ગુનો@અમદાવાદ: વેપારીના પુત્ર અને ડ્રગ્સ આપવા જનાર બંનેની ધરપકડ કરી,વધુ વિગતે જાણો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ ગ્રામ્ય એસઓજીના પીઆઇ એન. એચ. સવસેટાની ટીમને બાતમી મળી હતી કે, શેલા ઉલારિયા ચોકડી પાસે આવેલા ઓર્ચિડ બ્લ્યુ ફ્લેટ પાસે એક શખ્સ મોડી રાત્રે ડ્રગ્સની ડિલિવરી કરવાનો છે. જેથી પોલીસે ત્યાં વોચ ગોઠવી ત્યારે બાઇક પર ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલા મૂળ મધ્યપ્રદેશના લલિત ઉર્ફે ક્રિષ્ણા બૈસની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે, તે અર્ચિત અગ્રવાલ નામના વ્યક્તિના ગોડાઉનમાં રહે છે અને આ ડ્રગ્સનો જથ્થો તેણે જ વેચવા આપ્યો હતો.
જેથી પોલીસે પેડલર એવા અર્ચિત અગ્રવાલ (રહે. એપલવુડ એપા. શેલા)ની તપાસ કરી તેની પણ ધરપકડ કરી હતી. પોલીસે તપાસ કરતા અર્ચિત સંજયભાઇ અગ્રવાલે બીકોમ સુધીનો અભ્યાસ કર્યો છે અને પોતે ડ્રગ્સનો બંધાણી છે. તેણે આ ડ્રગ્સ સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ પ્લેટફોર્મ મારફતે મગાવ્યું હતું. આરોપી લલિત તેના ગોડાઉન પર રહેતો હોવાથી તેને ગ્રાહકોને મોડી રાત્રે ડિલિવરી કરવા મોકલ્યો હતો. પોલીસે હાલ તો 10.05 ગ્રામ હાઇબ્રિડ ગાંજો અને 27.45 ગ્રામ ચરસનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપી અર્ચિત સંજયભાઇ અગ્રવાલ સનાથલ પાસેના એપલવુ઼ડ વિલામાં રહે છે. તે ડ્રગ્સનો બંધાણી હોવાથી ખર્ચો કાઢવા માટે પેડલર બન્યો હોવાનું પોલીસ માની રહી છે. સાથે જ આરોપી ડાર્ક વેબ પરથી પણ ડ્રગ્સનો જથ્થો મગાવી ચૂક્યો હોવાનું મનાય રહ્યું છે. જોકે, હાલ તે દોઢેક વર્ષથી સોશિયલ મીડિયા પરથી ડ્રગ્સ મગાવી પેડલર તરીકે કામ કરતો હોવાનું સામે આવ્યું છે.