ વાર હથિયારો મંગાવતા સમીરે આફતાબ અને ફરાનનો સંપર્ક કરાવ્યો હતો. ફરાન અગાઉ જમાલપુરમાં મારા મારીના ગુનામાં પકડાયો હતો. સમીર દહેગામમાં પશુ હેરફેરના ગુનામાં પકડાયો હતો. ફરાન જમાલપુર ફૂલબજાર પાસે મ્યુનિ. પાર્કિંગનો કોન્ટ્રાક્ટ ધરાવે છે અને સમીર આ પાર્કિંગમાં નોકરી કરતો હોવાથી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. આફતાબ પકડાયા બાદ અનેક સહસ્યો ખૂલશે તેમ પોલીસ માની રહી છે.