ગુનો@અમદાવાદ: કારીગર રૂ. 1.22 કરોડનું સોનું લઇને ફરાર, જાણો સમગ્ર બનાવ એકજ ક્લિકે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ચોરીના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ચોરીનો બનાવ સામે આવતો હોય છે. માધવપુરામાં જ્વેલરે કારીગરને સોનાના દાગીના બનાવવા આપ્યા હતા પણ કારીગર રૂ. 1.22 કરોડનું સોનું લઇને ફરાર થઇ ગયો હતો. અગાઉ કારીગરે વેપારીનો વિશ્વાસ જીતવા દાગીના બનાવી આપ્યા હતા બાદમાં વધુ દાગીના બનાવવા પ્યોર સોનું આપ્યા બાદ કારીગર સોનું લઈને ફરાર થઇ ગયો હતો. વેપારીએ ગુલામ મુર્તુજા શેખ વિરુદ્ધ માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આંબલી-બોપલ રોડ પર રહેતા દર્શનભાઇ પટેલ માધવપુરામાં મનુભાઇ ઝવેરી ઓર્નામેન્ટસ પ્રા.લિ. નામથી સોનાના દાગીના બનાવે છે. 2019માં શેખ ગુલામ મુર્તુજાને તેમની સીજી રોડ પરની ઓફિસે મળવા બોલાવ્યો હતો. તે સમયે ગુલામે જણાવ્યું કે અમે સોનાના ડિઝાઇન બનાવવાનું લેબરકામ કરીએ છીએ. દર્શનભાઇએ ગુલામ શેખને સોનાના દાગીના બનાવવાનું કામ આપવાનું શરૂ કર્યું હતું. વિશ્વાસ જીતવા ગુલામે કહ્યું કે મારું ખૂબ જ મોટું કામ છે.
મારી પાસે 40 કારીગરો છે અને તમે સારી જગ્યા આપો તો તમને તમારા દાગીના ઝડપી બનાવીને આપું. દર્શનભાઇએ માધવપુરામાં તેમને સોનાના દાગીના બનાવવા જગ્યા આપી હતી. ત્યારબાદ દર્શનભાઇએ સોનાના દાગીના બનાવવા શેખ ગુલામને રૂ. 1.22 કરોડનું 1955.764 ગ્રામ સોનું દાગીના બનાવવા આપ્યું હતું. પરંતુ ગુલામ શેખે તેના દાગીના નહીં બનાવી પ્યોર સોનું લઇને પલાયન થઇ ગયો હતો. ઉપરાંત કારખાને આવવાનું બંધ કરી દીધું હતું અને ફોન પણ બંધ આવતો હતો. તેથી દર્શનભાઇએ માધવપુરા પોલીસ સ્ટેશનમાં ગુલામ શેખ સામે છેતરપિંડીની ફરિયાદ નોધાવી છે.